પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સત્તાને વળગી રહેવા હવાતિયા મારી રહ્યા છે ત્યારે તેમના માટે આગળ ખાઈને પાછળ કૂવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિરોધપક્ષોની એકતાને તોડી નાખવા 342 સભ્યની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસીમ સૂરીના ખભે બંદૂક રાખીને વિપક્ષી અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાનો તેમનો કહેવાતો બાઉન્સર નકામો પૂરવાર થયો છે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બંદીયાલના વડપણ હેઠળની ન્યાયપીઠિકાએ એસેમ્બલીમાંથી અવિશ્વાસ પ્રસ્તાવ દૂર કરી શકાય નહિ તેવો ચુકાદો આપીને ફૂગ્ગામાંથી હવા કાઢી નાખી છે. જોકે, દેશના પ્રેસિડેન્ટ આરિફ અલ્વીને એસેમ્બલી ભંગ કરવાનો અધિકાર હોવાં વિશે ઈમરાન ખાનની અરજી પર સુપ્રીમ કોર્ટે હજુ સુધી નિર્ણય આપ્યો નથી અને સુનાવણી ચાલુ રાખી છે.
ચીફ જસ્ટિસ બંદીયાલે સ્પષ્ટ કર્યું છે કે નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ સંવિધાનના અનુચ્છેદ 5નો હવાલો આપે તો પણ અવિશ્વાસ પ્રસ્તાવ દૂર ન થઇ શકે. અવિશ્વાસ પ્રસ્તાવને વિદેશ અને ખાસ કરીને અમેરિકાનું ષડયંત્ર ગણાવનારા ઈમરાનની ઉંઘ હવે ઉડી ગઈ છે. હવે 90 દિવસ પછી એસેમ્બલીની બેઠક ફરી મળશે ત્યારે આ પ્રસ્તાવ પર ફરી મતદાન થશે અને ઈમરાનનો પરાજય નિશ્ચિત છે કારણકે એસેમ્બલી ભંગ કર્યા પછી પછી વિપક્ષ દ્વારા તેનું સંચાલન કરાયું હતું અને ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતી સાથે પસાર કર્યો જ હતો.
પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણીઓ યોજવાની ભલામણ કરીને ઈમરાને વિપક્ષને હક્કાબક્કા કરી દીધા હતા પરંતુ, દેશના ઈલેક્શન કમિશને ત્રણ મહિનામાં શક્ય નહિ હોવાનું જણાવી નવો વિવાદ ઉભો કર્યો છે. ચૂંટણી પંચે આ માટે કાનૂની, બંધારણીય અને વ્યવસ્થાતંત્ર પડકારો હોવાનું જણાવ્યું છે. પાકિસ્તાનમાં 26મા બંધારણીય સુધારા અન્વયે ખૈબર પખ્તુનખ્વામાં બેઠકો વધારવા ઉપરાંત, નવા સીમાંકનો કરાયા છે જેના કારણે નવી મતદારયાદીઓ પણ તૈયાર કરવાની બાકી છે. નવી ચૂંટણીની તૈયારી માટે ઓછામાં ઓછાં 6 મહિના જોઈશે તેમ પંચનું કહેવું છે. આ નવી પરિસ્થિતિ ઈમરાનની પાર્ટી અને વિરોધપક્ષો બંને માટે નવી છે જેમની તેમણે વિચારણા પણ કરી નહિ હોય. જોકે, વિપક્ષને તો ઈમરાન ખાનના કાર્યવાહક વડા પ્રધાનપદે હાલ ચૂંટણી જોઈતી જ નથી.
વિશ્વમાં સર્વવિદિત છે કે પાકિસ્તાનનો સત્તાકીય વહીવટ ત્રણ A - અમેરિકા, આર્મી અને અલ્લાહ થકી ચાલે છે. હાલ તો અમેરિકા સાથે પાકિસ્તાનને વાંકુ પડ્યું છે અને તે ચીનના ખોળે જઈને બેઠું છે. આ સમયે, આર્મી જ સર્વસત્તાધીશ છે. આર્મી ચીફ જનરલ કમર બાજવા અને વડા પ્રધાન ઈમરાન વચ્ચે પ્રેમ અને ઘૃણાનો સંબંધ છે. ઈમરાને અમેરિકા સામે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો ત્યારે આર્મી ચીફ જનરલ બાજવાએ અમેરિકા સાથે પાકિસ્તાનના ગાઢ સંબંધોના લાંબા ઇતિહાસની દુહાઈ આપી અમેરિકા પાકિસ્તાન માટે મોટું નિકાસ બજાર હોવાનું પણ કહ્યું હતું. તેમણે રશિયાના યુક્રેન પરના આક્રમણને પણ કમનસીબ ગણાવ્યું હતું. આનાથી એવો સંદેશ મળે છે કે ઈમરાને રશિયાની મુલાકાત લીધી તે આર્મીને પસંદ આવ્યું નથી.
આ બધા પરિબળો મધ્યે પાકિસ્તાનમાં રાજકીય અને સંવૈધાનિક સંકટ ઘણું જ ઘેરું બની ગયું છે. હવે બોલ ઈમરાન પાસે નહિ પરંતુ, સુપ્રીમ કોર્ટ પાસે છે. આમ પણ, પાકિસ્તાન રાજકીયની સાથોસાથ આર્થિક કળણમાં પણ ફસાયેલું છે. મોંઘવારી વધી રહી છે અને લોકોમાં અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. આ બધાનો લાભ લઈ પાકિસ્તાની આર્મી ફરી એક વખત શાસન સંભાળી લેવા બળવો પોકારે તો જરા પણ નવાઈ નથી.
