ભારતીય લોકસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ દુનિયાના ૧૯૫ દેશોમાંથી ૯૯ જેટલા દેશોમાં લગભગ ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં સૌથી વધારે ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશ ખાસ કરીને યુ.કે. કેનેડા અથવા અમેરિકામાં જવાનું વધુ પસંદ કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ લાખથી વધુ ગુજરાતીઓ વિદેશ વધુ અભ્યાસાર્થે ગયા હોવાનું મનાય છે.
શિક્ષણનું વૈશ્વિક હબ ગણાતા યુ.કે.માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. કેટલાક લોકો વિશ્વના સૌથી ઐતિહાસિક પાટનગર લંડનમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. દિલ્હી હોમ ઓફિસના આંકડા મુજબ ગત વર્ષે ૨૦૨૨ના સપ્ટેમ્બરના અંત સુધીમાં સૌથી વધુ સંખ્યા ૧૨૭,૭૩૧ સ્ટુડન્ટ વીસા મંજૂર કરાયા છે જે ૨૦૧૯માં (૩૪,૨૬૧)ની તુલનામાં ૯૩,૪૭૦ (+૨૭૩%)નો અધધ વધારો કહી શકાય.
કેટલાક પરિવારોમાં જરજમીન વેચીને કે ગિરવે મૂકીને સંતાનોને ફોરેન મોકલવાનો મોહ રાખતા હોય છે. પોતાના દિકરા કે દિકરીને વધુ અભ્યાસાર્થે લંડન કે કેનેડા જવાના વીસા મળી જાય એટલે "જગ જીત્યા" જેવું આનંદ સહ ગર્વ થતો હોય છે. દિકરો કે દિકરી લંડન જશે તો ભણી ગણીને ઠરીઠામ થશે તો વૈભવમાં રાચશે પરંતુ અહીં આવીને એમના સંતાનોને કેટકેટલી વિટંબળાઓ વેઠવી પડે છે એનો અંદાજ કદાચ વિદ્યાર્થીઓના વાલીઓને હોતો નથી. ગુજરાતના કોઇ ગામડેથી કે અમદાવાદ, સુરત, વડોદરા કે આણંદ જેવા શહેરોમાંથી દિકરો-દિકરી "ફોરેન" જતા હોય છે એ પહેલાં એમના મા-બાપ કે પરિવારજનો હોટેલોમાં સગા-સંબંધી, મિત્રોને આમંત્રિને મોટી પાર્ટીઓ યોજીને પરદેશ જતા દિકરા કે દિકરીનો વિદાય સમારોહ યોજતા હોય છે પણ અજાણ્યા દેશ અને અજાણ્યા લોક વચ્ચે અહીં સેટલ થવામાં કેવી તકલીફ-મૂંઝવણ થાય છે એ અહીં આવનારને ખબર હોય છે.
ભારતના મોટાં શહેરો-નગરોમાં ફોરેન અભ્યાસ અર્થે જવા ઇચ્છુકો માટે વીસા મેળવીને યુનિવર્સિટીઓમાં એડમિશન કરી આપનાર એજન્ટોની જાહેરાત કરતા મોટાં હોલ્ડીંગ ઠેર ઠેર જોવા મળે છે. એ ઉપરાંત ઓનલાઇન દ્વારા પણ કેટલાક જુવાનિયા યુનિવર્સિટીઓમાં એડમિશનો મેળવી યુ.કે. આવી જાય છે પણ તેઓ વિચારતા નથી કે અજાણ્યા દેશમાં કઇ જગ્યાએ, કેવી યુનિવર્સિટી હશે!! લંડન એ વિશ્વનું સૌથી મોઘું શહેર છે એ હકીકતોથી અજાણ ઘણા વિદ્યાર્થીઓ અહીં આવ્યા પછી ખૂબ સંઘર્ષ કરતા હોય છે એના કેટલાક કિસ્સા અમારી ધ્યાનમાં આવ્યા છે. ઘરથી દૂર અજાણ્યા દેશમાં મુંઝવણ અનુભવતા, રહેવાની તકલીફ વેઠતા જોવા મળે છે.
