રાહુલ ગાંધીને બુધવાર 23મીએ બે વર્ષની સજા થઈ, 15000 દંડ અને એક મહિનાના જમીન. બન્યું છે એવું કે જેને માટે રાહુલ કાયમ કોઈને કોઈ ટીકા કર્યા વિના રહેતા નથી તે ગુજરાતમાં આ ચુકાદો આવ્યો. સુરતનો આ ચુકાદો ઘણી બધી રીતે ઐતિહાસિક અને નિર્ણાયક છે. નાની માં ઇન્દિરાજીને 1975માં લોકસભા ચૂટણી માટે અલહાબાદ અદાલતે એવો ચુકાદો આપ્યો કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાંસદ તરીકે ચૂટણીમાં ગેરલાયક ઠર્યા ત્યારે પણ બન્યું હતું.રાહુલને માટે સાંસદતરીકે રહેવાનો કોઈ ઉપાય નથી.
પણ રાહુલ ગાંધીના વિધાનો વિષે શું? ચુકાદો આવ્યા પછી તેણે સત્ય અને અહિંસાની દુહાઈ આપી. ધર્મની વાત કરી. બહેન પ્રિયંકાએ પ્રમાણપત્ર આપ્યું કે મારો ભાઈ ડરશે નહિ. સત્યના માર્ગે ચાલશે. રાહુલ અનેકવાર સાવરકરની સાથે સરખાવીને પોતે માફી નહિ માંગે એવું કહે છે. જાણે સાવરકરના બલિદાનની ઉપર નેહરૂ-ગાંધી ખાનદાન શ્રેષ્ઠ હોય તેમ કહે છે, “હું રાહુલ સાવરકર નથી, હું રાહુલ ગાંધી છું. અને કોંગ્રેસનો કોઈ નેતા સલાહ આપતો નથી કે ભાઈ, સરવાજનિક જીવનમાં આવું ના કહેવાય. તારા નાની કે (દાદી) શ્રીમતી ઇન્દિરા ગાંધીએ વીર સાવરકરની જાહેરમાં પ્રસંશા કરી હતી. બે જનમટીપની સજા પામનારો કોઈ કોંગ્રેસી નેતા ખરો? નેતાજી સુભાષ અને રાસબિહારી બોઝ જેવા ક્રાંતિકારોએ જેમની સલાહ અને માર્ગદર્શન મેળવ્યા હતા તેવા મહાન દેશભક્તને અને બીજા ક્રાંતિકારો આંદામાંની કાળ કોટડીમાં સડતા ના રહે તેવી વ્યૂહરચના પ્રમાણે બ્રિટિશ સરકારને લખ્યું તેનું બાલિશ અર્થઘટન કરતાં કોઈ કોંગ્રેસી નેતા રાહુલને રોકી શકે તેમ નથી? અરે, આવી વાતોથી તેના હિન્દુ મતોમાં ગાબડું પડે તેની યે સમજ નહિ હોય? કે પછી 1885માં બીજ બનીને જેને ગાંધી, લાલા લજપત રાય, મદનમોહન માલવિયા, મોતીલાલ નેહરૂ, મૌલાના આઝાદ, સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફર ખાન, સરદાર વલ્લભ ભાઈ, જવાહરલાલ નેહરૂ, અરે ઈંદિરાજીના પતિ ફિરોઝ અને પુત્ર રાજીવ ગાંધીએ જે પક્ષની ઇમારત મજબૂત બનાવી તેણે હથોડો લઈને આ ભાઈ નીકળી પડ્યા છે?
લાગે છે તો એવું. પહેલા રાફેલ વિષે અનાપસનપ બોલ્યા, કોર્ટનો ઠપકો ખાધો. પછી ચોકીદાર ચોરનો નારો ગજાવ્યો અને કોરટમાં માફી માંગી. પછી આર,એસ.એસ વિષે બેતુકી વાત કરી કે આ તો મુસ્લિમ બ્રધરહૂડ છે. હમણાં લંડનમાં આવીને કહ્યું કે મને બોલવા દેવામાં આવતો. રાહુલ અને કોંગ્રેસનાં મોટા નેતાઓ નરેન્દ્ર મોદી અને ભાજપ વિષે કેવું બોલે છે તેની યાદી કરવામાં આવે તો ગાલી પ્રદાનનો શબ્દકોશ તૈયાર થઈ જાય. મણિશંકર અય્યર અને બીજા નેતાઓ તેમાં શૂરાપુરા છે. નીચ, જૂઠ્ઠો , અભણ, હિટલર, હત્યારો., ચાની કિટલીને લાયક ... આવા શબ્દો કહેવાયા. રાહુલને સજા થઈ તેણે ભગતસિંહ સાથે સરખાવવામાં આવી! રાજા ભોજ સમયની કહેવત યાદ આવી જાય.
રાહુલ છેક કર્ણાટકની એક સભામાં મોદી શબ્દની હાંસી ઉડાવતા નીરવ મોદી, મેહુલ મોદી અને સાથે નરેંદ્ર મોદી ગણાવીને સભામાં પુછ્યું કે આ બધાની અટક મોદી એકસરખી કેમ છે? અદાલતે ઠીક નોંધ્યું છે કે એક જવાબદાર પક્ષનો નેતા અને સંસદ સભ્ય એક આખી કોમને એકસરખી ગણાવીને ટીકા કરે તે કોઇરીતે વાજબી ના ગણાય. આ ચુકાદાથી એક બોધપાઠ ઊભો થશે અને બીજા કોઈ વાણી વિલાસ નહિ કરે એવી આશા સેવવામાં આવી છે. પણ એવું થશે? હવે જો રાહુલ સાંસદ ના રહી શકે તો અને અમુક વર્ષ ચૂટણી લડી ના શકે તો વડાપ્રધાન બનવાના સપનાઓનું શું? વિરોધી પક્ષો કોંગ્રેસમાથી સર્વસમત નેતા પસંદ કરે તેવું હવે નહીં બને. વિરોધ પક્ષોને માટે ગોળના પાણીથી ખસ ગઈ તેવો ઘાટ થયો. પણ એમ ગાંધી પરિવાર કઈ બધુ છોડી તેવો ડી,એન.એ. ધરાવતો નથી. નિસહાય કોંગ્રેસી નેતાઓ તેણે ફ્રેન્ડ, ફિલોસોફર અંદ ગાઈડ માનીને પૂજતા રહેશે. દરમિયાન સુપ્રીમ કોર્ટ સુધી વાત જવાની એ પાકકું .

