સૂરજને કાળજે ડાઘ

સી.બી. પટેલ Wednesday 29th March 2023 07:03 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વમાંથી મૂડીરોકાણ હોય તો પણ અમેરિકામાં ઠલવાય અને કોઇ વ્યક્તિને દેશાંતર કરવું હોય તો પણ પહેલી પસંદગી તો અમેરિકા જ રહેવાની. દુનિયાભરમાંથી દર વર્ષે લાખો લોકો અમેરિકા પહોંચે છે - કાયદેસર માર્ગે પહોંચી શકાય તો ઠીક છે, નહીં તો જાનનું જોખમ ખેડીને ગેરકાયદે પહોંચવામાં પણ તેમને કોઇ ખચકાટ નથી. અમેરિકાની ચમકદમક જ કંઇક એવી છે.
એક જમાનામાં ભારત જેવા વિકાસશીલ દેશમાંથી અમેરિકા (અને તે જ પ્રમાણે બ્રિટન) જઇ વસેલાં લોકોને વિદેશવસવાટના બે-પાંચ વર્ષ થતાં અને તેમના ઢબછબ-બોલચાલ અને માદરે વતન ભારત પ્રત્યેનો તેમનો ‘અભિગમ’ સમૂળગો બદલાઇ જતો. દરિયાપારના જે દેશમાં પોતે જઇ વસ્યાં હોય તેની આરતી ઉતારતાં થાકતા નહીં. (અને ભારતની બદબોઇ કરવાનું ચૂકતાં નહીં.)
વતનની મુલાકાતે પહોંચે ત્યારે બાળકો અને સગાંસ્વજનો સમક્ષ અમેરિકાનું (કે બ્રિટનનું કે આફ્રિકાનું કે અન્ય કોઇ દેશનું) એવું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરે કે સામેવાળાને એમ જ લાગે કે માળું, આ દેશ તો ધરતી પરનું સ્વર્ગ જ છે. સાંભળનારને પીળું એટલું બધેબધું સોનું જ દેખાવા લાગે. આ ઓછું હોય તેમ આ બધી વાતો સાંભળનારને ભારતમાં બધી વાતે અભાવ નજરે પડવા લાગે.
અલબત્ત, વર્ષોના વહેવા સાથે હવે આ સ્થિતિ બદલાઇ છે. આજનું ભારત લગભગ વિકસિત દેશોની હરોળમાં ઉભેલું જોઇ શકાય છે. તો બીજી તરફ, અમેરિકામાં (કે બીજા કોઇ પશ્ચિમી દેશમાં) દીવા તળે પ્રવર્તતા અંધારાની વાતો પણ દુનિયા સમક્ષ છતી થઇ રહી છે, અને લોકોને વિકસિત દેશોમાં પ્રવર્તમાન વરવી વાસ્તવિક્તાનું ભાન થઇ રહ્યું છે.
તાજેતરમાં અમેરિકા નામના સોનેરી સિક્કાની બીજી બાજુનો ચિતાર રજૂ કરતું એક પુસ્તક વાંચ્યું. મેથ્યુ ડેસમન્ડ નામના અનુભવી લેખકે વિશદ્ અભ્યાસના આધારે ‘Poverty: By America’ અભ્યાસુ પુસ્તક લખ્યું છે. 304 પાનના આ પુસ્તકમાં આંકડાઓ ટાંકી ટાંકીને જે રજૂઆત થઇ છે તે વાંચો તો સમજાશે કે અમેરિકાની તામઝામ - ચકાચૌંધ પાછળ કેવું કરુણ સત્ય છુપાયેલું છે.
 પુસ્તકમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં વસતાં પુખ્ત વયના પ્રજાજનોમાંથી 12 ટકા (લગભગ આઠ વ્યક્તિ એક) લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. આ આંકડા 2016 પહેલાંનાં એટલે કે કોરોના મહામારી પહેલાંના છે. આગલા દાયકાના સરખામણીએ આ આંકડામાં સહેજ સુધારો જરૂર નોંધાયો છે, પણ અમેરિકામાં કેટલાક મામલે અત્યંત ચિંતાજનક પરિસ્થિત પ્રવર્તે છે.
 આ પુસ્તકમાં આંકડાઓ સાથે જણાવાયું છે કે જેમને સિનિયર સિટિઝન કહેવાય તેમાંથી અડધોઅડધ ‘ગરીબ’ અવસ્થામાં જીવે છે. બ્લેકના (અશ્વેત પ્રજાના) સિનિયર સિટિઝનના લગભગ 70 ટકા દારૂણ ગરીબીમાં જીવન વિતાવી રહ્યા છે. વાચક મિત્રો, આમાં આપ સહુએ બીજું પણ એક જાણવાની જરૂર છે કે પુસ્તકમાં આ અને આવા અભ્યાસ આધારિત બીજા પણ દાવા છે જેને અત્યંત દુઃખદ અને શરમજનક ગણી શકાય.
