મેટ્રોપોલિટન પોલીસની વિશ્વસનિયતા તળિયે

Wednesday 29th March 2023 06:12 EDT
 

મેટ્રોપોલિટન પોલીસ પડી ભાંગી છે. બ્રિટનનું આ મહત્વનું સંસ્થાન જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે. વંશીય ભેદભાવ, મહિલાઓ વિરુદ્ધના અપરાધો અને હોમોફેોબિયાએ મેટ્રોપોલિટન પોલીસને ખસ્તાહાલ બનાવી દીધી છે. તાજેતરમાં જ મેટ દ્વારા નિયુક્ત લૂઇસ કેસી દ્વારા 363 પાનાનો એક રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં પોલીસ દ્વારા જ મહિલાઓ પર થતા હુમલા, વંશીય ભેદભાવની ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર બ્રિટિશ પોલીસમાંથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે. ફક્ત 50 ટકા લોકો જ પોલીસમાં વિશ્વાસ ધરાવે છે. મેટ્રોપોલિટન પોલીસે હજુ પોતાને સંસ્થાગત વંશીય ભેદભાવમાંથી પણ મુક્ત કરવાની છે. પોલીસ બેડામાં એકબીજાને ચીડવવાનું કલ્ચર વ્યાપક છે જેના કારણે સાચા અને ઇમાનદાર પોલીસકર્મીઓમાં એક પ્રકારની હતાશા પ્રવર્તી રહી છે. સિસ્ટમમાં પ્રવર્તતી ભેદભાવની વૃત્તિ તેમના મોરલને પરાસ્ત કરી રહી છે.
લંડનમાં શ્વેતો કરતાં અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયના લોકોની વસતી વધુ હોવા છતાં બ્રિટનના સૌથી મોટા ફોર્સમાં શ્વેતોની બહુમતી છે. તેમના દ્વારા અશ્વેતોની જડતી વધુ લેવાતી હોય છે. પોલીસ બેડામાં પણ વંશીય ભેદભાવ વ્યાપક છે. 60 ટકા કરતાં વધુ ચીફ કોન્સ્ટેબલો આ પ્રકારના વંશીય ભેદભાવથી ભયભીત રહે છે. હાલ મેટ્રોપોલિટન પોલીસ વર્કફોર્સમાં વંશીય લઘુમતી સમુદાયના ફક્ત 8 ટકા કર્મચારીઓ છે જ્યારે લંડનમાં અશ્વેત, એશિયન અને અન્ય વંશીય લઘુમતી સમુદાયના લોકોની 18 ટકા વસતી છે.
પોલીસ રેસ એક્શન પ્લાનના વરિષ્ઠ અધિકારી પણ સ્વીકારે છે કે પોલીસ ફોર્સમાં હજુ પણ વંશીય ભેદભાવ પ્રવર્તી રહ્યો છે. પોલીસની સારી કામગીરી અને તમામ સમુદાયોને સંરક્ષણ આપવા માટે આ પ્લાન તૈયાર કરાયો છે તેમ છતાં વંશીય ભેદભાવ ડામવામાં કોઇ પ્રકારની સફળતા હાંસલ થઇ રહી નથી. તાજેતરમાં જ જારી કરેલા રિપોર્ટમાં લૂઇસ કેસીએ જણાવ્યું છે કે મેટએ પોતાને હજુ સંસ્થાગત વંશીય ભેદભાવમાંથી મુક્ત કરવાની છે. છેલ્લા ઘણા દાયકાઓથી ઘણી સત્તાવાર ઇન્કવાયરીઓ હાથ ધરાઇ છે અને મેટ્રોપોલિટન પોલીસને પોતાનામાં સુધારા કરવાની ઘણી તકો પ્રાપ્ત થઇ છે પરંતુ તેનો ઉપયોગ કરાયો નથી. મેટ્રોપોલિટન પોલીસે પસંદગીના સુધારા પણ અપનાવવા જોઇએ નહીં.
ટોચના પૂર્વ પોલીસ અધિકારી નીલ બસુએ પણ વંશીય ભેદભાવના સુધારા પર મેટ્રોપોલિટન પોલીસની નિષ્ક્રિયતા પર બળાપો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વંશીય ભેદભાવ અંગેના સુધારા માટે તેઓ પોલીસ વડાઓ પર વિશ્વાસ કરતાં નથી. મેટ્રોપોલિટન પોલીસ એક જમાનામાં વિશ્વભરમાં શાખ ધરાવતી હતી પરંતુ આજે બ્રિટિશ જનતાનો જ વિશ્વાસ ગુમાવી બેઠી છે. જો તાકિદે સુધારા નહીં કરાય તો પોલીસની વિશ્વસનિયતા તળિયે બેસી જશે.


comments powered by Disqus