અફઘાનિસ્તાનમાં 80 વિદ્યાર્થિનીઓને ઝેર અપાયું

Wednesday 07th June 2023 08:18 EDT
 
 

કાબુલઃ ઉત્તર અફઘાનિસ્તાનમાં સર-એ-પુલ પ્રદેશમાં બે અલગ-અલગ મામલામાં પ્રાથમિક શાળાની 80 વિદ્યાર્થિનીને ઝેર આપવામાં આવ્યું હતું. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વિસ્તારના શિક્ષણ અધિકારીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. ઓગસ્ટ 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ આ પ્રકારની પહેલી ઘટના છે.
તાલિબાને પહેલાંથી જ અફઘાનિસ્તાનમાં છોકરીઓને ધો.6થીથી આગળ ભણવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના સર-એ-પુલ પ્રદેશમાં આવેલી આ બંને શાળા ખૂબ નજીક છે, જેને એક બાદ એક નિશાન બનાવવામાં આવી છે.
ષડયંત્ર હેઠળ છોકરીઓને ઝેર અપાયું
સર-એ-પુલના શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં કોઈનું કાવતરું લાગી રહ્યું છે. છોકરીઓને કેવી રીતે ઝેર આપવામાં આવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. 2015માં અફઘાનિસ્તાનમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યારબાદ હેરાત પ્રાંતમાં અલગ અલગ શાળાની 600 વિદ્યાર્થિનીને ઝેર અપાયું હતું. ત્યારે પણ કોઈ સંસ્થાએ તેની જવાબદારી લીધી ન હતી. જો કે તે સમયે ઘણાં માનવાધિકાર સંગઠનોએ આ ઘટના માટે તાલિબાનને જવાબદાર ઠેરવ્યું હતું.
તાલિબાન ઇચ્છે છે કે વિશ્વ તેને માન્યતા આપે
આ ઘટના ત્યારે બની છે જ્યારે 4 દિવસ પહેલાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દુનિયાના તમામ દેશોને તેને માન્યતા આપવાનું કહ્યું છે. કતારના વડાપ્રધાન મોહંમદ બિન થાની આ સંબંધમાં વાતચીત માટે 12 મેએ અફઘાનિસ્તાનના કંધાર ગયા હતા. થાનીએ કંધારમાં અફઘાન તાલિબાનના સર્વોચ્ચ નેતા હેબતુલ્લા અખુન્દઝાદા સાથે ગુપ્ત બેઠક કરી હતી. એક રિપોર્ટ અનુસાર થાનીએ અખુન્દઝાદાને સ્પષ્ટ કહ્યું કે, જો તે ઇચ્છે છે કે દુનિયા તાલિબાન શાસન અને અફઘાન સરકારને માન્યતા આપે તો તેણે મહિલાઓને તેમના અધિકારો આપવા પડશે.


comments powered by Disqus