100 દિવસના શાસનમાં યુકેના અર્થતંત્રને સ્થિરતા બક્ષવાનો શ્રેય સુનાકને મળવો જોઇએ

Wednesday 08th February 2023 05:16 EST
 

મસમોટા આર્થિક પડકારો, કર્મચારીઓની હડતાળો મધ્યે વડાપ્રધાન રિશી સુનાકના શાસનના પ્રથમ 100 દિવસ પૂરાં થયાં છે. આ સમયગાળામાં યુકેના અર્થતંત્રને સ્થિરતા બક્ષવાનો શ્રેય રિશી સુનાકને જરૂર મળવો જોઇએ. હવે તેમણે પૂરવાર કરવું પડશે કે તેઓ ક્રાઇસિસ મેનેજમેન્ટ કરતાં પણ વિશેષ દેશને આપી શકે છે. રિશી સુનાક સત્તા પર આવ્યા ત્યારે બ્રિટિશ અર્થતંત્ર ગર્તામાં ધકેલાઇ ગયું હતું, રોકાણકારોનો બ્રિટિશ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. તેવા સમયે વડાપ્રધાન તરીકેના પોતાના પ્રથમ સંબોધનમાં સુનાકે જણાવ્યું હતું કે, હું મારા પૂરોગામી લિઝ ટ્રસે કરેલી ભૂલો સુધારીશ. આ એક મહાકાય પડકાર હતો પરંતુ રિશી સુનાક આ અગ્નિપરીક્ષામાંથી હેમખેમ બહાર આવ્યા છે. દેશને આટલી ઝડપથી આર્થિક અંધાધૂંધીમાંથી બહાર લાવવો એ કોઇ બચ્ચાના ખેલ નથી. આ 100 દિવસ ક્રાઇસિસ મેનેજમેન્ટમાં જ વીતી ગયાં પરંતુ સુનાક હાડમારીઓને પાર કરવામાં સફળ રહ્યાં છે. રિશી સુનાક તેમના તમામ નિર્ણયો વાસ્તવિકતાના આધારે લઇ રહ્યાં છે. ટોરી સાંસદો દ્વારા આકરા આર્થિક નિર્ણયોનો આ સમયગાળામાં વારંવાર વિરોધ થયો છે પરંતુ સુનાકે મક્કમતાથી તેમનો સામનો કરી અર્થતંત્રની મુશ્કેલીઓનો ઉકેલ શોધવામાં સફળતા હાંસલ કરી છે. વડાપ્રધાન તરીકેના શરૂઆતના દિવસોમાં તેમની સામે ફુગાવાનો દર અને ઔદ્યોગિક અંધાધૂંધી બે મોટા પડકાર હતા. તેમણે પોતાની તમામ શક્તિ આ પડકારો સામે લડવામાં લગાવવી પડી. આજે તેઓ ફુગાવાના દરને નિયંત્રિત રાખવામાં સફળ રહ્યાં છે. જોકે હજુ મુશ્કેલ સમયનો અંત આવ્યો નથી. વડાપ્રધાન સુનાક આ વાત સારી રીતે સમજે છે. આગામી 100 દિવસમાં તેમણે પૂરવાર કરવું પડશે કે તેમની સરકાર ફક્ત ક્રાઇસિસ મેનેજમેન્ટ કરવા માગતી નથી પરંતુ રાષ્ટ્ર હિતમાં ઊંચી મહત્વાકાંક્ષાઓ પણ ધરાવે છે. આગામી 100 દિવસમાં વડાપ્રધાને દેશ સામે રહેલા પડકારોનો સામનો કરવાની પોતાની ઇચ્છાશક્તિને વધુ બુલંદ બનાવવી પડશે અને અગ્રીમ મોરચે લડત આપવી પડશે. આર્થિક વાવાઝોડું પસાર થઇ ગયું છે પરંતુ હવે રિશી સુનાકે દેશના અર્થતંત્રને વધુ વેગ આપવા કમર કસી લેવી પડશે. વડાપ્રધાને થોડા સપ્તાહ પહેલાં જ દેશ માટે પાંચ મોટી પ્રતિજ્ઞાઓ જાહેર કરી હતી. તેઓ આ વર્ષે ફુગાવાને 50 ટકા ઘટાડવા માગે છે, રાષ્ટ્રીય દેવામાં ઘટાડો તેમનું બીજું લક્ષ્યાંક છે. એનએચએસની સેવાઓમાં સુધારો અને ઇંગ્લીશ ચેનલ પસાર કરીને આવતા માઇગ્રન્ટસની સમસ્યા ઉકેલવા તેઓ પ્રતિબદ્ધ છે. સુનાકના 100 દિવસના શાસને બ્રિટિશ જનતામાં આશાના કિરણો પ્રગટાવ્યાં છે. તેમની કાર્યપદ્ધતિ અને નિર્ણયોને કારણે મતદારોમાં ટોરીઝ અંગેની ઇમેજમાં પણ સુધારો થઇ રહ્યો છે. આગામી 100 દિવસમાં સુનાક તેમના નિર્ણયો દ્વારા જનતાનો વધુ વિશ્વાસ સંપાદિત કરવાનો પ્રયાસ કરશે એ વાતમાં કોઇ શંકા નથી.


comments powered by Disqus