વડિલો સહિત સૌ વાચક મિત્રો,
આપણી સ્મરણ યાત્રા એક પક્ષીય હોવા છતાં સહજ રીતે કંઇ કેટલાય તેમાં જોડાયાં હશે કે જોડાઇ શકશે. એક રીતે આપણી આ દેશની વસાહતના તાણાંવાણાં સમજવાની સજ્જતા આવશક્ય છે.
સ્વામિજીએ આદેશ આપ્યો કે અક્ષર જ્ઞાન કરો. જ્ઞાન યજ્ઞ કરો. સેવા યજ્ઞ કરો. ભારતથી બ્રિટન પરત આવ્યા બાદ મને થોડા મહિના આ અંગે ઉપલબ્ધ વાંચન કરવાનો અવસર સાંપડ્યો. તેમ છતાં મૂંઝવણ હતી કે શું કરવું? કેવી રીતે કરવું? ક્યારે કરવું? કોનો સાથ લેવો? કયા માર્ગે જવું? ટેકનીકલ, આર્થિક અનેક પાસાં અગત્યના હોવાથી મનમાં કંઇક અવનવા પ્રશ્નો ઉઠતા હતા. સ્વામિજીએ એમ પણ કહ્યું હતું કે, “ચિંતનથી ચતુરાઇ આવે કે ના આવે, તે આવશ્યક હોય કે ના હોય; પરંતુ ચેતના અવશ્ય પ્રગટે.”
જુન ૧૯૭૪માં સાઉથ વેસ્ટ લંડનમાં આવેલ કેમ્બરલી વિસ્તારમાં વિશાળ થીયોસોફિકલ લોજમાં ત્રણ દિવસ માટે મેં તંબૂ તાણ્યા. ટી.વી. નહિ. દારૂ નહિ. સિગારેટ નહિ. શાકાહારી ખોરાક .. વગેરે મર્યાદાઓના પાલન સાથે રહેવાનું. ૫૦ એકરનો વિશાળ ઉધાન. ૧૯૧૨/૧૩ની આસપાસમાં એ સ્થળની સ્થાપના એની બેસંટે કરી હતી. વિશાળ પુસ્તકાલય પણ ઉપલબ્ધ. જો મોકો મળે અને સમય હોય તો આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે.
આડી-અવળી લીટીમાં ચાલી રહેલા વિચારોની સ્થિરતા ધીરે ધીરે મગજમાં આવતી ગઇ અને એક અસ્પષ્ટ ચિત્રે આકાર લીધો. નક્કી થયું કે, યોગ્ય સમયે પ્રકાશન પ્રવૃત્તિ, ભલે સાવ અજાણી હોય પરંતુ તેમાં પ્રવેશ કરવો. “ભોમિયા વિના ભમવા'તા ડુંગરા..” કવિતા પણ યાદ આવી ગઇ. મનમાં ઉભા થતાં પ્રશ્નો, પેટા પ્રશ્નો, સાચા-ખોટા પ્રશ્નો સામે એક જ મક્કમતા હતી, “મન હોય તો માળવે જવાય". સ્વામિજીના શબ્દોમાં અને તેમના દિશા સૂચનમાં પ્રચંડ શ્રધ્ધા રાખી "યાહોમ કરીને પડો ફતેહ છે આગે" તે પ્રમાણે કર્યા કંકુના.
