- જ્યોત્સના શાહ
ફોઇએ પાડ્યું નામ હસ્મિતા, રહીશું જીવનભર સ્મિત ફરકાવતાં એવાં આપણા ગુજ્જુ નારી હસ્મિતા બહેન નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. મોમ્બાસા નિવાસી શ્રીમતી કાન્તાબહેન અને શ્રી મણીલાલ શાહની એક માત્ર પુત્રી હસ્મિતાબહેનને જીવનના પાઠ નાનપણથી જ માતાએ શીખવ્યાં હતા. એમનો જન્મ પાલીતાણાની પવિત્ર ભૂમિ પર થયો હતો.
૧૮ વર્ષની વયે વિનુભાઇ સાથે લગ્નગ્રંથીથી જોડાયાં ત્યારે પતિનો ડેન્ટીસ્ટરીનો અભ્યાસ ચાલુ હતો. યુવા વયે જ ઘરની-કુટુંબની જવાબદારી આવી ગઇ. હસતા-હસતા જ બધા કામ કરવા જેથી જીવન ભારરૂપ ન લાગે એ જીવન મંત્ર એમને અપનાવ્યો એથી તેઓ સદાબહાર રહે છે.
નવનાતના હોલ સેક્રેટરી તરીકે અગાઉ સાત અને હાલ બે વર્ષથી સેવા આપતાં હસ્મિતાબહેને એમનાં પતિશ્રી વિનુભાઇની તબિયત અસ્વસ્થ થતાં વચમાં બે વર્ષ હોલ સેક્રેટરી પદ છોડી દીધું હતું. જ્યારે જુઓ ત્યારે હસ્મિતાબહેન દોડતાં જ હોય. હોલથી એમનું ઘર નજીક એથી હાક પડે તરત જ હાજર થઇ જાય.
મોમ્બાસામાં નવનાત ભગિની ઉત્કર્ષ મંડળમાં સક્રિય બન્યાં ત્યારથી એમની સામાજિક સેવાની જર્ની શરુ થઇ. નકુરૂમાં લાયન્સ ક્લબ એમના પતિ શ્રી વિનુભાઇ અને મિત્રોએ મળી શરૂ કરી ત્યારે એમણે લેડીઝ ક્લબ શરૂ કરી. નાનપણથી જ ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોવાથી બધા સાથે હળવા-મળવાની કળા હસ્તગત કરી લીધી હતી.
દોશી દંપતિએ ૧૯૭૪માં બે દિકરીઓ મમતા, મંજરી અને પુત્ર વિરલ (સની) સાથે લંડન સ્થળાંતર કર્યું.
એમને આર્ટ-ક્રાફ્ટમાં નાનપણથી જ દિલચસ્પી. સમય મળે તો અવનવા આઇડીયા અજમાવી વેસ્ટમાંથી બેસ્ટ જાતજાતના કલા-કારીગરીના નમૂના બનાવે. એમના એ શોખે એક નવી બારી ખોલી દીધી. એ જમાનામાં બર્મિંગહામથી એક કલાકનો એક માત્ર એશિયન પ્રોગ્રામ ‘ઘરબાર’ દર રવિવારે સવારના પ્રસારિત થતો હતો. એક વખત એના આયોજકોમાંના એક પરવિન મિર્ઝા એમને એક પાર્ટીમાં મળી ગયાં. એણે એમને બોલાવીને પૂછ્યું, , “તું આર્ટ-ક્રાફ્ટ જાણે છે ને! લગ્નમાં વપરાતાં સપ્તપદી-ચૂંદડી કેવી રીતે બનાવવા, સાડીની સજાવટ વગેરેનો ડેમો તું અમારા કાર્યક્રમમાં કરીશ? વિનુએ મને સાથ આપ્યો એટલે મેં હા પાડી. મને શૂટીંગ માટે વિનુ બર્મિંગહામ લઇ જતાં. મારી અવનવી આઇટમોના ડેમોસ્ટ્રેશનથી બધાં ખુશ થતાં. આ પછી ઝી ટી.વી.માં પણ પ્રેઝન્ટરની ઓફર મળી જે સંજોગો અનુકૂળ ન હોવાને કારણે સ્વીકારી નહિ. પરંતુ એ ઓફરની તક દિકરી મમતાએ ઝડપી લીધી. એણે આર્ટ-ક્રાફ્ટનું પ્રેઝન્ટેશન કરી સારી એવી નામના મેળવી. આમ પ્રથમ ગુજરાતી /જૈન મહિલા તરીકે ટી.વી. પ્રોગ્રામમાં ભાગ લઇ લોકપ્રિયતા મેળવવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હતું. એમ હસ્મિતાબહેને મારી સાથેની વાતચીતમાં જણાવ્યું.
