સુનાક અને જાવિદ અંતરાત્માના અવાજને અનુસર્યા

Wednesday 06th July 2022 06:58 EDT
 

યુકેમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન બળવાખોર ટોરી સાંસદો દ્વારા અવિશ્વાસના મતને નજીવી સરસાઈથી જીતીને રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા ત્યાં તો તેમના વફાદાર સુભટો ચાન્સેલર રિશિ સુનાક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રાજીનામાં આપી દીધા છે. આના પરિણામે, બોરિસ જ્હોન્સનની સરકાર મુશ્કેલીમાં અને બળવાખોર સાંસદો ગેલમાં આવી ગયાં છે.
એક મૂળ ભારતીય અને એક મૂળ પાકિસ્તાની મિનિસ્ટરના રાજીનામા પાછળનું એક જ કારણ ગણાવાયું છે કે તેમને હવે જ્હોન્સનની નેતાગીરી અને ખાસ કરીને પ્રામાણિકતામાં વિશ્વાસ રહ્યો નથી. ડેપ્યુટી ચીફ વ્હીપ ક્રિસ પિન્ચર વિરુદ્ધના આક્ષેપોની પોતાને જાણ ન હોવાથી તેમની નિમણૂક કરી હોવાનો લૂલો બચાવ કરીને જ્હોન્સને ફરી એક વખત માફી માગી લીધી છે. જાણે કે વડા પ્રધાનને માફી માગવાનું નાટક બરાબર ફાવી ગયું છે.
રિશિ સુનાકે સ્પષ્ટ કહ્યું છે કે આપણા અભિગમો મૂળભૂતપણે અલગ છે. સરકાર કાર્યક્ષમતા, ગંભીરતા અને યોગ્યપણે ચાલવી જોઈએ તેમ જનતા અપેક્ષા રાખે છે. આ માપદંડો અને સિદ્ધાંતો માટે લડવું આવશ્યક છે અને તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે.
ઘણા સમયથી રિશિ સુનાક યુકેના આગામી અને સૌપ્રથમ ભારતવંશી વડા પ્રધાન બની રહેશે તેવી વાતો હવામાં ગુંજતી રહી છે. મૂલ્યોની વાત કરીએ તો સુનાક સ્પષ્ટ છે. તાજેતરમાં જ તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની મુલાકાતમાં યુકે-ભારતના સંબંધોનું મહત્ત્વ, વિશ્વમાં અગ્રણી રાષ્ટ્ર તરીકે ભારતની બદલાતી છબી અંગે તેમના ગર્વની સાથોસાથ પારિવારિક મૂલ્યોની પણ વાત કરી હતી. સુનાકને પોતાના બ્રિટિશ ભારતીય વારસાનું ગૌરવ છે. તેમનું બાળપણ સાઉધમ્પ્ટનમાં વીત્યું હતું ત્યાંના વેદિક સોસાયટી હિન્દુ મંદિરની તેઓ આજે પણ મુલાકાત લેવામાં નાનમ અનુભવતા નથી. પ્રાર્થના અને સેવાની પરંપરાને તેઓ આજે પણ વળગી રહ્યા છે. ઈસ્ટ આફ્રિકાથી સુનાક પરિવારનું યુકેમાં આગમન, મધ્યવર્ગીય બ્રિટિશ ભારતીય પરિવારમાં ઉછેર, ઈમિગ્રન્ટ્સ પેરન્ટ્સને રોજબરોજના કામકાજમાં મદદ કરવા સહિતની જે વાતો તેમણે કરી તેમાં ભારતીયતા છલકાતી હતી.
રાજકીય પરિપ્રેક્ષ્યમાં હવે શું થવાનું છે તે સમય જ કહેશે. પાર્ટીગેટ કૌભાંડ સમયથી જ જ્હોન્સને ભૂલોની પરંપરા આદરેલી છે. ક્રિસ પિન્ચર કૌભાંડની માહિતી હોવાં છતાં તેમને નિયુક્તિ આપી તે બહાર આવતાની સાથે જ સુનાક અને જાવિદનો અંતરાત્મા જાગી ઉઠ્યો છે. તેમણે રાજકીય કારકિર્દી કે પ્રધાનપદને નહિ, મૂલ્યોને મહત્ત્વ આપ્યું છે.


comments powered by Disqus