એસોસિએશન ઓફ માંધાતા સમાજ યુકે (AMSUK)ના મહિલા વિભાગ દ્વારા તાજેતરમાં ડડલી ખાતેના શ્રીકૃષ્ણ મંદિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમોના ભાગરૂપે સેમિનારનું પણ આયોજન કરાયું હતું. જેમાં મેનોપોઝ વિષય પર ભાવનાબહેન પટેલે વિશદ્ ચર્ચા કરી હતી જ્યારે ડિમેન્શિયા વિશે જયોતીબહેન જોશીએ ઉદાહરણ સાથે ઘણી ઉપયોગી માહિતી રજૂ કરી હતી. બાદમાં આ બન્ને વિષયો પર કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ પોતાના અનુભવો, પ્રશ્નો અને વિચારો રજૂ કર્યા હતા.
સંસ્થાના ચેરપર્સન રેખાબહેન એલ. શાહે કહ્યું હતું કે આપણા સમાજોમાં અમુક વિષયો એવા છે કે જેના વાતો કરતાં આપણને સંકોચ થતો હોય છે. અમારો ધ્યેય છે કે આ બાબતોની બન ેતેટલી ચર્ચા કરતા રહીએ, જેથી જે તે વિષય પરની આપણી સમજ વધે અને અજ્ઞાનતા અને શરમિંદગીને કારણે અનુભવવી પડતી મૂંઝવણ થઇ શકે. પૂરતી જાણકારીના લીધે સહુ કોઇને શારીરિક અને માનસિક લાભ પણ થશે.
તેમણે કહ્યું હતું કે મહિલાઓને લગતા વિષયોની વાતો કરવા ભેગા મળીએ ત્યારે પુરુષોને પણ સાથે આવવા આગ્રહ રાખવો જોઇએ. જો આમ થશે તો તેઓ પણ સ્ત્રીઓના પ્રશ્નોને સારી રીતે સમજી શકશે. અમે સકારાત્મક પરિવર્તન માટે મહિલાઓને સશક્ત કરવા માંગીએ છીએ.
સંગઠનના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમોને આનંદ-ઉલ્લાસભેર માણ્યા હતા. આ પ્રસંગે નિમેષ સંઘોઈના સુરીલા કંઠે બોલિવૂડના ગીત-સંગીતની શાનદાર રજૂઆત થઇ હતી, જેને લોકોએ મનભરીને માણી હતી. આ પ્રસંગે લિજ્જતદાર લંચની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રેખાબહેને સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ સહુ કોઇનો આભાર માન્યો હતો.

