બ્રિટિશ કોલોની ન હોય તેવા રવાન્ડામાં પહેલીવાર કોમનવેલ્થ

Thursday 07th July 2022 03:14 EDT
 
 

રવાન્ડાની રાજધાની કિગાલી ખાતે 20થી 25 જૂન સુધી કોમનવેલ્થ દેશોના વડાઓની 26મી બેઠક યોજાઇ ગઇ. કોરોના મહામારીના કારણે 2020થી આ શિખરસંમેલન મોકુફ રહેતું હતું. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકરના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ જોડાયું હતું.
આ બેઠક એટલા માટે વિશેષ નહોતી કારણ કે તે ચાર વર્ષના લાંબાગાળા બાદ યોજાઇ રહી હતી અથવા તો 2007 પછી પહેલીવાર આફ્રિકામાં તેનું આયોજન થઇ રહ્યું હતું અથવા તો યજમાન દેશ કોમનવેલ્થનો નવો સભ્ય દેશ હતો. રવાન્ડા 2009માં કોમનવેલ્થમાં સામેલ કરાયો હતો. તેના કરતાં પણ વિવિધ કારણોસર આ બેઠક વિશેષ બની રહી હતી.
કોમનવેલ્થ દેશોના વડાઓની આ બેઠક એક એવા દેશમાં યોજાઇ રહી હતી જે બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો નહોતો. પ્રથમ વિશ્વયુદ્ધ અને 1962માં રવાન્ડા સ્વતંત્ર થયો ત્યાં સુધી બેલ્જિયન વહીવટીતંત્ર અંતર્ગત ફ્રેન્ચ અહીની સત્તાવાર ભાષા હતી. એંગ્લોફોન, યુગાન્ડાથી મોટી સંખ્યામાં તુત્સી નિરાશ્રીતો રવાન્ડામાં પરત ફર્યા બાદ વહીવટી બાબતોમાં અંગ્રેજીનો ઉપયોગ વધવા લાગ્યો હતો અને 2008માં રવાન્ડાની સરકારે શિક્ષણનું માધ્યમ ફ્રેન્ચમાંથી બદલીને અંગ્રેજી કરી નાખ્યું હતું. જોકે
હજુ રવાન્ડાની શાળાઓમાં ફ્રેન્ચ ભાષા શીખવાય છે.
કોમનવેલ્થ વડાઓની આ પહેલી એવી બેઠક હતી જેમાં 2018માં લંડન ખાતે યોજાયેલી બેઠકમાં લીડર્સ દ્વારા કોમનવેલ્થના વડા તરીકે મહારાણીના અનુગામી નિયુક્ત થયેલા પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સે સંબોધન કર્યું હતું. 2018ની બેઠકમાં નક્કી કરાયું હતું કે, મહારાણી બાદ પ્રિન્સ ઓફ વેલ્સ કોમનવેલ્થનું અધ્યક્ષપદ શોભાવશે. આ પહેલાં પણ મહારાણી એલિઝાબેથ કહી ચૂક્યાં હતાં કે, આ મારી ગંભીર ઇચ્છા છે કે મારા બાદ કોમનવેલ્થના અધ્યક્ષ તરીકેની ભુમિકા પ્રિન્સ ચાર્લ્સ ભજવે.કોમનવેલ્થના વડાની ભુમિકા વારસાગત નથી તેથી રાજાના નિધન બાદ તેમનો વારસ આપોઆપ કોમનવેલ્થનો અધ્યક્ષ બની જતો નથી. આમ પણ આ પદ કોઇ વિધિવત કામગીરી કરતું નથી પરંતુ તેનું એક પ્રતિકાત્મક મહત્વ છે.
મહારાણી જ્યાંના વડા ગણાય છે તે બ્રિટનની બહાર આવેલા 14 કોમનવેલ્થ દેશ પેકીના કેટલાકમાં પ્રજાસત્તાક ચળવળોને સમર્થનમાં વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં કેરેબિયન ટાપુદેશ બાર્બાડોસ વિશ્વનો નવો પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો ત્યારે મહારાણી વતી પ્રિન્સ ચાર્લ્સે બાર્બાડોસની મુલાકાત લીધી હતી. અન્ય કેટલાક કેરેબિયન દેશો પણ પોતાને પ્રજાસત્તાક જાહેર કરવાની દિશામાં વિચારણા કરી રહ્યાં છે. કોમનવેલ્થના અન્ય એક સભ્યદેશ ઓસ્ટ્રેલિયાએ પણ પ્રજાસત્તાક માટે એક મંત્રીની નિયુક્તિ કરી છે.
કોમનવેલ્થ નેતાઓને સંબોધન કરતા પ્રિન્સ ચાર્લ્સે સીધો આ મુદ્દો ટાંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોમનવેલ્થમાં એવા દેશો સામેલ છે જેનો બંધારણીય સંબંધ બ્રિટનના રાજવી પરિવાર સાથે છે. કેટલાક દેશો તેમ કરી રહ્યાં છે જ્યારે કેટલાક દેશોએ આ દિશામાં કોઇ પ્રયાસ કર્યાં નથી. હું સ્પષ્ટ કહેવા માગુ છું કે અને મેં અગાઉ પણ જણાવ્યું છે કે કોમનવેલ્થ સંગઠનના કોઇપણ સભ્યદેશની બંધારણીય વ્યવસ્થા પ્રજાસત્તાક કે રાજાશાહી હોવી જોઇએ તે નક્કી કરવાનો અધિકાર જે તે દેશનો છે. કોમનવેલ્થ સંગઠન અગાઉ બ્રિટનના સંસ્થાનોમાંથી બનેલા દેશોનો સમુહ છે. કોમનવેલ્થ હંમેશા સ્વતંત્ર અને સેલ્ફ ગવર્નિંગ દેશોનું સંગઠન બની રહેશે.
