મહદ્ અંશે લગ્નો કરાવનાર કે અંતિમવિધિ કરાવનાર પંડિતો ભાઇઓ જ હોય છે. બહેનો ભાગ્યે જ જોવા મળે છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર નીમુબહેન ભટ્ટનું વ્યક્તિત્વ એમાં અલગ ભાત પાડે છે. હાલ ૮૪ વયના આરે આવેલ નીમુબહેને ૬૬ વર્ષની વયે પોતાના નિજાનંદ માટે નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું સાહસ કર્યું. “મન હોય તો માળવે જવાય"ની જેમ એમને નવું શીખવામાં ઉમરનો બાધ નડ્યો નહિ! લગ્નવિધિ,કથા, સ્મશાનમાં અંતિમ સંસ્કાર જેવી વિધિઓના સંસ્કૃત શ્લોકોનો અભ્યાસ કરી તેનું અંગ્રેજીમાં રૂપાંતર કરવાની આવડત હસ્તગત કરી લીધી. તેમણે કહ્યું, "મને ખબર નથી કે કઇ રીતે મારો ઇંગ્લીશ ભાષા પર કાબૂ આવી ગયો? હું તો માત્ર મેટ્રીક સુધી જ ભણી છું પણ બ્રાહ્મણની દિકરી હોવાના નાતે સંસ્કૃત શ્લોકોનું પઠન તો ગળથૂથીમાંથી જ.”
નીમુબહેને આ દિશામાં કઇ રીતે પ્રવેશ કર્યો પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, "એક વખત એક વણિક બંધુએ મને ક્હયું કે, તમને શ્લોકો આવડે છે તો અમારા દિકરાના લગ્નમાં મંડપ રોપણ તમે કરાવો ને! એ ચેલેન્જ મેં સ્વીકારી પછી તો એ દિશામાં જવા સ્ટેજ પરથી લગ્ન કરાવવાનું સ્વપ્ન મેં જોવા માંડ્યું. આજથી અંદાજે ૧૫-૧૭ વર્ષ પહેલા બ્રેન્ટ ટાઉન હોલમાં મેં પ્રથમવાર સ્ટેજ પરથી પ્રથમ લગ્ન કરાવ્યું. અને મારામાં આત્મ વિશ્વાસ દ્રઢ થઇ ગયો..ત્યારથી લગ્નવિધિ, કથા, માતાજીની સ્થાપના વગેરે પ્રસંગો કરાવવાનું સહજ બનતું ગયું. બ્રિટન ઉપરાંત વિદેશોમાં આટલાન્ટા, બાર્બેડોસ, જીનીવા, ઇટલી વગેરે અનેક સ્થળોએ જઇ લગ્નો કરાવવામાં મેં પાછી પાની કરી નથી. ઇંગ્લીશ, સ્કોટીશ, જર્મન લગ્નો પણ કરાવ્યાં છે. ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલી લગ્નો કરાવવામાં હું માહિર થતી ગઇ. મેં નિયમ રાખ્યો કે,આ વિધિઓ કરાવતા ભગવાન કે માતાજી પાસે મૂકેલ નાણાં મારે ચેરિટીમાં આપી દેવા. આજના જમાનાના ઇન્ટરનેટના ઉપયોગ મને નથી આવડતો પરંતુ ઇનરનેટથી મારા નિર્ધારિત કાર્યમાં મને સફળતા મળી.”
મારો ઉદ્દેશ અર્થોપાર્જન માત્ર ન હતો પરંતુ સામાજિક સેવા સાથે મારો શોખ પણ પોષાયો. હિસાબમાં પારદર્શકતા રાખી જેથી ટેક્સની કોઇ સમસ્યા નડે નહિ. આજ સુધીમાં હાર્ટ ફાઉન્ડેશન, સાલ્વેશન આર્મી, ગાઇડ ડોગ્સ વગેરે સંખ્યાબંધ ચેરિટેબલ સંસ્થાઓમાં હજારો પાઉન્ડ જેટલું દાન નોંધાવ્યું છે. અંતિમ સંસ્કારની વિધિની આવક હું સીધી સેંટ લ્યુક્સ હોસ્પીસમાં દાન આપી દઉં છું. આમ જૈફ વયે આવક સાથે શારીરિક-માનસિક તંદુરસ્તી જળવાઇ. પહેલું સુખ તે જાતે નર્યા છે. એ મેં અનુભવ્યું.”