તે પછીના મહિનાઓમાં આકૃતિ સ્પષ્ટ થવા માંડી. ૧૯૭૫માં એક બાજુ શ્રી વિપુલભાઇ કલ્યાણીનો પરિચય થયો. બીજી બાજુ કુસુમબહેન શાહે આગ્રહભેર તેમનું ભારે ખોટ ખાતું "ગુજરાત સમાચાર" હાથમાં લેવા પુષ્પાને સમજાવી સંમતિ મેળવી લીધી. ૯ એપ્રિલ ૧૯૭૬ (યોગાનુયોગ એ દિવસે રામનવમી પણ હતી. અને મારી જન્મ તારીખ)ના રોજ આ પત્રકારત્વની સફરના મંડાણ થયા. એના શુભારંભમાં તંત્રીશ્રી વિપુલભાઇ કલ્યાણી, રસિકભાઇ પટેલ, માનદ્ તંત્રી કુસુમબહેન શાહ, વી.એમ. પટેલ, સુખલાલ કાકા, શ્રી અશરફ, શ્રી ચેતન શાહ, “આફ્રિકા સમાચાર"ના હિમતલાલ ભટ્ટ, શ્રી વાસુદેવ બદીયાણી, ગુલાબભાઇ ટેલર સહિત અનેક શુભેચ્છકોના સાથ-સહકારથી પ્રકાશન વ્યવસાયમાં પ્રવેશ થયો.
એ પ્રથમ અંકમાં પહેલા પાને પ્રકાશકના નિવેદનમાં મેં લખ્યું છે કે, “અમારા વહિવટ હેઠળ આ પહેલો અંક આપ સૌના હાથમાં મૂકતા આનંદ થાય છે. સમયના અભાવે તથા નવા નિશાળીયાના નાતે ક્ષતિઓ હોવા સંભવ છે. સુજ્ઞ ગ્રાહકો, વાચકો અને જાહેરખબર દાતાઓને વિનંતિ કરીએ છીએ કે એ પ્રત્યે શરૂઆતમાં વધુ ઉદારતાથી જોજો. અને એ પ્રત્યે અમારું ધ્યાન દોરશો જેથી જેમ બને તેમ ટૂંક જ સમયમાં ઉચ્ચ કક્ષાનું અખબાર આપની સમક્ષ રજુ કરી શકીએ.”
એ અંકના તંત્રીલેખમાં અમે ઉલ્લેખ કર્યો હતો, “ગુજરાત સમાચાર" પગભર થતાની સાથે અમે તેને ટ્રસ્ટમાં ફેરવવા માગીએ છીએ. એ પછી આર્થિક રીતે અખબાર જે કાંઇ નફો કરે એમાંથી ભારત અને વિલાયતમાં ધાર્મિક અને અન્ય શૈક્ષણિક-સામાજિક કલ્યાણકારી કામોમાં એ નફાને સરખે હિસ્સે વાળવાની અમારી ઉમેદ છે. ..” વધુમાં સ્વામિજીએ કહ્યું હતું કે, શિસ્તના પરિબળોના પાલન બાદ સફળ થશો પણ રાજકીય, સરકારી હોદ્દાથી દૂર રહેજો.
સફળ પત્રકારને સરકારી સન્માન પણ મળતાં હોય છે, એવા સરકારી માન-ચાંદથી પણ દૂર રહેજો. મગજમાં ક્યાંય ઘમંડ ભરાવું ના જોઇએ એ ખાસ યાદ રાખજો.
પ્રકાશન વ્યવસાયને ૫૦ વર્ષ થવા આવ્યા અને શિસ્તની બાબતોને હું શબ્દસ: વળગી રહ્યો છું. સ્વામિજીના શબ્દોનું અવમૂલ્યન કર્યું નથી. અનેક પ્રકારના પ્રશ્નો આવે પણ બે પરિબળો સર્વોપરી રહેશે. સ્વામિજીના શબ્દોમાં શ્રધ્ધા અને આંતરિક સમર્પણની ભાવના. મારા માનીતા શાયર ગની દહીંવાલાની આ પંક્તિ હું કદી ના વિસરી શકું.
“જો અડગ રહેવાનો નિશ્ચય, ધરતીના જાયા કરે;
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે".
(ક્રમશઃ)
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્... શ્રી રામચંદ્ર
કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્... શ્રી રામચંદ્ર
ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્... શ્રી રામચંદ્ર
શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ ... શ્રી રામચંદ્ર
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્... શ્રી રામચંદ્ર

