હોરાઇઝન સ્કેમમાં એશિયનોની પારાવાર હેરાનગતિ કરાઈ

Wednesday 07th June 2023 06:06 EDT
 

પોસ્ટ ઓફિસના કથિત હોરાઇઝન સ્કેમમાં સિસ્ટમની ખામી સ્વીકારવાને બદલે તપાસકર્તાઓએ કથિત આરોપીઓને હેરાન પરેશાન કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. 1999થી 2015 સુધી ચાલેલી આ તપાસમાં 3000 કરતાં વધુ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ મિસ્ટ્રેસને પોતાની નોકરી ગુમાવવી પડી હતી. સિસ્ટમની આ ખામીના કારણે સૌથી વધુ પરેશાન એશિયન અને વિશેષ ભારતીય સમુદાયને કરાયો હતો. તાજેતરમાં જ બહાર આવેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપી પોસ્ટ માસ્ટરોનું તેમના વંશીય સમુદાયના આધારે વર્ગીકરણ કરાયું હતું. જેમાં અશ્વેત, ભારતીય, પાકિસ્તાની, ફિલિપિનો, જાપાની, ચીની એ રીતે આરોપીઓને વર્ગીકૃત કરાયાં હતાં. તાજેતરમાં જ એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે પોસ્ટ માસ્ટરો માટે શરૂ કરાયેલી હેલ્પલાઇનમાં પણ વંશીય ભેદભાવ ચરમસીમા પર જોવા મળતો હતો. પબ્લિક ઇન્કવાયરીને જણાવવામાં આવ્યું હતું કે જો કોઇ એશિયન પોસ્ટ માસ્ટર હેલ્પલાઇન પર ફોન કરે તો તેમને પટેલ સ્કેમિંગનું લેબલ લગાવી દેવામાં આવતું હતું. હેલ્પલાઇન માટેના કોલ સેન્ટરમાં વંશીય નફરત ઠાંસી ઠાંસીને ભરેલી હતી. કોલ સેન્ટરનો સ્ટાફ કોઇપણ એશિયન પોસ્ટ માસ્ટર પર ભરોસો કરવા તૈયાર નહોતો અને તેમને ફ્રોડ કરનારા તરીકે જ જોતો હતો. કોલ સેન્ટરના સ્ટાફની આ પ્રકારની વર્તણુંક સામે તેમના બોસ આંખ આડા કાન કરતાં હતાં. તેમાં પણ આ સ્ટાફ દરેક એશિયનને પટેલ તરીકે જ ઓળખાવતો હતો. આતો પોસ્ટ માસ્ટરોની વેદનાયાત્રાનો એક હિસ્સો થયો. હોરાઇઝનની સિસ્ટમમાં ખામી હોવાનું પૂરવાર થયા પછી પોસ્ટ માસ્ટરોને વળતરમાં પણ ધાંધિયા કરાયા હતા. ઘણા એવા પીડિત પોસ્ટ માસ્ટર હતાં જેઓ વળતર મેળવ્યા વિના જ ફ્રોડસ્ટરના લેબલ સાથે આ દુનિયામાંથી વિદાય થઇ ગયાં હતાં. હજુ પણ જેઓ હયાત છે તેમની યાતનાઓનો અંત દેખાતો નથી. આટલા વર્ષો તેમણે કેવી યાતનાઓમાં પસાર કર્યાં તેની પરતો હવે ધીમે ધીમે ખુલી રહી છે.


comments powered by Disqus