નવનાતમાં કઇ રીતે જોડાયાં? "મને એકવાર નવનાત વણિક એસોસિએશનના શ્રીમતી તારાબહેન જયંતિભાઇ શેઠ મળી ગયાં. જેમણે મને ટી.વી.પર જોયેલી એથી નવનાતમાં ઇન્ટ્રોડ્યુસ કરાવવા લઇ ગયા. મને સમાજમાં કામ કરવાનો અનુભવ ન હોવા છતાં ૧૯૭૮- ૭૯માં નવનાતની કમિટીમાં લઇ લીધી. ”
"આમ એક ગૃહિણી ઘર અને સમાજ બે ય મોરચે પહોંચી વળવા કટિબધ્ધ બની. આ બે ય ફરજો વચ્ચે સમતુલા જાળવવી એ એક ચેલેન્જ હતી અને છે. નવનાત વણિક એસોસિએશનની ઓફિસ બેરરમાં હું પ્રથમ મહિલા તરીકે જોડાઇ. એમાં મને ઘણું શીખવા મળ્યું. મારામાં આત્મ વિશ્વાસ આવ્યો. મને ઘણા બધાં શોખ હતાં પરંતુ કોમ્પ્યુટર શીખવાનું કંટાળાજનક લાગે. જરૂરિયાતે હું એ પણ શીખી ગઇ. ઘરના કામમાં મારી ચોક્સાઇ અને વ્યવસ્થા શક્તિ હોવાને કારણે એ સમાજના કામમાં પણ મદદરૂપ થઇ. ડબલ જવાબદારી આવતાં મારી કામ કરવાની ક્ષમતામાં વધારો થયો. ઘર અને સમાજના કામને ૧૦૦ ટકા ન્યાય આપવા મેં કમર કસી.”
ઘર અને સમાજ સેવા વચ્ચે સમતોલપણું તમે કઇ રીતે જાળવો છો? નો પ્રત્યુત્તર આપતાં હસ્મિતાબહેને હસતાં હસતાં કહ્યું કે, “ વીસ વર્ષથી અમે દિકરા-વહુ અને ગ્રાન્ડ ચિલ્ડ્રન ભેગાં રહીએ છીએ પણ બધાના માન-મર્યાદા સચવાય એમ વર્તવાથી મનભેદ નથી થયો. આમેય મેં મતભેદને સુલઝાવવાની કળા હસ્તગત કરી લીધી છે. ઘર અને પરિવારને હું પહેલું સ્થાન આપું છું. સૌને સાથે લઇને ચાલવામાં માનું છું. જો કે એ સહેલું નથી. મારી માની શીખ મેં ગાંઠે બાંધી જેથી સુખી થઇ ગઇ. "જીવતાં જ જશ લેવો "એ મારો ટ્રેડમાર્ક બની ગયો. કોઇની સાથે વાદ-વિવાદમાં ઉતરવામાં હું માનતી નથી. મારો નિયમ "અથડામણ ટાળો" રહ્યો છે. કોઇની અદેખાઇ કરવી નહિ. સંબંધ કોઇની સાથે બગાડવા નહિ!. ના ફાવે તો અંતર રાખી દેવું. મારી જવાબદારી હોય એ કામ પૂરી નિષ્ઠાથી કરવું. કોઇને એમાં ખોડખાંપણ કાઢવાનો મોકો ના મળે એમ કામ કરવું. કોઇને દુ:ખી કરવા નહિ ને જાતે દુ:ખી થવાનું નહિ. પોતે ભલા ને પોતાનું કામ ભલું એમ હું માનું છું. ખોટા વિચારોથી દૂર રહેવું. આવી હકારાત્મક વિચારસરણીને કારણે હું હંમેશા સ્ફૂર્તિનો અનુભવ કરૂં છું. મારા ગુણો મારા સંતાનોમાં પણ આવ્યા છે. હું માનું છું કે, આપણે આપણી યુવા પેઢીને આ દેશમાં આપણે વેઠેલ તકલીફોથી વાકેફ કરવા જેથી આપણા સંઘર્ષનો એમને અંદાજ આવે."
મારે છ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. ભણવામાં બધા તેજસ્વી છે. હવે પરણાવવાની ઉમરના થવા આવ્યા છે. અમારૂ કુટુંબ લાગણી અને પ્રેમના તાંતણે બંધાયેલ છે. ઇશ્વરની ખૂબ જ કૃપા છે." એમ કહેતાં હસ્મિતાબહેન સાથે મારે લંબાણપૂર્વક સત્સંગ થયો. સમાજની આવી બહેનો કુટુંબ અને સમાજના બંધારણમાં અગત્યની પ્રેરક ભૂમિકા ભજવે છે.

