પેન્ટાગોનઃ અમેરિકાના મોન્ટાના રાજ્યના આકાશ પર ચીનનું બલૂન ઊડતું જોવા મળ્યું હતું. જે બાદ તે સ્પાય બલૂન હોવાનું જણાતાં દરેક એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. અમેરિકાની સાથે જ કેનેડાએ પણ આ મુદ્દાને સંવેદનશીલ ગણાવી હતી અને તેના પર નજર રાખી હતી. અમેરિકી રક્ષામંત્રી લોયડ જે. ઓસ્ટિને સૈન્ય અધિકારીઓની બેઠકનું આયોજન કરીને ખતરાનું આંકલન કરી ચીનના અધિકારીઓ વાતચીત કરી હતી. 3 બસના આકારના આ બલૂન પર પહેલાં પેન્ટાગોને નજર રાખવાનું શરૂ કર્યું હતું, કારણ કે તેને પાડવાની સ્થિતિમાં લોકોને નુકસાનની આશંકા હોવાથી તેને પડાયો નહોતો. જો કે બાદમાં રહેણાક વિસ્તારથી દૂર જતાં તેને ફાઇટર પ્લેન દ્વારા છોડાયેલી મિસાઇલથી તોડી પાડવામાં આવ્યા હતા.
કેવી રીતે પાડી દેવાયું સ્પાય બલૂન?
4 ફેબ્રુઆરીએ અમેરિકન વાયુસેનાના એફ22 રેપ્ટર ફાઇટર દ્વારા એઇમ-9 સાઇડ વિન્ડર મિસાઇલથી ચીનના સ્પાય બલૂનને ધ્વસ્ત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ચીનના આ બલૂનને પાડવામાં અમેરિકાને 10 લાખ ડોલરનો ખર્ચ થયો છે.
શું હોય છે સ્પાય બલૂન?
સ્પાય બલૂન ગેસથી ભરેલું બલૂન જ છે, જે યાત્રી વિમાનની ઊંચાઈ જેટલી જ ઊંચાઈ પર ઉડે છે. જેની નીચે અત્યંત જટિલ કેમેરા અથવા ઇમેજિંગ ટેક્નોલોજી લાગેલી હોય છે. જે જમીન તરફ જોતાં વિવિધ વિસ્તારો, ઇમારતો, ક્લાસિફાઇડ સ્થળો કે ગુપ્ત સ્થળોની તસવીર લે છે. એટલે કે જેટલો વધારે ડેટા મળે તે સંગ્રહ કરી શકે છે.
શું - શું કરી શકે છે સ્પાય બલૂન?
સ્પાય બલૂનની નીચે મેટાલિક પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના કેમેરા લગાવાઈ શકાય છે. ઇલેક્ટ્રો મેગ્નેટિક સ્પેક્ટ્રમવાળા કેમેરા, રડાર, નાઇટ કેમેરા, ઇન્ફ્રારેડ કેમેરા પણ સ્પાય બલૂનમાં લાગી શકે છે. આ કેમેરામાં વિઝિબલ સ્પેક્ટ્રમ પર વધારે ફોકસ રહે છે, જે સતત ફોટો લઈ શકે છે અને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી જોઈતો ડેટા એકત્ર કરે છે. આ સિવાય તેમાં નાઇટ ટાઇમ કેમેરા, ઇન્ફ્રારેડ કેમેરા પણ લગાવી શકાય છે.
જાસૂસી સેટેલાઇટના બદલે સ્પાય કેમ?
અંતરિક્ષ દ્વારા જાસૂસી કરવા માટે સામાન્ય રીતે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. સેટેલાઇટને અલગ-અલગ ઓર્બિટમાં સેટ કરવામાં આવે છે, જેથી જોઈતી તસવીરો કે ડેટા એકત્ર કરી શકાતો નથી. ધરતીની નીચલી કક્ષાના ઓર્બિટમાં સેટ હોવા છતાં પણ તે ક્લિયર ફોટો લેવા સક્ષમ નથી, પરંતુ વિમાનની ઊંચાઈ પર ઉડતા સ્પાય બલૂન તે સરળતાથી કરી શકે છે. સેટેલાઇટ જો ધરતીના ચક્કર લગાવી રહ્યો છે તો તેને તે જ પોઇન્ટ પર પરત ફરતાં 90 મિનિટનો સમય લાગે છે, જેથી તેને ફોટો લેવામાં મુશ્કેલી થઈ શકે છે. તેની સામે સ્પાય બલૂન ઘણા સમય સુધી એક જ સ્થળ પર રોકાઈ શકે છે અને સતત તસવીરો લઈ શકે છે.

