પ્રથમ સ્ત્રી સંત અને કવયિત્રી : અવ્વઈયાર

ટીના દોશી Wednesday 29th March 2023 06:51 EDT
 
 

એનું નામ અવ્વઈયાર... સંગમ સમયની તમિળ કવયિત્રી. નામ તેવું જ કામ કરનારી. એ ભારતની પ્રથમ સ્ત્રી સંત અને કવયિત્રી હોવાનું મનાય છે. અવ્વઈયારે સંગમ સાહિત્યના આઠ પ્રાચીન કાવ્યસંગ્રહમાંથી પુરાણાનુરુ,નારીનાઈ, કુરનટોકાઈ અને આકાનાનુરુ એમ ચાર તમિળ કાવ્યસંગ્રહમાં કાવ્યો લખ્યાં છે. તમિળ સાહિત્યમાં આ કાવ્યરચનાઓ અમર કૃતિઓ ગણાય છે !

પુરાણાનુરુમાં ચારસો જેટલાં કાવ્યો સંગ્રહિત છે. આ કાવ્યો પુરમ કે પુરાપ્પાટટુ પણ કહેવાય છે. આ પુરમ કાવ્યો મુખ્યત્વે યુદ્ધકાવ્યો છે. તેમાં યોદ્ધાઓને અને યુદ્ધમાં શહીદી વહોરનારાઓને બિરદાવવામાં આવ્યા છે. પુરાણાનુરુમાં અવ્વઈયારે ૫૯ કાવ્યો લખ્યાં છે. નારીનાઈમાં સાત, કુરનટોકાઈમાં ૧૫ અને આકાણાનુરુમાં અવ્વઈયારના ચાર કાવ્યનો સંગ્રહ થયો છે. નારીનાઈમાં એકમ અર્થાત પ્રણયગીતો અને પુરમ એટલે કે યુદ્ધકાવ્યો અને લોકજીવન સાથે જોડાયેલાં કાવ્યોનો સમાવેશ કરાયો છે. કુરનટોકાઈમાં મુખ્યત્વે પ્રેમગીતોનો સંચય કરાયો છે. આકાણાનુરુમાં ચારસો પ્રણયગીતોનો સંગ્રહ કારાયો છે. આ ઐતિહાસિક કાવ્યસંગ્રહોમાં અવ્વઈયારે પણ પ્રદાન કર્યું છે એ જ એની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

અવ્વઈયારના જન્મ અને એના ઉછેર વિશેની વિગતો ઉપલબ્ધ નથી. એના માતાપિતા અંગેની માહિતી પણ મળતી નથી. લિખિત ઇતિહાસમાં નોંધાયું છે એ મુજબ અવ્વઈયાર તમિળ રાજદરબારની કવયિત્રી હતી. રાજા વલ્લાલ આતિયમન નેદુમન આનજી. અવ્વઈયારે કેટલાયે ગીતો આતિયમન અને એના શાસન અંગે લખેલાં. જોકે અવ્વઈયાર માત્ર દરબારી કવયિત્રી નહોતી. એ રાજ્યમાં એકથી બીજે છેડે નિરંતર ભ્રમણ કરતી. એ સમયમાં ગરીબ ખેડૂતો ઘઉંના ફાડામાં દૂધ કે પાણી ઉમેરીને ઘેંસ કે રાબ જેવું વ્યંજન બનાવતા. અવ્વઈયાર એમની સાથે આ વાનગી પ્રેમથી આરોગતી અને એમના મનોરંજન માટે ગીતો રચતી. ગીતો થકી કલેહ ને કંકાસ ન કરવાના સંદેશ પણ આપતી.અવ્વઈયારનો સરળ ભાષામાં અપાતો ઉપદેશ લોકહૃદયને સ્પર્શી જતો.

(((((((((((((અવ્વઈયાર કેટલું જીવી અને ક્યારે એનું મૃત્યુ થયું એ અંગેની વિગતો પ્રાપ્ત થતી નથી. પરંતુ લાંબા સમય સુધી એણે સાહિત્યની સેવા કરી એ નિર્વિવાદ હકીકત છે. અવ્વઈયારને થયાને બે હજાર કરતાં પણ વધુ વર્ષો વીતી ગયાં છે, છતાં તમિળ પ્રજામાં એની વાણી ગુંજ્યા કરે છે.)))))))))))) નાનાં નાનાં વાક્યોમાં જીવન જીવવાની જડીબુટ્ટી આપતી અવ્વઈયારની વાણીનાં ઉદાહરણો :

કોઈનું સારું કરો ત્યારે વળતરની અપેક્ષા ન કરો. નાળિયેરનું વૃક્ષ બનો, જે પગેથી પાણી પીને માથેથી મીઠુ પાણી આપીને બીજાને લાભ આપે છે... યોગ્ય બાબતો કરવાનું લક્ષ રાખો..ગુસ્સો ક્ષણિક છે. આવેશમાં આવીને નિર્ણય ન લ્યો...તમારી ક્ષમતાને આધારે અન્યોને મદદરૂપ થાઓ....વહેંચીને ખાઓ.. અનાજના દાણાની ગુણવત્તામાં ક્યારેય સમાધાન ન કરો....સંપત્તિ, કૌશલ્ય અને જ્ઞાનને પોતાના પૂરતું સીમિત ન રાખો...સતત શીખતા રહો. શીખવાને ઊણું ન આંકો....ક્યારેય નિંદા ન કરો...

અવ્વઈયારની વાણી ઠેઠ અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસા સુધી પણ પહોંચી છે. નાસામાં અવ્વઈયારનું એક કથન પ્રદર્શનીમાં મુકાયું છે. કથન આ પ્રમાણે છે : તમે જે શીખ્યા છો એ માત્ર મુઠ્ઠીભર છે, પરંતુ જે નથી શીખ્યા તે બ્રહ્માંડ જેટલું છે !

આ અને આ પ્રકારની અન્ય ઉક્તિઓ દ્વારા અવ્વઈયાર સદેહે ભલે નહીં, પણ શબ્દદેહે લોકહૃદયમાં હંમેશાં જીવંત રહેશે !


comments powered by Disqus