વોશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન અંતિમ દિવસે વોશિંગ્ટન સ્થિત રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, ભારતની 100થી વધુ પ્રાચીન અને ઐતિહાસિક વસ્તુઓ ભારતને પરત આપવાનો અમેરિકાએ નિર્ણય લીધો છે. જે બદલ હું અમેરિકાની સરકારનો આભાર વ્યક્ત કરું છું. અગાઉ પણ મને અમેરિકાએ આ જ રીતે ભારતની પૌરાણિક વસ્તુઓ પરત કરી હતી. હું દુનિયામાં ક્યાંય પણ જઉં છું ત્યારે લોકોને લાગે છે કે આ જ વ્યક્તિ યોગ્ય છે. તેથી તેને આ વસ્તુઓ સોંપી દો. તે યોગ્ય જગ્યાએ તેને લઈને જશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ગૂગલના એઆઇ સેન્ટર 100થી વધુ ભાષાઓ પર કામ કરશે. જેનાથી એવાં બાળકોને ભણવામાં સરળતા રહેશે, જેમની માતૃભાષા અંગ્રેજી નથી. આ ટેક્નોલોજીના ઉપયોગથી સૌથી પૌરાણિક તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિના પ્રભાવને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આપણે ગૌરવ સાથે કહેવું જોઈએ કે દુનિયાની સૌથી જૂની ભાષાનું આપણી પાસે ગૌરવ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં રોકાણ અંગે વાત કરતાં કહ્યું કે, અમેરિકા આપણું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. આ પોટેન્શિયલને આગળ વધારવામાં ભારતીય સમુદાયોની પણ મહત્ત્વની ભૂમિકા છે. અમેરિકામાં વસતા ભારતીયોએ અમેરિકાના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે અને બહુ નામ કમાયા છે. હવે અમે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેથી અમેરિકામાં વસતા ભારતીયો પાસે અમારી અપેક્ષા વધી ગઈ છે. ભારતમાં વધુ ને વધુ રોકાણની તકો છે.
કુશળતા અને ટેક્નોલોજીનું મિલન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં જો બાઇડેન સાથે ટેક્નોલોજી હેન્ડશેક પ્રોગ્રામમાં પણ સામેલ થયા હતા. આ પ્રોગ્રામમાં ભારત અને અમેરિકાના ટોચના બિઝનેસ લીડર્સ પણ જોડાયા હતા. રિપોર્ટ અનુસાર 1200 ભારતીય અને અમેરિકી બિઝનેસ ટાયકૂન આ ઇવેન્ટનો હિસ્સો બન્યા હતા.
બાઇડેને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા અને સહયોગ દરેક માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતનો યુવા દુનિયાભરમાં પોતાની પ્રતિભાના આધારે ઓળખ બનાવી રહ્યો છે. કુશળતા અને ટેક્નોલોજીનું આ મિલન એક ઉજ્જવળ ભવિષ્ય માટે ગેરંટી લઈને આવ્યું છે.
કમલા હેરિસ સાથે લંચ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ દિવસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ત્યાં લંચ કર્યું હતું. લંચ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકાની વચ્ચે દોસ્તી વધુ મજબૂત હોવી જોઈએ. મારા આ ભવ્ય સ્વાગત બદલ કમલા હેરિસનો આભાર. મોદીએ અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન સાથે પણ મુલાકાત કરી હતી.

