લિઝ ટ્રસ સરકારે 45 ટકાનો સૌથી ઊંચો ટેક્સ સ્લેબ નાબૂદ કરવાના પ્રસ્તાવને ગણતરીના દિવસોમાં જ રદ કરવાની નાટ્યાત્મક પીછેહઠ કરવી પડી છે તેને તાજેતરના ઈતિહાસમાં સૌથી મોટા રાજકીય ફીઆસ્કા તરીકે ગણાવી શકાય.
‘ઉતાવળે કામ કરો અને નિરાંતે પસ્તાવ’ કહેવતની માફક વડા પ્રધાન ટ્રસ અને ચાન્સેલર ક્વારટેંગ નવી સરકાર બનાવ્યાના થોડા જ દિવસમાં આમ કરી નાખીશું, તેમ કરી નાખીશુંના વાયદા કે વચનો પૂરાં કરવાની લ્હાયમાં વડીલોની સલાહ ભૂલી ગયા અને મિનિ બજેટમાં ટેક્સ કાપ અને 45 ટકાનો ટેક્સ સ્લેબ રદ કરી નાખવાની જાહેરાતો કરી નાખી તે બૂમરેંગ સાબિત થઈ. અત્યાર સુધી આર્થિક વાસ્તવિકતાને સમજવાનો સ્પષ્ટ ઈનકાર કરી રહેલાં લિઝ ટ્રસને રાજકીય બળવાની વાસ્તવિકતાએ સાચી સમજ આપી દીધી છે પરંતુ બ્રિટનની વિશ્વસનીયતાને ભારે ધક્કો પહોંચ્યો છે.
કોરોના મહામારી સમયે આર્થિક સંકટ, બિઝનેસીસ અને રોજગારીનું સંકટ આવી ઉભું ત્યારે તત્કાલીન ચાન્સેલર રિશિ સુનાકે નવતર યોજનાઓ અમલમાં મૂકી જાહેર ખર્ચ વધારી દીધો નાણા ખર્ચાયા હોય તે આપણે જ ભરપાઈ કરવાના રહે તે સ્વાભાવિક છે. રાજનો ખજાનો ખાલી હોય ત્યારે થોડા ટેક્સીસ વધારીને કે ખર્ચ ઘટાડીને બજેટ સમતોલ બનાવાય પરંતુ, ખર્ચ વધારવાથી અને જરૂરિયાતમંદો ના લાભ પાછાં ખેંચી લેવાની નીતિ કામ લાગી શકે નહિ..
ટ્રસને લીડરશિપ સ્પર્ધામાં સમર્થન કરનારા સહિતના કન્ઝર્વેટિવ સાંસદો માટે મિનિ બજેટથી આંતરરાષ્ટ્રીય બોન્ડ માર્કેટ્સમાં જે રીતે અરાજકતા સર્જાઈ અને મજબૂત પાઉન્ડ ગગડવા માંડ્યો તેની અસર આગામી ચૂંટણીમાં અવશ્ય થશે તે સમજાઈ ગયું છે. સામાન્ય રીતે પાર્ટી નવા નેતાને શંકાનો લાભ આપતી હોય છે પરંતુ, ટ્રસ અને ક્વારટેંગને આ લાભ મળવાનો નથી. નેતાપદે આવ્યા પછી લિઝ ટ્રસે પ્રતિસ્પર્ધી રિશિ સુનાકના સમર્થકોને વીણી વીણીને બહાર કાઢ્યા હતા જેથી ભવિષ્યમાં બળવાની શક્યતા મીટાવી શકાય પરંતુ, આર્થિક પગલાએ તેમનું રાજકીય ગણિત ઉંધુ વાળી દીધું છે. હવે તેમના માટે તો ‘કરવા ગયાં કંસાર અને થઈ ગઈ થુલી’ જેવી કરૂણ હાલત સર્જાઈ છે. ચાન્સેલર ક્વારટેંગે નાટ્યાત્મક આર્થિક પીછેહઠ કરી તેનો થોડો લાભ દેશને અવશ્ય મળ્યો છે પરંતુ, વડા પ્રધાને તેમના પગલાંથી પોતાને દૂર કરી દેતાં બંને વચ્ચે હવે અવિશ્વાસની ખાઈ સર્જાઈ છે જે ક્વારટેંગ માટે રાજકીય આત્મઘાત સમાન પૂરવાર થશે તેમાં શંકાને સ્થાન નથી.