તેમના સંબોધનમાં બીજો એક મહત્ત્વનો મુદ્દો ભૂતકાળમાં કરાયેલી ભૂલો સ્વીકારવા અંગેનો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમાંની ઘણી ભૂલો અગાઉના યુગ સાથે સંકળાયેલી હતી અને તેમાં મૂલ્યોને કોઇ સ્થાન નહોતું. ગુલામીપ્રથાની અસરો અંગે તેમણે અંગત દુખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તે સમયગાળો આપણા ઇતિહાસનો સૌથી પીડાદાયક સમયગાળો હતો. બ્રિટન પણ ગુલામી પ્રથા અને ગુલામોના વેપારમાં સંકળાયેલા સંખ્યાબંધ પશ્ચિમી દેશોમાં સામેલ હતો. તેણે ઘણા પ્રદેશોને પણ પોતાની સત્તાની ગુલામીમાં જકડી રાખ્યા હતા. એમ કહેવાતું હતું કે, બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ક્યારેય આથમતો નથી.
કોમનવેલ્થના ટીકાકારોએ બહુ પહેલાં તેના વિખેરાઇ જવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. વિશ્વમાં ગમે ત્યાં મોટાભાગના લોકો કોમનવેલ્થ કોનું પ્રતિનિધિત્વ કરે છે કે તેની ભુમિકા શું છે તે જાણતા નથી. કોમનવેલ્થ એક એવો મંચ છ જ્યાં નાના કે મોટા તમામ દેશો એકસમાન પ્રતિનિધિત્વ સાથે ભુમિકા ભજવે છે. આ કોઇ નાટો કે સંયુક્ત રાષ્ટ્ર જેવું સંગઠન નથી. આ એક એવું સંગઠન છે જેના સભ્ય દેશો એકબીજાની સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોથી સંકળાયેલા છે. કોમનવેલ્થમાં દેશોને કોઇ બંધનોમાં બાંધવામાં આવતા નથી. કોમનવેલ્થના સભ્ય દેશો વચ્ચે કોઇ વિધિવત વેપાર કરારો પણ થયેલા નથી. તેના સ્થાને કોમનવેલ્થ એક એવો મંચ બની રહે છે જ્યાં સભ્યદેશોના મંત્રીઓ અવિધિસર મુલાકાતો કરીને વેપાર અંગે મંત્રણાઓ કરી શકે છે. કોમનવેલ્થનું મહત્ત્વ તેના નાના સભ્યદેશોમાં છે. વિશ્વમાં કુલ 42 નાના દેશો આવેલા છે જેમાંના 32 દેશ કોમનવેલ્થના સભ્યદેશ છે.
કોમનવેલ્થની યાદગાર ક્ષણોમાં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની પ્રથા નાબૂદ કરાવવામાં તેની ભુમિકા છે. 1986માં કોમનવેલ્થ દેશોએ દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિઓના કારણે તેની સામે વેપાર પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિની નાબૂદી માટેનો શ્રેય કોમનવેલ્થના આ નિર્ણયને પણ આપવામાં આવે છે. કોમનવેલ્થનું મિનિસ્ટરિયલ એક્શન ગ્રુપ લોકશાહીના સમર્થન માટે મજબૂત અવાજ બની રહે છે. 2007માં પાકિસ્તાનને કોમનવેલ્થ સંગઠનમાંથી હાંકી કઢાયું હતું. પાકિસ્તાનમાં બીજીવાર કટોકટીનું શાસન લાદવામાં આવ્યું હતું જેને લોકશાહી સાથે સીધો ટકરાવ હતો. એક વર્ષ બાદ પાકિસ્તાનને ફરી એકવાર કોમનવેલ્થમાં સામેલ કરાયું હતું.
ભવિષ્યમાં પણ સાર્થક બની રહેવા માટે કોમનવેલ્થ સંગઠને તેના સભ્ય દેશો સમક્ષ રહેલા વર્તમાન અને ભવિષ્યના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પડકારોના ઉકેલ મેળવવા માટે નવતર માર્ગો અપનાવવા પડશે. કિગાલી ખાતે આયોજિત કોમનવેલ્થ સંમેલનમાં વધુ બે દેશ ટોગ અને ગેબોન સામેલ કરાયા હતા. કોમનવેલ્થ સંગઠને હાલ તો તેનું પ્રભુત્વ જાળવી રાખવું પડશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
 @RuchiGhanashyam)


comments powered by Disqus