અમેરિકા દુનિયામાં મહાસત્તાનો દરજ્જો ધરાવે છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ કેદીઓની સંખ્યાના મામલે પણ તે અવ્વલ છે. વિશ્વના 20 દેશોના સંગઠન જી-20ના સભ્ય દેશોમાં પ્રમાણમાં અમેરિકાની જેલોમાં સૌથી વધુ કેદી બંધ છે. વસ્તીના પ્રમાણ સાથે સરખાવવામાં આવે તો અશ્વેત કેદીઓની સંખ્યા ત્રણ ગણી છે. આ આંકડાઓમાં જોઇ શકાય છે કે અમેરિકામાં કાળા-ધોળા વચ્ચે કેવો તફાવત પ્રવર્તે છે. ગરીબ-તવંગર વચ્ચે જમીન-આસમાનનો ભેદ છે. અને સમતોલ કે સમરસ દેશ ન હોવાના માઠાં પરિણામો પણ આપણે જોઇ શકીએ છીએ.
હવે આપણે વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા - અંતરીક્ષમાં ઊંચેરી ઉડાન ભરી રહેલા ભારતની વાત કરીએ. ભારત લગભગ તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યું છે, દુનિયાભરના આર્થિક નિષ્ણાતો ભારતીય અર્થતંત્રની મજબૂતાઇને બિરદાવી રહ્યા છે. પરંતુ સૌથી વધુ ચિંતાજનક કહો કે નાલેશીજનક કહેવાય તેવું દૂષણ છે અસ્પૃશ્યતા. દેશને આઝાદ થયાને 75 વર્ષ થઇ ગયા છે, પરંતુ ઊંચનીચ, જાતિભેદ જેવા પરિબળ આજેય સમાજમાં જોવા મળી રહ્યા છે. ભારતીય બંધારણમાં તમામ વર્ગને સમાન હક મળ્યા છે છતાં કોઇને કોઇ પ્રકારે જ્ઞાતિભેદ કે જાતિભેદ જોઇ શકાય છે. અને જ્યાં સુધી આ બધું અટકશે નહીં ત્યાં સુધી ‘પછાત’પણાના લેબલમાંથી બહાર નીકળ્યા છીએ એમ કહી શકાય નહીં.
પરંતુ અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ જ્ઞાતિભેદ કે જાતિભેદની દિવાલ ઉભી કરી કોણે? ઇશ્વરે તો કાળા માથાનાં માનવીઓ વચ્ચે આવા ભેદભાવ સર્જ્યા નથી. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં એક સમારોહને સંબોધતાં કહ્યું હતું કે ગ્રંથો અને પરંપરાના જ્ઞાનની પુનઃ સમીક્ષા કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે અમુક સ્વાર્થી લોકોએ ગ્રંથોમાં થોડું-થોડું ઉમેર્યું જે એકદમ ખોટું છે.
હિન્દુ સંગઠનના સર્વેસર્વા ગણાતા મોહન ભાગવત જ્યારે આવા શબ્દો બોલે અને તેના પડઘા ના પડે તો જ નવાઇ. એક વર્ગે આ શબ્દો સામે કચવાટ - નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ એ તો હકીકત છેને કે પંડિતોએ - કર્મકાંડીઓના એક વર્ગે શાસ્ત્રોનું જે અર્થઘટન કર્યું છે તે સુધારવું પડશે. ભાગવતે કહ્યું હતું કે હિન્દુ ધર્મ વિજ્ઞાન અનુસાર ચાલે છે. વિજ્ઞાનમાં અત્યાર સુધી આપણા પૂર્વજોએ કરેલું કંઈકને કંઈક સામેલ છે.
ભાગવતજીના જ શબ્દોમાં જોઇએ તોઃ હમારે યહાં પહલે ગ્રંથ નહીં થે, મૌખિક પરંપરા સે ચલતા આ રહા થા. બાદ મેં ગ્રંથ ઇધર-ઉધર હો ગયે ઔર કુછ સ્વાર્થી લોગોં ને ગ્રંથ મેં કુછ-કુછ ઘુસાયા જો ગલત હૈ. ઉન ગ્રંથો, પરંપરાઓ કે જ્ઞાન કી ફિર એક બાર સમીક્ષા જરૂરી હૈ...
વાચક મિત્રો, ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે કેટલાક વર્ગના હિન્દુઓ ધર્મપરિવર્તન કરીને અન્ય ધર્મમાં જઇ રહ્યા છે. પરંતુ આમાં વાંક કોનો છે? સૈકાઓ પૂર્વે સમાજમાં રોપાયેલું ઊંચનીચ, ભેદભાવનું બીજ આજેય સમાજમાં વાડાબંધી સર્જી રહ્યું છે. ભારત આજે ભલે અનેકવિધ ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું હોય, પરંતુ તેણે જો સર્વક્ષેત્રે - સમાજના તમામ વર્ગને વિકાસના પંથે દોરી જતી પ્રગતિ હાંસલ કરવી હશે તો આ દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવું પડશે. (ક્રમશઃ)


comments powered by Disqus