કેલિફોર્નિયાઃ રાહુલ ગાંધીએ અમેરિકાના કેલિફોર્નિયાની મુલાકાત લીધી. આ દરમિયાન ત્યાંથી પણ રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. 31 મેએ રાહુલ ગાંધીએ સિલિકોન વેલીમાં સ્ટાર્ટઅપ સાહસિકો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન રાહુલે ફરી એકવાર પેગાસસનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, તેમને ખબર છે કે તેમનો ફોન ટેપ થઈ રહ્યો છે.
રાહુલે સેનિવેલ સ્થિત પ્લગ એન્ડ પ્લે ટેક સેન્ટર ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સાહસિકો સાથે ચર્ચા કરી હતી. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડા અને ભારતમાંથી રાહુલની સાથે આવેલા તેમના સહયોગીઓ પણ તેમની સાથે હાજર હતા. આ દરમિયાન રાહુલે કહ્યું, ડેટા એક પ્રકારનું સોનું છે અને ભારત જેવા દેશોએ તેની ક્ષમતા ઓળખી છે.
ફોન ટેપિંગને લઈ આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ડેટા પ્રોટેક્શન પર યોગ્ય નિયમોની જરૂરિયાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમય હતો જ્યારે તેમને ખબર હતી કે, ફોન ટેપ થઈ રહ્યો છે. આ પછી રાહુલે તેના આઇફોન પર મજાકમાં કહ્યું હતું, ‘હેલો... મિસ્ટર મોદી.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે મારો આઇફોન ટેપ કરવામાં આવ્યો હતો. તમારે એક રાષ્ટ્ર તરીકે અને એક વ્યક્તિ તરીકે પણ ડેટા માહિતીની ગોપનીયતા અંગેના નિયમો બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું જો કોઈ દેશ નક્કી કરે છે કે તે તમારા ફોનને ટેપ કરવા માગે છે, તો તેને કોઈ રોકી શકાશે નહીં. જો દેશને ફોન ટેપિંગમાં રસ છે, તો તે લડવા યોગ્ય નથી. મને લાગે છે કે હું જે પણ કામ કરું છું, બધું સરકારની સામે છે.

