આતંકવાદ મુદ્દે કોઈ બાંધછોડ નહીં

Wednesday 28th June 2023 06:41 EDT
 
 

વોશિંગ્ટનઃ આતંકવાદ માનવતાનો દુશ્મન છે અને આ દૂષણનો ખાત્મો કરવામાં કોઈ બાંધછોડ ન કરી શકાય તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ પાકિસ્તાન પર આડકતરો પ્રહાર કર્યો હતો. આતંકવાદને પોષનારા સામે આકરાં પગલાં લેવાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. અમેરિકી સંસદના સંયુક્ત સેશનને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 9/11 પછીના બે દાયકાથી વધુ સમય અને મુંબઈમાં 26/11 હુમલાના એક દાયકાથી વધુ સમય બાદ હજી પણ આતંકવાદ અને કટ્ટરવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો બની રહ્યો છે.
અમેરિકી કોંગ્રેસને કરેલા સંબોધનમાં મોદીએ ચીનનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુએન ચાર્ટરના સિદ્ધાંતોના સન્માન પર વૈશ્વિક નીતિ આધારિત છે. વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડિતા માટે સન્માન એ દરેક દેશ માટે જરૂરી બાબત છે. યુક્રેન યુદ્ધ અત્યંત દુઃખનું કારણ છે તેમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે, મેં જાહેરમાં અને સીધી રીતે કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી, પરંતુ વાતચીત અને રાજદ્વારીને લગતો છે.
વડાપ્રધાન મોદી અને અમેરિકા પ્રમુખ બાઇડેને અલકાયદા, આઇએસઆઇએસ, લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝ-ઉલ-મુજાહિદીન સહિત યુએનમાં લિસ્ટેડ આતંકી જૂથો સામે નક્કર પગલાં લેવા હાકલ કરી હતી. અગાઉ તેમણે જારી કરેલા સંયુક્ત નિવેદનમાં પણ આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો. બંને નેતાઓએ મુંબઈ અને પઠાણકોટના હુમલાખોરોને ન્યાયના કઠેડામાં લાવવાની હાકલ કરી હતી.
બંને નેતાઓએ આતંકી હેતુઓ માટે અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ (યુએવીએસ), ડ્રોન્સ અને માહિતી અને પ્રસારણ ટેક્નોલોજીસના વધતા ઉપયોગ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આવા દુરુપયોગને ટાળવા એકસાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. પોતાની પ્રથમ રાજકીય મુલાકાતે અમેરિકા પહોંચેલા મોદીએ કહ્યું હતું કે, ‘અમે શતાબ્દીની શરૂઆતમાં સંરક્ષણ સહકારક્ષેત્રે અજાણ્યા હતા. હવે અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં એક મહત્ત્વનો ભાગીદાર દેશ બની ગયો છે.’


comments powered by Disqus