ટેક્સ સ્લેબ દૂર કરવા સહિતના પગલાં પાછાં નહિ ખેંચાય તેવો હુંકાર કરનારા ટ્રસ અને ક્વારટેંગને સમજાઈ ગયું છે કે તેઓ આ મુદ્દે સંસદીય બળવો અટકાવી શકે તેમ નથી અને તેના પરિણામે અન્ય પગલાં લેવાના છે તેના પર પણ વિપરીત અસર પડશે. પક્ષના નવા અધ્યક્ષે તો બળવાખોર સાંસદોનો વ્હીપ આંચકી લેવાની ધમકી આપી દીધી તેનાથી તો આગ વધુ ભડકી છે. માઈકલ ગોવ અને ગ્રાન્ટ શાપ્સ જેવા પૂર્વ મિનિસ્ટર્સે બળવાનો દોર હાથમાં લઈ લેતા સરકાર સામે ગંભીર જોખમની હાલત સર્જાઈ છે.
કોઈ પણ રાજકીય પાર્ટી માટે ધનવાનો માટે ટેક્સમાં વધુપડતી રાહત અને ગરીબોના બેનિફિટ્સમાં કાપ મૂકવાનું પાલવે નહિ. ટ્રસ અને ક્વારટેંગને પોતાની આ નીતિ સામે પાર્ટીના સાંસદોનો વિરોધ વધી રહ્યો હોવાનું લાગતા જ તેમણે આ દરખાસ્ત પડતી મૂકવામાં જ શાણપણ જોયું તે બદલ દાદ આપવી પડે. જોકે, તેમના કારણે બ્રિટન અને સરકારની વિશ્વસનીયતા દયાજનક હાલતમાં આવી પડી તેને ચલાવી શકાય નહિ. આનો પડઘો વિવિધ ઓપિનિયન પોલ્સમાં જોવા મળ્યો છે. લેબર પાર્ટીની તરફેણમાં સરસાઈ વધી રહી છે. જો આ સમયે ચૂંટણી યોજાય તો લેબર પાર્ટી અભૂતપૂર્વ સરસાઈ હાંસલ કરે અને ટોરી પાર્ટીને ગણતરીની જ બેઠક મળે તેવો સિનારિયો દર્શાવાય છે. જોકે, વાસ્તવિક ચૂંટણીના સમયે સિનારિયો બદલાઈ જતો હોય છે. ટોરી પાર્ટી માટે ખરાબ હાલત એવી છે કે એક સરકારની જ મુદતમાં ચાર વડા પ્રધાન આવવાથી નીતિમાં સાતત્ય રહ્યું નથી. ટોરી કેબિનેટમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. સરકારના મિનિસ્ટર્સ જ સરકારના નિર્ણયો કે પ્રસ્તાવોની વિરુદ્ધ જાહેરમાં બખાળાં કાઢી રહ્યા છે. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને 45 ટકાનો ટેક્સરેટ પુનઃ સ્થાપિત કરવાના નિર્ણય સામે પ્રશ્ન ઉઠાવ્યો છે તો કેટલાક મિનિસ્ટર્સ બેનિફિટ્સમાં કાપ મૂકવા સામે બાંયો ચડાવી રહ્યા છે. આજે તો એમ કહી શકાય કે કન્ઝર્વેટિવ્ઝને માત્ર કન્ઝર્વેટિવ્ઝ જ હરાવી શકે છે. અર્થાત, ખોટી આર્થિક નીતિઓ અને રાજકીય ગણતરીઓથી આંતરિક બળવાની પરિસ્થિતિ સર્જાય તેના માટે જનતાનો વાંક કેવી રીતે કાઢી શકાય?
