ઓસ્કર કમિટીમાં સ્થાન મેળવનાર સંભવિત પહેલા ગુજરાતી પાન નલીન અમરેલી જિલ્લાના ખીજડિયાના વતની છે. ફિલ્મજગતમાં પાન નલીન નામે જાણીતા આ પ્રતિભાશાળી દિગ્દર્શકનું મૂળ નામ નલીનકુમાર પંડ્યા છે. તેમના પિતા નાનકડા એવા ખીજડિયા રેલવે સ્ટેશને ચા વેચતા હતા.
પાન નલીન જાત મહેનતથી આગળ વધ્યા અને વડોદરાની સુપ્રસિદ્ધ એમ. એસ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યો. બાદમાં તેમણે સુપ્રસિદ્ધ સંસ્થાન નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માં અભ્યાસ કર્યો. બોલિવૂડમાં પગરણ માંડ્યા ત્યારે તેઓ ચાર એનિમેશન અને 20 ટૂંકી સાયલન્ટ ફિલ્મ બનાવી ચૂક્યા હતા. તેમણે ‘વાગલે કી દુનિયા’ ટીવી સિરીઝ માટે આર. કે લક્ષ્મણ સાથે પણ કામ કર્યું હતું. જોકે તેમને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ ‘સમસારા’ (2001) ફિચર ફિલ્મે અપાવી. આ ફિલ્મે 30થી વધુ ઇન્ટરનેશનલ એવોર્ડ જીત્યા હતા. હાલ અમેરિકામાં વસતાં પાન નલિન અનેક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર તરીકે સેવા આપી ચૂક્યા છે.

