માછલી જેમ પાણી વગર જીવી શક્તી નથી તેવી જ રીતે સત્તા વિના નેતાઓનું જીવન દોહ્યલું બની જાય છે. રાજકીય જીવનમાં રહેલી કોઇપણ વ્યક્તિનો અંતિમ લક્ષ્યાંક સત્તા જ હોય છે. ભારતમાં છેલ્લા 9 વર્ષથી નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તાના સિંહાસન પર આરૂઢ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે ભારતના અન્ય તમામ નેતાઓ વામણા પૂરવાર થઇ રહ્યાં હતાં ત્યારે અચાનક કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થતાં જ જાણે કે વિરોધપક્ષોમાં નવો પ્રાણ ફૂંકાયો છે. 2024માં આવી રહેલી ભારતીય સંસદની લોકસભાની ચૂંટણીમાં મોદી અને ભાજપને પરાજિત કરીને દિલ્હીમાં સત્તા મેળવવાના સ્વપ્ન વિપક્ષો સેવવા લાગ્યાં છે. કોંગ્રેસને કર્ણાટકમાં મળેલી સફળતાને પગલે વિપક્ષ હવે એમ માનવા લાગ્યો છે કે નરેન્દ્ર મોદી અને ભાજપને પરાજિત કરી શકાય છે. તે માટે તાજેતરમાં જ પટણા ખાતે 15 જેટલા વિરોધપક્ષોના નેતાઓએ દિલ્હીની સત્તા હાંસલ કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરવા મનોમંથન કર્યું. ભારતમાં ગઠબંધન સરકારો નવી બાબત નથી. 1977માં પહેલીવાર ભારતમાં ગઠબંધન સરકાર રચાઇ પરંતુ ફક્ત ઇન્દિરા ગાંધીને પરાજિત કરવાના લક્ષ્ય સાથે એકજૂથ થયેલા વિપક્ષો સત્તા મળ્યા બાદ ભાગબટાઇમાં અંદરોઅંદર જ લડી મર્યા અને 1980માં ફરી એકવાર ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ ભારે બહુમતી સાથે દિલ્હીના સિંહાસન પર આરૂઢ થયાં હતાં. આ વખતે પણ વિપક્ષના શંભુમેળાનો એક જ એજન્ડા છે કે ગમે તે ભોગે નરેન્દ્ર મોદી અને ભાજપને પરાજિત કરવા. સત્તાનો એકમાત્ર એજન્ડા ગઠબંધન માટે ઘાતક પૂરવાર થાય છે તે ભૂતકાળની ગઠબંધન સરકારો પૂરવાર કરી ચૂકી છે. પટણામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા સમાન વિપક્ષી એકતામાં પહેલી તિરાડ જોવા મળી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને વધુ સત્તાઓ આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદ કરતો વટહુકમ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયો. આ વટહુકમને પરાસ્ત કરવાના મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ વિપક્ષોની બેઠક શરૂ થાય તે પહેલાં જ સપાટી પર આવી ગયો. બીજીતરફ પ્રાદેશિક નેતાઓનો શંભુમેળો છે જે પોતાના રાજ્યો પુરતા જ સીમિત છે. તે ઉપરાંત આ શંભુમેળાને ઊભો કરનારા બિહારના મુખ્યમંત્રી અને જનતાદળ (યુ)ના પ્રમુખ નીતિશ કુમાર છે. નીતિશ કુમાર એક એવા સત્તાપિપાસુ નેતા છે જે વખત આવ્યે સત્તાની પડખે ગુલાંટ મારી શકે છે. બિહારમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે છેલ્લા એક દાયકામાં નીતિશે 4 વાર પાલો બદલ્યો છે. આવા નીતિશ કુમારને પ્રસ્તાવિત ગઠબંધનના સંયોજક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આવા સત્તાભૂખ્યા નીતિશકુમાર આ ગઠબંધનને કેવું નેતૃત્વ આપશે તે તો રામ જાણે....! બીજીતરફ કોંગ્રેસ આ ગઠબંધનમાં જોડાવા રાજી થઇ છે પરંતુ રાજ્ય સ્તરે તેની તમામ વિપક્ષો સાથે રાજકીય દુશ્મની છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશની સપા, બંગાળમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસ, કેરળમાં ડાબેરીઓ સાથે કોંગ્રેસને ઊભા રહ્યે બનતું નથી. આ શંભુમેળો ભાજપના ઉમેદવારો સામે વન ટુ વન ફાઇટની હિમાયત કરી રહ્યો છે પરંતુ કોંગ્રેસને તે પોષાય તેમ નથી કારણ કે જો તેમ થાય તો ટિકિટ વહેંચણીમાં જ કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે. જે કોંગ્રેસને ક્યારેય સ્વીકાર્ય નહીં બને. બાકીના છૂટમૂટ પ્રાદેશિક નેતાઓ પોતાનું કદ વધારવા ધમપછાડા કરશે અને આ ધમપછાડા આ શંભુમેળાને એક થતાં પહેલાં જ વિખેરી નાખે તો નવાઇ નહીં.....
