મોસ્કોઃ રશિયા માટે મોટું હથિયાર બની ચૂકેલી રશિયન પ્રાઇવેટ આર્મી વેગનર દ્વારા બળવો પોકારવામાં આવ્યો છે. વેગનર આર્મીના વડા યેવગેની પ્રિગોઝિન દ્વારા પહેલાં ‘મોસ્કો જસ્ટિસ માર્ચ’ કાઢવામાં આવી હતી અને રોસ્તોવ શહેરને કબજે કરી લેવામાં આવ્યું હતું. બાદમાં પ્રિગોઝિનની વેગનર સેના દ્વારા વોરોનેઝમાં પરમાણુ હથિયારના ભંડાર પર કબજો જમાવી લીધો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યેવગેનીની ‘મોસ્કો જસ્ટિસ માર્ચ’ માત્ર ધ્યાન ભટકાવવા માટે હતી. તે ક્યારેય મોસ્કો જવા માગતા નહોતા, તે માત્ર વોરોનેઝમાં પરમાણુ ભંડાર સુધી પહોંચવા માગતા હતા. આ પછી રશિયા સેના બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી અને પુતિને વાતચીત માટે સહમત થવું પડ્યું. તે પછી બેલારુસના રાષ્ટ્રપતિ એલક્ઝાન્ડર લુકાશેન્કોએ પ્રિગોઝિનને સમાધાન માટે સમજાવ્યા હતા.
યેવગેની સામેના કેસની તપાસ શરૂ કરી
રશિયામાં સોમવારથી પુતિનની છબી પુનઃસ્થાપિત કરવાની ઝુંબેશ તેજ થઈ ગઈ. સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુ પ્રથમ વખત લશ્કરી બેઠકોમાં દેખાયા હતા, જ્યારે પ્રિગોઝિને સોદાના ભાગરૂપે તેમને દૂર કરવાની માગ કરી હતી. તે જ સમયે રશિયન એજન્સીઓએ પ્રિગોઝિન સામેના તમામ કેસની તપાસ કરવાનું શરૂ કર્યું. રશિયાના પીએમએ લોકોને પુતિન સાથે એક થવાની અપીલ કરી. પુતિને ઉદ્યોગપતિઓના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ બેઠક તુલા શહેરમાં થઈ હતી, જે તેના દારૂગોળાના ડેપો માટે જાણીતું છે, જેને વેગનર લડવૈયાઓએ શનિવારે કબજે કર્યું હતું.
વોરોનેઝમાં પ્રવેશ્યા પછી રશિયનોએ વેગનર સેના પર હવાઈ હુમલો કર્યો. જવાબમાં વેગનર સેનાએ વોરોનેઝ ન્યુક્લિયર ફેસિલિટીનું રક્ષણ કરતા હેલિકોપ્ટરને તોડી પાડ્યું. આ અંગે રશિયન સેના કંઈપણ કહેવાનું ટાળી રહી છે. ઉપરાંત વેગનર સેનાએ વોરોનેઝ ખાતે ઇંધણ ડેપોને ઉડાવી દીધો.
વિશ્વને 5,799 રશિયન પરમાણુ શસ્ત્રોની ચિંતા
રશિયા પાસે 2022 માં 5,799 પરમાણુ હથિયારો છે, જ્યારે અમેરિકા પાસે 5,428 પરમાણુ હથિયાર છે. યુરોપ અને એશિયામાં કામગીરીની દેખરેખ રાખનારા સીઆઇએના ભૂતપૂર્વ અધિકારી માર્ક પોલિમેરોપોલોસનું કહેવું છે કે વિશ્વભરની ઇન્ટેલિજન્સ એજન્સીઓ રશિયાનાં પરમાણુ હથિયારોના ભંડાર પર નજર રાખી રહી છે.

