કાઠમંડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં જ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવા સંસદ ભવનની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે, ત્યારે સંસદ ભવનમાં ‘અખંડ ભારત’ના ભીંતચિત્રથી નેપાળમાં વિવાદ શરૂ થઈ ગયો છે. આ અખંડ ભારતમાં નેપાળને પણ ભારતનો ભાગ દર્શાવાતાં ત્યાંના રાજકીય પક્ષોએ વિરોધ શરૂ કર્યો છે.
ભારતના નવા સંસદ ભવનમાં પ્રાચીન ભારતનું એક વિશાળ ભીંતચિત્ર રચવામાં આવ્યું છે, જેમાં પેશાવરથી શરૂ કરીને તક્ષશિલા, પટણા વગેરે નગરોનાં પ્રાચીન નામ દર્શાવવામાં આવ્યાં છે. જેમ કે પેશાવરનો પુરુષપુર, ટેશીલાનો તક્ષશિલા તરીકે ઉલ્લેખ કરાયો છે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન પણ ગભરાયું છે. જો કે ભારતના ‘અખંડ ભારત’ના આ નકશા સામે નેપાળે વિરોધ નોંધાવ્યો છે, કારણ કે તેમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુંબિનીને પણ ‘અખંડ ભારત’ના ભાગ તરીકે દર્શાવાયું છે. નેપાળના રાજકીય પક્ષોનું કહેવું છે કે સંસદ ભવનમાં લાગેલું ભીંતચિત્ર ગૌતમ બુદ્ધના જન્મસ્થળને દર્શાવવાથી એવું લાગે છે કે ભારત આ ક્ષેત્ર પર પોતાનો દાવો કરી રહ્યું છે. નેપાળ તેના માનચિત્રમાં લુંબિનીને મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્રોમાંથી એક માને છે. નેપાળના પૂર્વ વડાપ્રધાન બાબુરામ ભટ્ટારાયે કહ્યું કે, ભારતના આ પ્રયાસથી બંને દેશ વચ્ચે વિશ્વાસ ઘટી શકે છે.
બીજી બાજુ શાહબાઝ શરીફ સ૨કારે અખંડ ભારતના નકશા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, જે રીતે ભારતમાં ‘અખંડ ભારત’ની ચર્ચા થઈ રહી છે તે ચિંતાજનક છે. કથિત રીતે પ્રાચીન ભારતનો નકશો દર્શાવવો અને તે અંગે ભારતના મંત્રીઓએ કરેલાં નિવેદનો ભારતના ઈરાદા દર્શાવે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહરાબલોએ ત્યાં સુધી કહી દીધું કે, ‘અખંડ ભારતનો નકશો ઇતિહાસ બદલવા માટેના અને ભારતની વિસ્તારવાદી વિચારધારાના પ્રતીકસમાન છે.’

