પાક.ના પેશાવરમાં 48 કલાકમાં બે શીખો પર હુમલા, એકનું મોત

Wednesday 28th June 2023 07:53 EDT
 
 

પેશાવરઃ પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. પેશાવરમાં એક શીખ નાગરિકની અજાણ્યા વ્યક્તિ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. માત્ર 48 કલાકમાં એક જ વિસ્તારમાં શીખ નાગરિક પર બે હુમલા થયા છે. શુક્રવારે પણ એક શીખ વ્યક્તિને પગમાં ગોળી મારવામાં આવી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
15 હજાર શીખોની વસતી ધરાવતા પેશાવર શહેરના યક્કાટુટ વિસ્તારમાં મનમોહનસિંહ નામના એક નાગરિકને ગોળી મારવામાં આવી હતી. મનમોહનસિંહ તેમના કામથી શહેરમાં જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમને અટકાવ્યા હતા અને ગોળીબાર કરી દીધો હતો. ઘાયલ અવસ્થામાં તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
પેશાવર શહેર પોલીસવડા અશફાક અનવરે કહ્યું હતું કે, આ હત્યાકાંડને લઈને કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે. જો કે આ મામલામાં મુખ્ય આરોપીની હજુ સુધી ધરપકડ થઈ શકી નથી. પ્રશાસને આ હત્યાકાંડ અને ટાર્ગેટ હુમલાઓને લઈને પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટને તપાસના આદેશ આપ્યા છે.


comments powered by Disqus