મણિપુર અશાંત છે, રોજેરોજ હત્યાઓ થાય છે. ગામડાઓ પર હુમલાઓ, આગ અને લૂટફાટ. સૈન્ય બોલાવવું પડ્યું, સંચારબંદી લાગુ પાડવામાં આવી, ઇન્ટરનેટ બંધ કરાયું પણ હિંસા અટકવાનું નામ લેતી નથી. દિલ્હી અને મણિપુરમાં બેઠકો થઈ અને થશે. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી, મણિપુરમાં શાંતિ સમિતિ થઈ. પણ આ નાનકડા પ્રદેશમાં વર્તમાન ઉહાપોહ અને સંઘર્ષ ઉપરછલ્લો નથી લાગતો, તેના મૂળ ઘણા ઊંડા છે. અત્યારે ત્યાં ભાજપાની સરકાર છે એટ્લે વિરોધીઓને હથિયાર મળી ગયું, પણ અફીણના આતંક અને અલગાવવાદી છોડ તો ઘણા જૂના છે. 1983માં હું ઈશાન ભારતની સમસ્યાઓ સમજવા ગયો ત્યારે મણિપુરની મુલાકાત પણ લીધી હતી.એ બીજી વારની મુલાકાત હતી. આ પ્રદેશ તો આપણી શાસ્ત્રીય નૃત્ય પરંપરાની ભૂમિ છે. મણિપુરી નૃત્ય સમગ્ર ભારતનું બની ગયું છે. વૈષ્ણવ ભક્તિથી રંગાયેલી પ્રજા. પણ મઈતેયી વનવાસી પ્રજા. તેની ગરીબી પર ધ્યાન આપ્યું નહિ એટ્લે પી.એલ.એ (પીપલ્સ લિબરેશન આર્મી ) સ્થાપવામાં આવી. છેક લ્હાસામાં તાલીમ અપાઈ. તેનો નેતા બિશેશ્વર હતો, એકવાર પકડાયો અને ઇંફાલની જેલમાથી ભાગી જવામાં સફળ રહ્યો. 1978 માં અહી રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે ચાર જુથ સ્ક્રીય હતા. રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ,પીપલ્સ લિબરેશન આર્મી, પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલીપેક, અને ધ રેડ પાર્ટી- આ સંગઠનોને કોઈને કોઈની મદદ મળતી હતી, ચીની માઓ ટોળીની, ઈસાઈ જૂથની, બર્માના હટિંગીયા મુસ્લિમોની. સી.પી. એમ મૈતેયી જાતિને ભડકાવવાનું કામ કરતી હતી. તે બૂમરેંગ સાબિત થઈ. તે પક્ષની વિરુદ્ધમાં ગઈ. આજે ભાજપને તે સમુદાયનો ટેકો છે અને મુખ્યમંત્રી બીરેન સિંહ પણ તે જનજાતિમાથી આવ્યા છે. પી.એલ.એ.ની આખી પદ્ધતિ માઓવાદી છે. એ વર્ષોમાં તેની એક પત્રિકા “ડોન” નામે પ્રકાશિત થતી હતી. હવે આંતરિક ફાટફૂટથી બંધ થઈ છે. તેમાં લખવામાં આવતું કે ચાલો, આપણે દિલ્હીથી (અર્થાત દેશથી) મુક્ત થઈએ. તેને માટે નાગ અને કુકી બંનેને એકઠા કરીએ. ત્રિપુરામાં સામ્યવાદી સરકારે ભાગલાવાદી નીતિ અપનાવી એ તેમને ડૂબાડી દેવાનું નિમિત્ત બની.
