વૈશ્વિક કૂટનીતિક મંચ પર સફળતાના શિખર સર કરતી ટીમ મોદી

Wednesday 28th June 2023 05:49 EDT
 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા ભવ્ય રહી છે તે વાતમાં કોઇ શંકા નથી. મોદીની અમેરિકા મુલાકાતની ફલશ્રુતિ સ્વરૂપે ભારતે જેટ એન્જિન ટેકનોલોજીથી માંડીને અંતરિક્ષ વિજ્ઞાનમાં સહયોગ, ભારતમાં અમેરિકી કંપનીઓ દ્વારા મસમોટા મૂડીરોકાણો સહિતના ઘણા લાભ પ્રાપ્ત કર્યાં છે. વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધને વધુ મજબૂત બનાવ્યાં છે. એમ લાગી રહ્યું છે કે અમેરિકા ભારત પર ઓળઘોળ થઇ ગયો છે. 1990ના દાયકાના અંત સુધી વૈશ્વિક કૂટનીતિના પરિપેક્ષ્યમાં ભારતને હંમેશા શંકાની નજરે જોનાર અમેરિકી શાસકો હવે ભારતને એક મજબૂત આર્થિક અને લશ્કરી તાકાત તરીકે સ્વીકારવા લાગ્યા છે. અમેરિકાનું આ હૃદય પરિવર્તન અચાનક થયું નથી. વિશ્વમાં સતત ભૂરાજકીય પરિવર્તનો થતાં રહ્યાં છે અને અમેરિકી કૂટનીતિ હંમેશા આ પરિવર્તનોને આધારિત રહી છે. ભૂતકાળ પર નજર નાખીએ તો 1990ના દાયકાથી જ અમેરિકાએ વિશ્વમાં સત્તા પર રહેલા સરમુખત્યારોનું નિકંદન કાઢવાનું શરૂ કરી દીધું હતું. ટ્યુનિશિયાથી પ્રારંભ કરીને ઇરાક અને લીબિયાના સરમુખત્યારોનો અમેરિકી કૂટનીતિએ ઘડો લાડવો કરી નાખ્યો હતો. તે પહેલાં અમેરિકી શાસકો જગત જમાદારી માટે જે તે દેશના સરમુખત્યારોને સાચવતા. આવો જ એક દેશ ભારતના પાડોશમાં પણ છે જેના સરમુખત્યારોને અમેરિકા ખભે બેસાડીને ફરતો હતો. પરંતુ આ સરમુખત્યારો અમેરિકા માટે એટલા પડકારજનક નહોતા જેટલા આજે ચીન અને રશિયાના સરમુખત્યાર પડકાર બનીને ઊભા થયાં છે. રશિયામાં પુતિન, ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉન અને ચીનમાં શિ જિનપિંગ છેલ્લા ઘણા સમયથી એકહથ્થુ શાસન ચલાવી રહ્યાં છે. આ સરમુખત્યાર શાસિત દેશોની આર્થિક અને લશ્કરી ધરી અમેરિકા માટે ખતરાની ઘંટડી વગાડી રહી હતી. જેના પગલે જગત જમાદારને પોતાની કૂટનીતિમાં ધરમૂળથી બદલાવ કરવાની ફરજ પડી છે. અમેરિકા હવે સરમુખત્યાર શાસિત દેશોની સામે લોકતાંત્રિક દેશોની ધરી રચી રહ્યો છે. ચીન આજે એક પ્રચંડ આર્થિક અને લશ્કરી તાકાત બની ચૂક્યો છે ત્યારે તેને નિયંત્રણમાં રાખવા અમેરિકાએ એશિયામાં ભારત, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા જેવા લોકતાંત્રિક દેશોની ધરી રચી છે જેમાં ભારત અમેરિકા માટે સૌથી સબળો સાથી દેશ પૂરવાર થઇ શકે છે એ વાત અમેરિકી શાસકો સારી પેઠે સમજી ચૂક્યાં છે. અમેરિકી લાલો લાભ વગર ક્યાંય લોટે એમ નથી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકા સામે ઝૂકવાના બદલે પોતાની શરતોએ સમાન ભાગીદાર મિત્ર દેશ બનવાનું પસંદ કર્યું છે. ભારત સરકારના આ મક્કમ વલણને કારણે જ અમેરિકા ભારતને અછોવાના કરી રહ્યો છે. અમેરિકા સાથેના સંબંધો નવા આયામ પર પહોંચતા ભારતને પણ ઘણો લાભ થવાનો છે. અત્યાર સુધી ભારતને લશ્કરી ટેકનોલોજી આપવામાં ઠાગાઠૈયા કરતા અમેરિકાએ ટેકનોલોજી ટ્રાન્સફરના દ્વાર ખુલ્લા મૂકી દીધાં છે. આગામી યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે ત્યારે અમેરિકા ભારત સાથે આ સેક્ટરમાં પણ આગામી સમયમાં મોટી ભાગીદારીઓ કરે તો નવાઇ નહીં. અમેરિકી ટેકનોલોજી અને આઇટી કંપનીઓ પણ ભારતમાં મન મૂકીને મૂડીરોકાણ કરી રહી છે જેના પગલે ભારતને લાભ જ થવાનો છે. વૈશ્વિક ભૌગોલિક અને રાજકીય પરિપેક્ષ્યમાં કૂટનીતિક સંતુલન સાધીને વડાપ્રધાન મોદી એક પછી એક સફળતાના શિખરો સર કરી રહ્યા છે. આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે રશિયા, યુરોપિયન દેશોથી માંડીને સુદૂર પૂર્વમાં આવેલા દેશો વિશ્વફલક પર ભારતના કૂટનીતિક મહત્વને સમજી રહ્યાં છે. પીએમ મોદી, વિદેશમંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની બનેલી ટીમ મોદીએ વૈશ્વિક કૂટનીતિના સંદર્ભમાં લીધેલા સાહસિક અને ડહાપણભર્યા નિર્ણયોના કારણે આ શક્ય બની રહ્યું છે....


comments powered by Disqus