1. ફાઇટર જેટ એન્જિનઃ ઉત્પાદન પર સમજૂતી
ભારત અને અમેરિકા વચ્ચે ફાઇટર પ્લેન તેજસના એન્જિનને લઈને સમજૂતી થઈ છે. તેજસ માટે જીઈ એરોસ્પેસ એફ414 એન્જિન બનાવે છે, જે હવેથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે ભારતમાં બનાવશે.
2. એચ1બી વિઝાઃ ભારતીયો માટે સરળ પ્રક્રિયા
પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રા દરમિયાન અમેરિકાએ એચ1બી વિઝા રિન્યૂ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારી આરંભી છે. આનો ફાયદો અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને થશે, જેમણે રિન્યૂ કરાવવા માટે ભારત આવવું પડતું હતું.
3. ડ્રોનઃ પ્રિડેટર એમક્યુ-9બી ડીલને મંજૂરી
અમેરિકન ડ્રોન એમક્યુ-9બી ભારતની ત્રણેય સેનાને એક નવી તાકાત આપશે. જેને દરિયાઈ સુરક્ષા માટે અને પાકિસ્તાન, ચીન બોર્ડર પર તહેનાત કરવામાં આવશે. આ ડ્રોન હવામાંથી જમીન પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ હશે.
4. સેમિ કંડક્ટર મેન્યુફેક્ચરિંગ
પ્રધાનમંત્રી મોદીએ ભારતની સેમિ કંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા અમેરિકાને આમંત્રણ આપ્યું છે. જે બાદ અમેરિકન કંપની માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં 82.5 કરોડ ડોલરનું રોકાણ કરવા માટે તૈયારી દર્શાવાઈ છે. ગુજરાતમાં આ કંપની દેશની પ્રથમ ફેક્ટરી લગાવશે.
5. આઈએસએસ પર જશે ભારતીય અંતરીક્ષયાત્રી
વર્ષ 2024 સુધી અમેરિકાની મદદથી એક ભારતીય અંતરીક્ષયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર મોકલવામાં આવશે. ઇસરો અને નાસા 2024માં આઇએસએસ માટે એક સંયુક્ત મિશન અંગે સહમત થઈ છે. જેના માટે ભારતે આર્ટેમિસ સમજૂતી કરવાનો નિર્ણય કર્યો છે.
6. ભારતમાં બે કોન્સ્યુલેટ ખોલશે અમેરિકા
અમેરિકાએ ભારતમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવાનું એલાન કર્યું છે, જેને બેંગાલુરુ અને મુંબઈમાં ખોલવામાં આવશે. આ સાથે ભારતે પણ પિપલ ટુ પિપલ રિલેશનશિપને પ્રોત્સાહન આપવા અમેરિકાના સિએટલમાં એક મિશન ખોલવાનો નિર્ણય કર્યો છે.
ભારત-અમેરિકા વચ્ચે વેપારના 6 વિવાદ ઉકેલાશે
એક મહત્ત્વની હિલચાલમાં ભારત અને અમેરિકાએ પરસ્પર સંમતિથી ડબલ્યૂટીઓ ખાતે છ વેપાર વિવાદોનો ઉકેલ લાવવા સંમતિ આપી છે. ભારત બદામ, સફરજન અને અખરોટ જેવી કેટલીક અમેરિકી પેદાશો પર સામેથી મૂકવામાં આવેલી કસ્ટમ ડ્યૂટીને પાછી ખેંચી લેશે. પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની મુલાકાતમાં ડબલ્યૂટીઓના ડિસ્પ્યુટ સેટલમેન્ટ માળખાની બહાર આ છ વિવાદોના ઉકેલનો નિર્ણય લેવાયો છે. આ વિવાદો અંગે ભારત અને અમેરિકાએ એક દાયકાથી વધુ સમયથી ફાઇલ કરી છે. આ તમામ વિવાદો સ્ટીલ, એલ્યુમિનિયમ, રિન્યુએબલ એનર્જી, સોલર પ્રોડક્ટ્સ અને નિકાસને લગતી અનેક મહત્ત્વની ચીજોને લગતા છે.