હાલનો સંઘર્ષ દેખીતી રીતે તો કુકી અને મઇતેયી વચ્ચેનો છે પણ તેની પાછળ બીજા ઘણા પરિબળો છે. એક તો અફીણની ખેતી કરનારાઓ છે, બીજી ચાર ઉગ્રવાદી સંસ્થાઓ છે, જેના નામ છે: યુનાઈટેડ નેશનલ ફ્રન્ટ (યુએનએલએફ), પીપલ્સ લિબરેશન આર્મી ઓફ મણિપુર (પી.એલ. એલ.એ.એમ) કાંગલી યાઓલ કન્ના લુપ
(કે.વાય,.કે. એલ.) અને પીપલ્સ રિવોલુશનરી પાર્ટી ઓફ કાંગલીપેક (પી.આર.ઇ.પી. એ.એફ.) અત્યારે કુકી ગામડાઓ પર આ લોકો હુમલા કરે છે. ત્રીજી મેથી તેમની હિંસક પ્રવૃત્તિ શરૂ થઈ. 20 જૂને 51 એમએમ મોર્ટાર સહિતના શસ્ત્રો સેનાના જવાનોએ પકડી પાડ્યા હતા. કેટલાક ઉગ્રવાદીઓ અને શસ્ત્રો પણ પકડાયા છે. ઇંફાલ પૂર્વમાં આ તત્વોને પકડવા ગયા ત્યારે તેની સ્ત્રીઓએ ઉગ્રવાદીઓને બચાવી લીધા હતા.
વડાપ્રધાને પીડિત છાવણીમાં રાહત કાર્યના નિર્દેશ આપ્યા છે. પણ રોજેરોજ હિંસાના બનાવો તરાહ બદલે છે. ઈશાન ભારતમાં ભાજપનો પ્રવેશ અને સત્તાપ્રાપ્તિની સામે વિરોધ પક્ષો અને સરહદપારના પરિબળો છે. ઉપરાંત અહી મોટા પાયે અફીણની ખેતી થાય છે તેના સ્થાપિત હિતો પણ પોતાનો દબદબો રહે તેવું ઈચ્છે છે. અહીની મૂળ નિવાસી મઇતેયી છે. પણ પછી અહીના રાજાઓએ યુદ્ધ જીતવા માટે કુકી અને રોહિંગીયાને બોલાવ્યા. કુકી સ્થાયી થઈ ગયા. મઇતેયી પહાડ છોડીને મેદાની પ્ર્દેશમાં આવીને વસ્યા. પહાડો પીઆર અફીણની ખેતી શરૂ થઈ તેમાં રોહિંગીયા અને કુકીને ફાવી ગયું. 1981માં ઇન્દિરાજી વડા પ્રધાન હતા ત્યારે અહી હિંસામાં 10000 મૈતેયીને મારી નાખવામાં આવ્યા એટ્લે સેના મોકલવી પડી. શાંતિ કરાર થયા પણ તકલાદી નીવડ્યા. આતંકવાદીઓને આ અફીણના ઉત્પાદન સાથે જોડાયેલા મદદ કરે છે. 2008માં ફરીવાર હિંસા ભડકી ત્યારે કેન્દ્ર સરકારે એક સમજૂતી કરી અને અફીણની ખેતી કાનૂની થઈ. તાજેતર્મ અફીણની ખેતી પીઆર સરકારે પગલાં લીધા તે પણ આ ઉહાપોહ અને વિરોધનું એક મુખ્ય કારણ છે. મૈતેયી જનજાતિ એસ.ટી. વર્ગમાં હતી જ, પણ એ કોંગ્રેસ સરકારે તેની આ અનામત સગવડો બંધ કૃ અને કુકીને આપી. ધર્માંતરિત કુકીને પણ આ સગવડ મળી. મૈતેયી પ્રજાએ અદાલતના દરવાજા ખટખટાવ્યા. 2023માં ન્યાયાલયે તેમની માગણી મંજૂર કરી એટ્લે સરકારે તેને એસ.ટી. વર્ગમાં સામેલ કરી દીધા.
આમ મણિપુરની સમસ્યા જટીલ થઈ ગઈ છે. ઈશાન ભારતના અન્ય વિસ્તારોની જેમ અહી પણ વર્ષોથી ઈસાઈ મિશનરીઓએ જનજાતિઓને ધર્માંતરિત કરી તેના ઘાતક પરિણામ રાષ્ટ્રીયતા સામે આવ્યા છે.
અત્યારના મુખ્યમંત્રી જો પગલાં લેવામાં નબળા પુરવાર થયા હોય તો તેમને બદલી નાખવામાં આવે અને બીજા શક્તિશાળીને મૂકવામાં આવે. દેશ આખો મણિપુર અને તેની પ્રજાની શાંતિ અને વિકાસ ચાહે છે.

