દુબઈઃ કારગિલ યુદ્ધનું ષડયંત્ર રચીને ભારત સાથે વિશ્વાસઘાત કરનાર પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું રવિવારે દુબઇમાં નિધન થયું છે. 79 વર્ષના મુશર્રફ લાંબા સમયથી અમાઇલોઇડોસિસ નામની દુર્લભ બીમારીથી પીડાતા હતા અને દુબઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ભ્રષ્ટાચાર સહિતના અનેક મામલે પાક.માં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા મુશર્રફ દેશ છોડી ગયા હતા અને દુબઇમાં ભાગેડુ જેવું જીવન જીવતા હતા. હવે તેમના પરિવારની લાગણીને માન આપીને અંતિમ સંસ્કાર પાક.માં કરવા સત્તાધીશોએ મંજૂરી આપી છે.
મુશર્રફનો જન્મ પુરાની દિલ્હીમાં થયો હતો, પરંતુ ભારતના વિભાજન પછી તેમનો પરિવાર કરાચી જઇ વસ્યો હતો. સમયાંતરે પાક. સેનામાં જોડાયેલા મુશર્રફે 1999માં નવાઝ શરીફની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનો તખતો પલટીને સરકારનું નેતૃત્વ સંભાળ્યું હતું અને 20 જૂન 2001થી 18 ઓગસ્ટ 2008 સુધી પાકિસ્તાનનું પ્રમુખપદ સંભાળ્યું હતું. મુશર્રફે સૈન્ય વડા રહેતાં કારગિલ યુદ્ધની યોજના ઘડી કાઢી હતી.
ભારતને આપ્યા ઊંડા જખમ
એપ્રિલથી જૂન 1999 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું ત્યારે મુશર્રફ પ્રકાશમાં આવ્યા હતા. તે સમયે તેઓ જ પાકિસ્તાની સેનાના વડા હતા. સૈન્ય વડા તરીકે તેમણે ભારતને ઊંડા જખમોની ભેટ આપી હતી તેને કદી ભૂલી શકાય તેમ નથી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારતાં સંબંધોને નવો આયામ આપ્યો હતો, તેમની આ પહેલ લાંબો સમય કાયમ ના રહી. કહેવાય છે કે મુશર્રફે જ અટલજીનો સાથ આપવામાં પાછી પાની કરી હતી.
કારગિલમાં મોતને હાથતાળી
કારગિલ યુદ્ધ વખતે ભારતનું યુદ્ધવિમાન નિશાન ચૂક્યું હતું અન્યથા કારગિલ યુદ્ધ વખતે જ મુશર્રફ અને નવાઝ શરીફનાં મોત થયા હોત. આગ્રા મંત્રણા પડી ભાંગ્યા પછી તરત મુશર્રફે કારગિલમાં પાક.ના વડા પ્રધાનની જાણ બહાર કબજો જમાવવા કોશિષ કરી હતી. જોકે ભારતની આર્મીએ બહાદુરી દાખવીને પાક. અને મુશર્રફની મેલી મુરાદ પર પાણી ફેરવ્યું હતું. 24 જૂન 1999નાં રોજ ભારતીય એરફોર્સનાં જગુઆર વિમાને પાક. સેના પર બોમ્બ વરસાવ્યો હતો. બોમ્બ નિશાન ચૂકી ગયો હતો આથી વખતે પીઓકેનાં ગુલટેરી વિસ્તારમાં હાજર મુશર્રફ તેમજ નવાઝ શરીફ બચી ગયા હતા.
1965માં ભારત સાથે યુદ્ધ લડ્યું હતું
કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી 21 વર્ષની ઉંમરે મુશર્રફે આર્મી જોઈન કરી હતી. તેમણે 1965માં ભારત સાથે યુદ્ધ લડ્યું હતું. આ જંગ પાકિસ્તાન હારી ગયું તેમ છતાં તેમનું મેડલ આપીને સન્માન કરાયું હતું.

