રાજ્યોના લેબલ ફગાવી ભારતીય બનીએ તો યે ઘણું.....

Wednesday 07th June 2023 06:05 EDT
 

ભારતના ઓડિશા રાજ્યના બાલાસોર ખાતે 21મી સદીની સૌથી ભયાનક રેલવે હોનારત સર્જાઇ. ટ્રેન દુર્ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યોએ દેશ વિદેશમાં વસવાટ કરતાં તમામ ભારતીયોને હચમચાવી દીધાં હતાં પરંતુ હંમેશની આદત પ્રમાણે રાજકીય પક્ષોએ મૃતકોની ચિતાને અગ્નિ પણ અપાયો નહોતો તે પહેલાં જ રોટલા શેકવાની શરૂઆત કરી દીધી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, અમારા બંગાળી લોકો આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયાં છે. અમે પાંચથી 6 સભ્યોની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે મોકલી રહ્યાં છીએ. ડીએમકે શાસિત તામિલનાડુએ યુવા કલ્યાણ અને રમત મંત્રી યુ. સ્ટાલિનને ઘટનાસ્થળે દોડાવ્યા હતા. તેમણે બાલાસોરની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, અમે તમામ હોસ્પિટલોની તપાસ કરી છે અને તામિલનાડુના ફક્ત બે ઇજાગ્રસ્ત પ્રવાસી મળી આવ્યા છે. તેઓ સલામત છે. અન્ય 6 પ્રવાસીનો પત્તો મળ્યો નથી પરંતુ તેમના સહપ્રવાસીઓએ જણાવ્યું છે કે તેઓ સલામત છે. આ બંને નેતાઓના નિવેદનો પરથી એમ લાગી રહ્યું છે કે તેમને ભારતીયોની નહીં પરંતુ બંગાળી અને તામિલ પ્રવાસીઓની ચિંતા હતી. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા તમામ પ્રવાસી ભારતીય હતા પરંતુ તેમના માટે પોતાના રાજ્યના પ્રવાસીઓ જ મહત્વના હતા. આપણા ભારતીયોની માનસિકતામાં ખાટલે જ મોટી ખોડ છે. આપણે વિદેશમાં હોઇએ છીએ ત્યારે દેશબંધુઓને ભારતીય ગણીએ છીએ પરંતુ જેવા ભારતમાં પહોંચીએ છીએ કે હું ગુજરાતી, પેલો બંગાળી, ફલાણો તામિલ, ઢેકણો પંજાબી. ભારતમાં પ્રદેશવાદ ઘણું મોટું દુષણ છે. જેમ યુકેમાં અશ્વેત અને એશિયન વંશીય ભેદભાવનો સામનો કરે છે તેવી જ રીતે ભારતમાં એક રાજ્યનો વતની બીજા રાજ્યમાં ભારતીય નહીં પરંતુ તેના રાજ્યના આધારે જ ઓળખાય છે અને પ્રદેશવાદની માનસિકતાના ભેદભાવનો શિકાર પણ બને છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા મરાઠા અસ્મિતાના નામે ઉત્તર ભારતીયો સાથે થતા ભેદભાવથી આપણે સુપેરે પરિચિત છીએ. ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોના વતનીઓને તેમના શારીરિક દેખાવના કારણે ભારતના અન્ય રાજ્યોમાં ચીની તરીકે જ ઓળખવામાં આવે છે. તેમની સાથે થતો ભેદભાવ પણ જગજાહેર છે. રાજકારણીઓ દ્વારા આ ભેદભાવની આગમાં રાજકીય રોટલા શેકાતાં રહે છે. આવી સ્થિતિમાં આપણે સૌથી પહેલાં તો હું ગુજરાતી, હું મરાઠી, હું બિહારી, હું બંગાળી, હું તમિલ જેવો હુંકાર ત્યજીને સૌથી પહેલાં તો ભારતીય ઓળખ અપનાવવાની તાતી જરૂર છે.


comments powered by Disqus