ઇઝરાયેલમાં ‘જીવંત’ લોકશાહી

Wednesday 29th March 2023 06:09 EDT
 

મધ્યપૂર્વ એશિયામાં ઇઝરાયેલ નામનો ટચુકડો દેશ આવેલો છે. ઇઝરાયેલ તેની સંસ્કૃતિ અને શાસનની દ્રષ્ટિએ સમગ્ર મધ્યપૂર્વ એશિયામાં અનેરો છે. ચારેચરફથી સરમુખત્યારો, રાજાઓ અને અમીરો દ્વારા શાસિત આરબ અને મુસ્લિમ દેશો વચ્ચે ઘેરાયેલા મધ્યપૂર્વ એશિયાના આ એકમાત્ર દેશમાં લોકશાહી શાસન પ્રવર્તે છે. ઇઝરાયેલની આ લોકશાહી ધબકતી અને જીવંત હોવાનો પુરાવો તાજેતરના સમયમાં જોવા મળ્યો. જમણેરી વિચારધારાને વરેલા અને પેલેસ્ટાઇનના હિમાયતીઓ પ્રત્યે આકરું વલણ ધરાવતા નેતાન્યાહુ સામ, દામ, દંડ ભેદ અપનાવીને પાંચમી વાર ઇઝરાયેલના વડાપ્રધાન બન્યા હતા. લોકતંત્રમાં પણ ઘણીવાર શાસકો સત્તાના મદમાં પોતાને હિતકારક એવા નિર્ણયો લેતાં હોય છે. નેતાન્યાહુએ પણ સત્તામાં ટકી રહેવા માટે કેટલાંક વિવાદાસ્પદ કાયદાકીય સુધારા કર્યાં પરંતુ ઇઝરાયેલની સજાગ જનતાએ સડકો પર ઉતરીને નેતાન્યાહુની કારી ફાવવા દીધી નથી.
નેતાન્યાહુના આ કારસા સામે ન કેવળ દેશમાં જ જનતા સડકો પર ઉતરી પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા ઇઝરાયેલના રાજદ્વારીઓએ પણ ઉગ્ર વિરોધ કરતાં એમ્બેસીઓના કામકાજથી અળગાં રહ્યાં. જનતાનો આ પ્રચંડ વિરોધ જોઇને નેતાન્યાહુને વિવાદાસ્પદ સુધારા મોકુફ રાખવાની ફરજ પડી છે. ઇઝરાયેલનો આ ઘટનાક્રમ દર્શાવે છે કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા શાસકો પણ આપખુદ બનીને જનતાના હિતમાં નિર્ણયો લેવાના બદલે સરમુખ્તાયરી વલણ અપનાવતાં હોય છે. ભલે જનતાએ તમને પ્રચંડ બહુમતી સાથે ચૂંટી કાઢ્યાં હોય પરંતુ જનતા પળવારમાં તમને સત્તાની ખુરશી પરથી પણ ઉતારી શકે છે. આનું નામ જ જીવંત લોકશાહી છે. ભારત સહિતના વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના શાસકો માટે આ એક પદાર્થપાઠ સ્વરૂપ ઘટનાક્રમ છે. આ ઘટનાક્રમનો મુખ્ય સાર એ છે કે લોકશાહીમાં શાસકોએ જનહિતને પ્રથમ સ્થાન આપવું જોઇએ. આપખુદ નિર્ણયો સત્તાનું સિંહાસન ડગમગાવી શકે છે.


comments powered by Disqus