ગયા વીકે મહેસાણાથી વધુ અભ્યાસાર્થે આવેલી યુવતીનો રાત્રે ૯.૦૦ વાગ્યે ફોન આવ્યો. ગળામાં ડૂમો ભરાયો હોય એવા ધીમા અવાજે મને જણાવ્યું કે, "આન્ટી, મારે કાલે સવારે ભાડાની રૂમ ખાલી કરી અપવાની છે. મારા લેન્ડલોર્ડે મને હમણાં જ કહ્યું કે,”મારી બહેન આવવાની હોવાથી તમે સવારે જ રૂમ ખાલી કરી દો.!!” એક રૂમ અને જમવાનું બનાવવા કિચન શેર કરવા સાથે મહિને £800 આપતી આ દિકરીની આવી વિટંબણામાં મારાથી બનતી મદદ કરી.
સુખી-સંપન્ન પરિવારના દિકરા દિકરીઓ આપણા એશિયનોના ઘરોમાં સાફ-સફાઇ, રસોઇ રાંધવાનું કામ કરતી જોવા મળી છે. યુવાનોને પણ રાતની જોબ પર ગ્રોસરી સ્ટોર્સ, શાક માર્કેટમાં માલ ઉંચકતા, બિલ્ડીંગ વર્કકરતા અને રેસ્ટોરન્ટોમાં વેઇટર તરીકે સર્વિસ કરતા જોયા છે. આવા સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓ શી રીતે ફી અને ભાડાં ભરતા હશે?! એવા પ્રશ્નો ઊઠતાં અમે કેટલાક યુવાન-યુવતીઓને મળીને એમના વિચારો જાણવા પ્રયત્ન કર્યો.
એક જ રૂમમાં રહેતા પરણેલા દંપતિ પરેશ અને કૃતિ (નામ બદલીને) જેમાંથી કૃતિ સ્ટુડન્ટ વીસા પર અહીં આવી છે અને એનો પતિ એના રાઇટ ઉપર આવ્યો છે. એક રૂમના મહિને £700-£800 ભાડુ આપીને રહેતી કૃતિએ કહ્યું કે, “અમે બહુ સુખી પરિવારમાંથી આવીએ છીએ પણ અમારે બન્ને જણે સખત કામ કરવું પડે છે. યુનિવર્સિટીમાં જઇને અથવા ઓનલાઇન અભ્યાસ કરું છું અને સમય મળે ત્યારે ત્રણેક ઘરમાં સાફ-સફાઇ ને રસોઇ રાંધવા જઉં છું. મારા પતિ રસ્ટોરન્ટમાં રાત્રે વેઇટરની જોબ કરે છે!!
આણંદ જિલ્લાના એક ગામમાંથી આવેલા એક ભાઇને ફોન ઉપર વાત કરતાં સાંભળી એમને પડતી વિટંબણા સાંભળી. આણંદમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરીને યુ.કે. સ્ટુડન્ટ વીસા ઉપર આવેલો એ યુવાન લંડનના એક ગ્રોસરી સ્ટોરમાં રાતની જોબ કરતો હશે. એના માલિકે બે-ત્રણ મહિનાનો પગાર નહિ ચૂકવતાં દ્વિધામાં મૂકાયેલો યુવાન એના કોઇ મિત્રને જમવાનું કયાં મળે અને રૂમનું ભાડુ કેવી રીતે ભરવું એની વ્યથા વ્યક્ત કરતો હતો. જો કે જોબ વિહોણા આવા યુવક-યુવતીઓના જમવા માટે આપણા મંદિરો અને ગુરુદ્વાર ખૂબ આશીર્વાદરૂપ નિવડ્યાં છે.
નડિયાદ જિલ્લાના એક ગામના વૈભવી પરિવારમાં કયારેય રસોઇ રાંધી નથી, રોજ નોકર-ચાકર ટેબલ પર ગરમા ગરમ ભોજન પીરસતા હોય એવા કુટુંબનો દિકરો-વહુ વિઝીટર વીસા ઉપર અહીં આવ્યા છે. સિનેમા સ્ક્રીન ઉપર ઘણીવાર જોયેલા મોજીલા લંડનમાં ફરવા તો જવું જ છે એવો મનસૂબો ઘડીને આવેલા આ દંપતિને પણ £1ના ૧૦૦ કરી દેશમાં આલીશાન બંગલો બાંધવાની તમન્ના જાગી છે એટલે ભાઇ રોજ અહીંની કન્સ્ટ્રકશન કંપનીમાં પ્લાસ્ટર અને પેઇન્ટરની જોબ કરે છે અને એની પત્ની રોજ સવારે બસોમાં ટ્રાવેલ કરીને ચારેક ઘરમાં ઘરની સાફ-સફાઇ ને રસોઇ રાંધવાનું કામ કરે છે.