નીમુબહેન કહે છે, “સ્મશાન ગૃહ એ ઓપન યુનિવર્સિટી છે. મૃત વ્યક્તિનો દેહ પંચ મહાભૂતમાં વિલિન થઇ જાય છે. એના સાંસારિક સંબંધો પૂરા થતાં આત્માનું પરમાત્મા સાથે મિલન જ આનંદદાયી/ દુ:ખોમાંથી મુક્તિ તરફનું પ્રયાણ છે. મૃત્યુની યાત્રા આપણા જન્મ સાથે જ શરૂ થઇ જાય છે. જન્મતા જ સાંસારિક માયાજાળમાં સુખ-દુ:ખના ચક્રમાંથી બધાંને પસાર થવું પડે છે. માટે દુન્યવી પ્રલોભનોમાં ફસાયેલા ન રહો. જીંદગીભર સગાં-સંબંધી-માલ-મિલક્ત મારૂં-મારૂં કરી જીવીએ પણ અંતે આવે ત્યારે કશું જ સાથે આવતું નથી. માત્ર સત્કર્મો જ સાથે આવે છે. જનાર આત્મા કહે છે, “ મારો વખત થઇ ગયો છે. હું તો જાઉં છું. તમારી પાસે જેટલો વખત છે એનો તમે સદુપયોગ કરો. સત્કર્મો કરી જીવનનું ભાથું બાંધો. મૃત્યુ કોઇની રાહ જોતું નથી. આમાંથી આપણે ઘણું શીખવાનું છે” નીમુબહેનનું જીવન અને સંદેશ સાચે જ આપણા માટે પ્રેરણાદાયી છે.
ભારત સ્વતંત્ર થયું એ પહેલા એમનો કરાંચીમાં જન્મ. ૯ વર્ષના થયાં ત્યાં સુધી કરાંચીમાં રહ્યાં બાદ ભારત-પાકિસ્તાનના ભાગલા થતાં એમનો પરિવાર ભારતમાં મુંબઇ આવી સ્થાયી થયો. મૂળ ગોંડલ નજીક શિવરાજ ગઢ (પહેલાનું ખોખરી) નાનકડું ગામ જે એમનું વતન. દાદ-દાદી સાથે વેકેશનમાં ગામમાં જઇ રહેતાં. મંબઇમાં મેટ્રીક થયા. ભણવામાં તેજસ્વી નીમુબહેનને તો ડોક્ટર બનવું હતું પરંતુ દિકરીને એ જમાનામાં ભણાવવા કરતા લગ્ન કરાવી વિદાય કરાવવાનો મા-બાપનો ઉદ્દેશ્ય રહેતો..૧૮ વર્ષની ઉમરે આફ્રિકાથી આવેલ મૂરતિયા ભોગીલાલ ભટ્ટ સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગયાં. લગ્ન બાદ ઓક્ટોબર ૧૯૫૭માં પતિ સાથે ઝાંઝીબાર ગયા. બે દિકરાઓ કેતન અને પથિકના માતા-પિતા બન્યાં. હવે તો ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રન અને એક ગ્રેટ ગ્રાન્ડ ચાઇલ્ડના પરદાદી બન્યાં છે.
૧૯૭૦માં એમનો પરિવાર યુ.કે. આવી લંડન સ્થાયી થયો. નીમુબહેને અત્રે કેટલીક સીટીની કંપનીઓમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરી. ૬૦ વર્ષે રીટાયર્ડ થયાં. સંસ્કૃત ભાષાના જ્ઞાને પાછલી ઉમરે નવી દિશામાં પગરણ માંડી આગેકૂચ કરી શક્યાં. હાલ એમના પતિશ્રીની ૯૦ વર્ષની વયને કારણે પોતાની પ્રવૃત્તિ મંદ કરી પતિના આરોગ્યને મહત્વ આપી રહ્યાં છે. આપણી નારી શક્તિને નવરાત્રી પર્વે નમન. જય માતાજી.
