ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પ.પૂ. મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીનું યુકે વિચરણ

- વસંત પટેલ, કેરા (ભુજ) Wednesday 06th July 2022 07:45 EDT
 
 

કચ્છ સત્સંગમાં ભુજ સ્વામિનારાયણ મંદિર નરનારાયણદેવ - અમદાવાદ ગાદી હેઠળનું શિરમોર દેવાલય છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં નરનારાયણદેવ રૂપે પોતાનું સ્વરૂપ પધરાવી કચ્છની ધરતી પર વિશેષ કૃપા કરી હતી. આ પરંપરામાં અત્યાર સુધી 500થી વધુ પરમહંસ જેવા ત્યાગી સંતો થયા છે. તેમાં હાલ પ.પૂ. મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી કચ્છ સત્સંગના મોભી છે, વડા છે. સ્વામીજી આઠમી જુલાઇથી બે મહિના યુકેમાં વિચરણ કરશે.
શાસ્ત્રમાં નિપુણ એવા પુરાણી મહંતનો જન્મ કચ્છના નારણપર ગામમાં આજથી 94 વર્ષ પહેલાં થયો હતો. પરિવાર કૃષક અને કર્તૃત્વને વરેલો, ભક્તિ - ત્યાગ - સત્સંગ નસનાડમાં ધબકતો એવા કુટુંબમાં જેનું પ્રાગટ્ય થયું તેવા પરમ વિદ્વાન, પ્રખર વકતા ધર્મનંદનદાસજી સ્વામી સંસાર ત્યાગના 70 વર્ષ પૂર્ણ કરવામાં છે. પરમહંસ સંતોની સાત-સાત પેઢી સાથે તેમણે ભગવાનશ્રી સ્વામીનારાયણના જીવન સંદેશને જીવી બતાવ્યો છે.
પ.પૂ. સદગુરુ સ્વામી શ્રીવલ્લભદાસજી, પ.પૂ. સદગુરુ સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી અને તૃતીય પરમહંસ પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામીના મહંતકાળે કર્મયોગ કરનાર ધર્મનંદનદાસજી સ્વામીએ વિદ્વાન સંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી જેવા સમર્થ ત્યાગી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને ગુરુ સાથે તત્કાલિન વરિષ્ઠ સદગુરુઓ પ.પૂ. મોરલીમનોહરદાસજી સ્વામી સાથે ભારતભ્રમણ કરી સત્સંગનું બળ વધાર્યું હતું. દેશ-વિદેશોમાં સેંકડો મંદિરોના નિર્માણ કરાવ્યા. તેમાં પણ યુકેમાં 24 વખત પધારી અનેક કાર્યો સાકાર કર્યાં. શ્રીજી મહારાજના સિદ્ધાંતે જીવન જીવતાં વચનસિદ્ધ આદર્શ સ્થાપ્યો. તેમના નેતૃત્વમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 15,000 છાત્ર-છાત્રા અભ્યાસ કરે છે. સંપ્રદાયની સૌ પ્રથમ કન્યા શાળા પણ સ્વામીજીની કૃપાનું સંભારણું છે. ગાંધીધામ અંગ્રેજી માધ્યમ ગુરુકૂળ, નારાણપર, રામપર વેકરા, માંડવી, રાપર, મથલ, કોડાયપુલમાં સર્વોત્તમ ગણાયતેવા બાંધકામ સાથેના ગુરુકૂળો છે તો સ્વામીનારાયણ વિદ્યાલય ગુરુ પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીની પ્રસાદી છે. આ વિદ્યાલયમાં કચ્છના અનેક છાત્ર અભ્યાસ પૂર્ણ કરી અનેક સન્માનિય પદો પર પહોંચ્યા છે. ભુજમાં આયુર્વેદ હોસ્પિટલ છે તો 200 ગામો માટે હરતુંફરતું દવાખાનું ચાલુ કરાવ્યું છે.
યુકેમાં 8, ઓસ્ટ્રેલિયામાં 5, આફ્રિકામાં 11 જેટલા શિખરબદ્ધ મંદિરો, સાંસ્કૃતિક કેન્દ્રો સ્વામીએ સંવર્ધિત કર્યા છે અને ઘણાં નવા નિર્માણ કરાવ્યાં છે. હાલ ઓલ્ધામમાં હિન્દુ સંસ્કૃતિના શિર્ષસમું મંદિર નિર્માણધિન છે. નવી સુસંસ્કૃત યુવાપેઢી તૈયાર કરવામાં સ્વામીનું મોટું પ્રદાન છે. કચ્છ નરનારાયણદેવ યુવક અને યુવતી સંઘમાં હજારો યુવક-યુવતી સંસ્કારયુક્ત જીવનઘડતર કરી રહ્યા છે. દિવ્ય સંતોની દૃષ્ટિ દિવ્ય હોય છે. કચ્છમાં લેવા પટેલ સમાજની આરોગ્ય પ્રવૃત્તિમાં વિશાળ હૃદયી સંત પૂ. ધર્મનંદનદાસજીએ કચ્છમાં પ્રથમ હોય તેવા ઉપકરણ વસાવી આપ્યા છે. જેમાં MRI અને નરનારાયણદેવ કેથલેબનો સમાવેશ થાય છે. સમાજના અનેક કાર્યોમાં ભુજ સ્વામિનારાયણ મંદિર સૌથી પ્રથમ હિન્દુ ધાર્મિક સંસ્થા છે કે જેણે આવા મહાન કાર્ય કર્યા છે.


comments powered by Disqus