અત્રે સ્ટુડન્ટ કે ડિપેન્ડન્ટ તરીકે આવેલી કેટલીક યુવતીઓ અહીં આવવા માટે એજન્ટોને આપેલી મસમોટી રકમને ભરપાઇ કરવા તેમજ યુનિવર્સિટીની ફી ભરવા માટે આપણા ઘણા એશિયનોના ઘરોમાં અને ગ્રોસરી સ્ટોર કે રેસ્ટોરન્ટોમાં કામ કરવા જતી હોય છે. ત્યાં એમનું શારિરીક શોષણ થયાના કિસ્સા પણ બન્યા છે. ઘરની મહિલા જોબ પર ગઇ હોય ત્યાં એકાંતનો લાભ લઇ કેટલાક પુરુષો એકાંતનો લાભ લઇને કામ કરવા આવતી યુવતીનું શોષણ કરતા હોય એવા કિસ્સા બન્યા છે.
“રોકેટીઆ" તરીકે સંબોધતા આપણા બ્રિટીશ એશિયન અને ભારતથી આવતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝાઝો મનમેળ બેસતો ના હોય એવું કેટલેક અંશે દેખાય.
ગુજરાતથી આવેલો એ યુવાન કે યુવતી ગુજરાતી આપણને જોઇ ડિસ્ટન્સ રાખવા મથતો હોય છે પણ સ્વભાવે પત્રકાર હોવાથી કયાંક ગ્રોસરી સ્ટોર કે રેસ્ટોરન્ટમાં સર્વિસ આપતા યુવાનો કે યુવતીઓને અમે મળીએ તો દેશી ઢબે જ "ભઇલા.. તમે ગુજરાતી છો? કયાંના? કયા શહેર કે ગામના?” એવા સવાલો પછી એમની સાથે આત્મિયતા કેળવવા પ્રયાસ કરીએ અને ઘરના સદસ્યની જેમ શું કરો છો? કયાં રહો છો? એમ હળવાશથી પૂછીએ ત્યારે એ યુવાન કે યુવતીના ચહેરા પર જે આનંદના ભાવ પ્રગટ થાય એ ખરેખર જોવા જેવા હોય છે. આવા યુવાન કે યુવતીઓ અમને પૂછતા હોય છે કે આન્ટી તમે આફ્રિકાના નથી?!!" ત્યારે અમે વળતા જવાબમાં "અરે! હું ય ડાયરેક્ટ ઇન્ડિયાથી. નોટ વાયા આફ્રિકા!” કહું એટલે એ યુવાનો ખુશ ખુશ થઇ "આન્ટી તમે મળ્યા તો જાણે મારું પોતાનું કોઇ મળ્યું એવું લાગ્યું..!! નવી દુનિયામાં આવેલા આ યુવાન-યુવતીઓની મનોદશા સમજી શકાય છે, આપણે પણ ૧૯૭૦-૭૨ની સાલમાં અહીં આવ્યા ત્યારે આવી જ મનોદશામાં રહીને સ્થાયી થઇ શક્યા ને?!
ઇન્ડિયાથી કોમ્પ્યુટર સાયન્સ, એકાઉન્ટન્ટ, કોમર્સ કે એન્જિનિયર તરીકે વધુ અભ્યાસાર્થે આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં વર્ક પરમિટ મળી જતાં ભણવા સાથે ઉંચા પગારની નોકરીઓની ઉજ્જવળ તક મળતી હોય છે. આવા ઘણા ગુજરાતી યુવાન-યુવતીઓ અહીં કાયમી સ્થાયી થયાના દાખલા અહીં જોવા મળે છે.
Photo credit: Travelpixs / Shutterstock.com

