આદિકાળથી માનવી યેનકેન પ્રકારે નશો કરતો આવ્યો છે. ધુમ્રપાન અને મદિરાપાન નશાની પૌરાણિક પદ્ધતિઓ રહી છે પરંતુ આધુનિક જમાનામાં ટેકનોલોજીના વિકાસ સાથે નશાની આ આદતોએ નવા સ્વરૂપો પણ ધારણ કર્યાં છે. હૂકા, ચીલમ, બીડી અને સિગારેટનું સ્થાન હવે ઇ-સિગારેટ અથવા તો વેપ્સ લઇ ચૂક્યાં છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે ઇ-સિગારેટ અથવા તો વેપ્સ છેલ્લા એક દાયકામાં સગીરોમાં વ્યાપક દુષણ બની ચૂક્યાં છે. 2003માં ઇ-સિગારેટનો આવિષ્કાર થયો ત્યારે એવો દાવો કરાયો હતો કે તે સિગારેટ સ્મોકિંગ કરતાં 95 ટકા તંદુરસ્ત છે. જોકે તાજેતરમાં કરાયેલા અભ્યાસોમાં આ દાવાને પડકાર અપાયો છે. 2021માં વેપ્સ અને સિગારેટ પીનારા લોકો પર કરાયેલા એક અભ્યાસ અનુસાર વેપિંગ પણ શ્વસનતંત્ર પર સિગારેટ જેટલી જ નુકસાનકારક અસરો કરે છે. તે ઉપરાંત વેપ્સના રવાડે ચઢેલા યુવાનો સમયાંતરે સિગારેટના રવાડે ચડે છે જે એક ધુમ્રપાન આધારિત પેઢીનું નિર્માણ કરે છે. એવી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે કે ઇ-સિગારેટનો ઉપયોગ કરવાથી પરંપરાગત ધુમ્રપાનમાંથી મુક્તિ મળી શકે છે. વેપિંગના કારણે ફેફસાં પર સીધી અસર થતી હોવાના ઘણા તારણો વિવિધ અભ્યાસોમાં સામે આવ્યાં છે. વેપિંગમાં ફ્લેવર માટે ઉમેરાતાં રસાયણો ફેફસાંની કોશિકાઓ પર ભયાવહ અસર કરે છે. તેના કારણે ફેફસાંની કામગીરી પણ અસરગ્રસ્ત થાય છે. તાજેતરમાં જ યુકે સરકારે બાળકોને વિના મૂલ્યે અપાતા વેપ સેમ્પલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં ગેરકાયદેસર વેપ્સનું પણ ધડલ્લે વેચાણ થઇ રહ્યું છે ત્યારે તાજેતરમાં કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી જપ્ત કરાયેલા આ પ્રકારના ગેરકાયદેસર વેપ્સમાં સીસા, નિકલ અને ક્રોમિયમ જેવા હાનિકારક રસાયણો વધુ માત્રામાં મળી આવ્યાં હતાં. યુકેના વડાપ્રધાન રિશી સુનાક અને તેમની સરકાર બાળકોમાં વેપ્સના દુષણ અંગે ઘણી ચિંતિત છે તે આવકાર્ય બાબત છે. સરકાર આ દિશામાં પગલાં પણ લઇ રહી છે. બાળકોમાંથી આ દુષણને નાબૂદ કરવા માટે આકરા નિયમોની સાથે તેના આકરા અમલની પણ આવશ્યકતા છે. તેના દ્વારા આગામી પેઢીને એક નશાનો ગુલામ બનતી અટકાવી શકાશે.
