‘ભારત ટૂંક સમયમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઊભરશે’

Wednesday 28th June 2023 06:40 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની ઐતિહાસિક યાત્રાના ભાગરૂપે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. અમેરિકન સંસદમાં પ્રધાનમંત્રી મોદીના 58 મિનિટના ભાષણમાં 79 વખત તાળીઓ વાગી હતી અને 14 વખત સાંસદોએ સ્ટેન્ડિંગ ઓવેશન કરીને તેમનું સન્માન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, ભારત અને અમેરિકા માર્ટિન લ્યૂથર કિંગ અને ગાંધીજીથી પ્રભાવિત છે. ભારત લોકશાહીની માતા છે. ભારતમાં 2500 પાર્ટી છે, 22 સત્તાવાર ભાષા છે, હજારોની સંખ્યામાં બોલી છે. ભારતમાં ટૂંકા અંતરે જ ખાણીપીણી અને ભાષા બદલાઈ જાય છે. મોદીએ કહ્યું હતું કે, વિવિધતા ભારતમાં જીવન જીવવા માટેની એક કુદરતી રીત છે. ભારતના લોકોમાં અંદર મતભેદ હોઈ શકે છે, પરંતુ દેશના રાજકીય પક્ષોએ દેશનાં હિતોને ધ્યાનમાં લઈને એક સૂરમાં વાત કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી નવ વર્ષ પહેલાં ભારત અર્થવ્યવસ્થાના મામલે વિશ્વભરમાં 10મા ક્રમે રહ્યા બાદ હવે ભારત પાંચમા સ્થાને છે. ભારત ટૂંક સમયમાં જ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઊભરી આવશે.
વિશ્વની 100 પૈકી 46 ડિજિટલ ચુકવણી ભારતમાં
પીએમે કહ્યું હતું કે, દેશમાં ટેક્નોલોજી ક્રાંતિનું નેતૃત્વ યુવા કરી રહ્યા છે. યુવા પેઢી જ દેશને ટેક્નોલોજીના ક્ષેત્રમાં હબ બનાવે છે. જો તમે ભારતની યાત્રા કરશો તો જોશો કે દરેક વ્યક્તિ ચુકવણી માટે ફોનનો ઉપયોગ કરી રહી છે. ગયા વર્ષે દુનિયામાં દરેક 100 રિયલ ટાઇમ ડિજિટલ ચુકવણી પૈકી 46 ભારતમાં થઈ છે.
રોજગારીની નવી તકો સર્જાશે
પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિમાનનો એક ઓર્ડર અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખથી વધુ રોજગાર પેદા કરે છે. બીજીબાજુ કોઈ અમેરિકન ફોન ઉત્પાદક ભારતમાં રોકાણ કરે છે તો તે બંને દેશોમાં રોજગાર અને તકોનું નવું તંત્ર બનાવે છે. મને એ જોઈને આનંદ થાય છે કે આપણે બે મહાન લોકતંત્રો ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે સંબંધોની ઊજવણી માટે એક સાથે આવ્યા છીએ.
રાષ્ટ્રો ભયમુક્ત બને તેવી કલ્પના
તેમણે ઉમેર્યું કે, અમે એવા વિશ્વની કલ્પના કરીએ છીએ જ્યાં નાના-મોટા બધા જ રાષ્ટ્રો તેમની પસંદગીમાં મુક્ત અને ભયરહિત હોય, જ્યાં વિકાસ દેવાના અસંભવિત બોજ હેઠળ દબાયેલો ના હોય, જ્યાં કનેક્ટિવિટીનો લાભ વ્યૂહાત્મક હેતુઓ માટે માત્ર ચોક્કસ લોકોને ના મળે, જ્યાં સંયુક્ત સમૃદ્ધિ દ્વારા બધા જ રાષ્ટ્રોનો વિકાસ થાય. અમારું વિઝન શાંતિ -સમૃદ્ધિ માટે સહકારી ક્ષેત્રનું નિર્માણ કરવા પર આધારિત છે.


comments powered by Disqus