રવિવાર ૧૮ જૂન ૨૦૨૩ના રોજ નવનાત ભવન, હેઝ ખાતે જૈન વિશ્વ ભારતી અને નવનાત વણિક એસોસિએશનના સહયોગથી સમણીજી આચાર્ય ડો. પ્રતિભા પ્રજ્ઞાજી અને સમણીજી પૂન્ય પ્રજ્ઞાજીના બે દાયકા લંડન નિવાસ દરમિયાન ભગવાન મહાવીરનો અહિંસા, શાંતિ અને અનુકંપા સંદેશાના પ્રચાર-પ્રસાર માટે આપેલ અનુદાન અને હવે યુ.એસ.માં કેલીફોર્નીયા પ્રયાણના માનમાં સંવેદના સભર વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સ્થાનિક જૈન સંસ્થાઓના અગ્રણીઓ સહિત સેંકડોની સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રથમ દોરનું સંચાલન પ્રિયંકા ગેમાવત, જ્ઞાનશાળાના બાળકોનું એમના શિક્ષિકાઓ રશ્મિ અને પ્રાચીબહેને કર્યું.
કાર્યક્રમનો શુભારંભ સમણીજીએ નવકાર મંત્રના ગાનથી કર્યો. વૈવિધ્ય સભર કાર્યક્રમમાં નાના-મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લઇ સમણીજી પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો.
જૈન વિશ્વ ભારતીના સ્તંભ સમા ટ્રસ્ટીશ્રી હસુભાઇ વોરાએ વક્તવ્યમાં જણાવ્યું કે, ‘ગુરુદેવ આચાર્ય મહા સમણીજીએ અત્રેના સમાજમાં પરિવર્તન લાવવામાં અનન્ય યોગદાન આપ્યું છે. સમણીજીએ લંડનની SOAS યુનિવર્સિટીમાંથી ‘‘પ્રેક્ષા મેડીટેશન:હિસ્ટ્રી એન્ડ મેથડ્સ’’માં પીએચ.ડી. કરી આધ્યાત્મિક અને એકેડેમીક વચ્ચેની ગેપ દૂર કરી છે. એમના સંશોધનના વિષયમાં મોડર્ન ડેવલપમેન્ટ ઓફ જેન યોગા અને મેડીટેશન હતાં. તેમણે રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તાર ટમકોર ગામમાં રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અન્વયે મહાપ્રજ્ઞા ઇન્ટરનેશનલ સ્કુલ શરૂ કરી છે. સમણીજી પૂન્ય પ્રજ્ઞાજીએ પ્રાકૃત અને લીટરેચરમાં માસ્ટર ડીગ્રી મેળવેલ છે. તેઓ સારા ગાયિકા અને કમ્પોસર છે. એમના સુમધુર કંઠમાં ત્રણ સ્પીરીચ્યુઅલ આલ્બમ્સનું સર્જન થયું છે. ‘મંત્ર:વન સોલ્યુશન’ પુસ્તકનું અંગ્રેજીમાં રૂપાંતર તેમણે કરેલ છે. તેમણે ભારતમાં, યુ.કે., યુ.એસ.એ., કેનેડા, આફ્રિકા અને સિંગાપુર વગેરે દેશોનો પ્રવાસ ખેડી પ્રેમ અને મૈત્રીનો સંદેશ પ્રસારિત કરેલ છે. તેઓના માર્ગદર્શન હેઠળ જૈન વિશ્વ ભારતીએ કેટલાક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવેલ છે જેમાં તાજેતરમાં લોર્ડ લેફટન્ટ ઓફ લંડન’સ ફેઇથ કોમ્યુનિટી એવોર્ડ પણ મળેલ છે. તેમણે અનેક ઇન્ટરફેઇથ ઇવેન્ટ્સમાં ભાગ લઇ જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરેલ છે અને વેટીકન સીટીની મુલાકાત પણ અનેક વાર લીધી છે.
વાદ કે સંપ્રદાયથી પર રહી જૈન ધર્મના સિદ્ધાંતો અને શાસ્ત્રોના જ્ઞાન અને માર્ગદર્શન દ્વારા સમણીજીઓએ યુવા પેઢીમાં સંસ્કાર સિંચનનો પડકાર ઝીલી સમાજની સુખાકારી માટે કરેલ સાધના ચિરકાલીન રહેશે. એમની નિ:સ્વાર્થ સેવા અને ત્યાગભાવ આવનારી પેઢીઓ માટે પ્રેરણાદાયી અને ચિરંજીવ રહેશે. ૨૧ જુલાઇના નવા સમણીજી ભારતથી આવી રહ્યાં છે જે આપનું કાર્ય આગળ ધપાવશે.”
જૈન વિશ્વ ભારતીના ટ્રસ્ટી શ્રી રાજેશભાઇ જૈન, નવનાત વણિક એસોસિએશનના પ્રમુખ શ્રી દિલીપભાઇ મીઠાણી, ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના શ્રી મેહુલભાઇ સંઘરાજકા, કાઉન્સિલર નવીનભાઇ શાહ, કાઉન્સિલર નિતીનભાઇ પારેખ, મહાવીર જૈન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીરજ સૂતરીયા, પ્રોફેસર અતુલ શાહ, ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહ વગેરે મહાનુભાવોએ એમના વક્તવ્યમાં સમણીજીના યોગદાનને બિરદાવ્યું. ત્યારબાદ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ મહિલા વીંગ સહિત જ્ઞાનશાળાના શિક્ષકોના નતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ સમણીજીના જીવનને સ્ટેજ પર રજુ કરી મનોરંજન સાથે સંદેશ આપ્યો કે, ‘કહો હમ જૈન હૈ, ન શ્વેતામ્બર, ન દીગમ્બર, કરમસે જૈન હૈ.’ સમણીજીઓએ કોવીદમાં માનવતાના કાર્યથી શાસન દીપાવ્યું છે. સમણીજી હવે યુનિવર્સિટી ઓફ ફ્લોરીડામાં એમના જ્ઞાનનો લાભ આપશે. એમની સફરની સફળતા માટે શુભેચ્છા પાઠવી. કાર્યક્રમના સમાપન બાદ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન રાજા’સ કેટરીગનું માણી સૌએ વિદાય લીધી.

