આજકાલ ભારત વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની રહ્યું છે. થોડા સમય અગાઉ, યુકેના ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ એક જ દિવસે ભારતના મહેમાન બન્યા હતા. અગાઉના સપ્તાહે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી પણ ભારત આવ્યા હતા. આ તમામ નેતાઓને ભારતનું સમર્થન જોઈતું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ કટોકટીમાં રશિયા વિરુદ્ધ વેપાર અને આર્થિક પ્રતિબંધો અને યુનોમાં તેને વખોડતા વૈશ્વિક ઠરાવ સંદર્ભે ભારતનું તાટસ્થ્ય અમેરિકા સહિતના દેશોને ખુંચ્યું તો છે પરંતુ, તેઓ ‘મુખ મેં રામ બગલ મેં છૂરી’ની ભાષા બોલી રહ્યા છે.
અમેરિકી પ્રમુખ બાઈડને થોડા સમય પહેલા રશિયા સાથે ભારતના આર્થિક સંબંધોને અમેરિકા સારી રીતે સમજે છે તેવું નિવેદન આપ્યું અને થોડા દિવસ પછી જ તેમના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર દલીપસિંહે આડકતરી ધમકીની ભાષામાં કહ્યું કે ચીન એલએસી પર આવશે ત્યારે રશિયા મદદે નહિ આવે. આ અમેરિકી સલાહકારને એટલું તો યાદ રહેવું જોઈએ કે ગલવાન ઘાટી પર ચીનનો હુમલો થયો ત્યારે અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશો ક્યાં મોઢું સંતાડીને બેઠા હતા. પુલવામાં હુમલા મુદ્દે પણ કોઈએ ભારતની તરફેણ કરી ન હતી. ભારતે ત્યારે પણ સામનો કર્યો હતો અને ભવિષ્યમાં પણ કોઈ પણ ઘટના કે આક્રમણનો સામનો કરવા ભારત સક્ષમ છે.
ભારત સક્ષમ એટલા માટે છે કે ભારતે વિશ્વની આર્થિક મહાસત્તા બનવા તરફ મહાપ્રયાણ કર્યું છે. ભારતે આ વર્ષમાં 418 બિલિયન ડોલરની નિકાસો કરી છે. ભારતનું GST કલેક્શન પણ આકાશને આંબી રહ્યું છે. વાર્ષિક ધોરણે GST આવકમાં 15 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. આ માત્ર આંકડાની રમત નથી પરંતુ, તેનાથી પૂરવાર થાય છે કે દેશના નાગરિકોની ખરીદશક્તિ વધી છે. ભારતનું ફોરેન એક્સચેન્જ પણ વધેલું છે. નવા ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ દેશને આગળ વધારી રહ્યો છે. આ બધી કમાલ વિશ્વના દેશોને દેખાય છે અને તેથી જ ભારતની કદમબોસી કરવામાં પાછીપાની પણ કરતા નથી.
આ કટોકટીમાં એક માત્ર ભારતે તટસ્થતા દર્શાવી નથી. અમેરિકાના ખાસ મિત્ર ગણાતા સાઉદી અરેબિયા અને યુએઈ સહિત મિડલ ઈસ્ટના દેશોએ પણ રશિયાનો વિરોધ કરવા ઈનકાર કર્યો છે. આ દેશોને તો રશિયન ઓઈલ કે ગેસની જરા પણ જરૂર નથી છતાં કહેવાતા પશ્ચિમ બ્લોકથી તેઓ અળગાં રહ્યા છે. બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાએ પણ નાટો સરહદે આવી જવાથી સલામતી સામે જોખમની રશિયાની સ્થિતિને સમજી છે. 28 આફ્રિકન દેશોએ પશ્ચિમી દેશોના બેવડા વલણની ટીકા કરીને પણ સુરક્ષા પરિષદમાં રશિયાની વિરુદ્ધ મતદાન કર્યું તો 17 દેશ ગેરહાજર રહ્યા અને 8 આફ્રિકી દેશે મતદાન ન કર્યું, તે પણ સમજવા જેવું છે.
ભારતની માફક ઘણા દેશો રશિયાની સાથે વેપાર અને સુરક્ષાના સંબંધો જાળવવાનું વલણ ધરાવે છે. આમાં માત્ર ભારત નથી, યુરોપમાં જર્મની જેવા દેશોએ આર્થિક પ્રતિબંધો લાદ્યા હોવાં છતાં રશિયન ઓઈલ અને ગેસની ખરીદારી કરવાનું છોડ્યું નથી. માત્ર ચૂકવણી કયા ચલણમાં કરવું તેની જ સમસ્યા છે. જો રશિયાની વાત માનીએ તો આર્થિક પ્રતિબંધો લાદવામાં અગ્રેસર રહેલું અમેરિકા ખુદ રશિયન ઓઈલની ખરીદ કરી રહ્યું છે. તો ભારતે શા માટે રશિયન ઓઈલની ખરીદી કરવી જોઈએ તેવો પ્રશ્ન કરવાનો નૈતિક અધિકાર યુકે સહિતના પશ્ચિમી દેશો પાસે રહ્યો નથી. હાલ તો ભારતે પોતાનો લાભ જોવો આવશ્યક છે કારણકે રશિયા 35 ડોલર જેટલું તગડું ડિસ્કાઉન્ટ આપવા અને રુપિયામાં વેપાર કરવા પણ તૈયાર છે.
