કોરોનાના વધતા હાહાકાર સામે ગુજરાત-મહારાષ્ટ્રની હોસ્પિટલો તૈયાર

Wednesday 29th March 2023 06:06 EDT
 
 

અમદાવાદઃ દેશમાં ફરી એકવાર કોરોના કેર મચાવે તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ માટે રાજ્ય સરકારો પોતપોતાની રીતે તૈયારી કરી રહી છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના આંકડા વધી રહ્યા છે, તો મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવાદ અને મુંબઈમાં એક વર્ષના લાંબા વિરામ બાદ કેટલીક ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં કોવિડ-19 વોર્ડ ફરી ખૂલી રહ્યા છે.
વધુ વસ્તી અને ગીચતાના કારણે મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. તો ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં કોરોના કેસના આંકડા ચિંતાજનક રીતે વધ્યા હોવાનું આંકડા પરથી જણાય છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા જોતાં 27 માર્ચે સમગ્ર દેશમાં કુલ 867કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 168, મહારાષ્ટ્રમાં 161, કેરલમાં 160, કર્ણાટકમાં 109 અને દિલ્હીમાં 57કોરોના કેસ નોંધાયા હતા.
દેશભરમાં કોરોનાની આ નવી લહેરને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને તકેદારીનાં પગલાં લેવા સૂચના આપી દેવામાં આવી છે. જે અંતર્ગત મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં બંધ કરવામાં આવેલા વોર્ડ ખોલી દેવામાં આવ્યા છે,
1200 બેડ સુધીની અમારી તૈયારીઃ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ
ગુજરાતમાં 27 માર્ચે નોંધાયેલા 168 કેસ અને શનિવારે નોંધાયેલા 400 કરતાં વધુ કેસને જોતાં અમદાવાદ સિવિલ દ્વારા પણ તૈયારી આરંભી દેવામાં આવી છે. અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશભાઈ વ્યાસે આ અંગે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોતાં અમે પૂરતી વ્યવસ્થા કરી લીધી છે. હાલમાં અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત અમારી પાસે 80 બેડની સુવિધા ઊભી કરી લેવામાં આવી છે, જે સ્થિતિ મુજબ 1200 બેડ સુધી લઈ જઈ શકીએ છીએ.


    comments powered by Disqus