શ્રીહરિકોટઃ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને રવિવારે સવારે ચેન્નઇ પાસે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી એકસાથે 36 ઉપગ્રહો લઈ જતું રોકેટ લોન્ચ કર્યું હતું. વનવેબ ઈન્ડિયા-2 મિશન હેઠળ 36 રોકેટનું લોન્ચિંગ વ્હિકલ માર્ક-3 મારફત કરાયું હતું. આ સાથે ઈસરોએ ઈતિહાસ રચ્યો હતો. ‘ઈસરો’એ રવિવારે તેના સૌથી ભારે રોકેટ એલવીએમ-3 મારફત બ્રિટનના ઉપગ્રહોને સફળતાપૂર્વક નિશ્ચિત ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યા હતા.
ચેન્નઇ નજીક સતિષ ધવન અવકાશ કેન્દ્રના બીજા લોન્ચપેડ પરથી 43.5 મીટર લાંબું રોકેટ રવિવારે સવારે 9 વાગ્યે રવાના થયું હતું. ‘ઈસરો’ની વ્યવસાયિક શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું આ બીજું સમર્પિત મિશન છે.
બ્રિટનની કંપની વનવેબ માટે વ્યવસાયિક લોન્ચની સફળતાથી ‘ઈસરો’એ તેના ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્રયત્ન કરી રહેલી કંપનીઓ માટે સેવા પૂરી પાડનાર (વાયેબલ સર્વિસ પ્રોવાઈડર)ના રૂપમાં પોતાને સ્થાપિત કરી છે. બ્રિટનની વનવેબ સરકારો અને કંપનીઓને અવકાશમાં કોમ્યુનિકેશન નેટવર્ક પૂરું પાડતી વૈશ્વિક કંપની છે.
‘ઈસરો’નું રોકેટ રવાના થયા પછી તેણે ક્રમાનુસાર 36 ઉપગ્રહોને તેમની નિશ્ચિત મર્યાદામાં સ્થાપિત કર્યા હતા. જેમાં 16 ઉપગ્રહોનો પહેલો સેટ ઉડ્ડયનની 20 મિનિટમાં સ્થાપિત કરાયો હતો. સતત છઠ્ઠા સફળ લોન્ચિંગમાં એલવીએમ-3એ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં 5,805 કિલો પેલોડનું વહન કર્યું હતું. ‘ઈસરો’ના વડા સોમનાથનું કહેવું છે કે એલવીએમ-3 રોકેટનો ઉપયોગ માણસને અવકાશમાં પહોંચાડવાના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન માટે કરી શકાશે.

