ગુજરાતના સૌથી મોટો રૂ. 1414 કરોડનો સટ્ટો દુબઈથી કરાતો હતો ઓપરેટ

Wednesday 08th February 2023 04:28 EST
 
 

અમદાવાદઃ ગત ડિસેમ્બર માસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે નોંધેલા સટ્ટાના એક કેસની તપાસ કરતાં એવી માહિતી મળી કે, પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા. કેમ કે એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડતા ગુજરાતના બુકીઓએ 11 બોગસ એકાઉન્ટ મારફતે રૂ. 100 કે 200 કરોડ નહીં પણ રૂ. 1414 કરોડના વ્યવહારો કર્યા હતા. જેમાં ક્રાઇમબ્રાન્ચે ગુજરાતના સૌથી મોટા બુકી રાકેશ રાજદેવ સહિત પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીઓએ સટ્ટાનાં નાણાં ટ્રાન્ઝેક્શન કરીને દુબઈ મોકલ્યા હોવાથી તમામ 11 બોગસ એકાઉન્ટનું ફોરેન્સિક ઓડિટ કરવા તજવીજ હાથ ધરાઈ છે. ઉપરાંત આરોપીઓ સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા પણ તૈયારી શરૂ કરાઈ છે. પાંચ આરોપી પૈકી કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ નામના બે આરોપી વિદેશ ભાગી ન જાય તે માટે તેમની સામે લૂકઆઉટ નોટિસ બહાર પડાઈ છે. રાજકોટનો મુખ્ય સૂત્રધાર રાકેશ રાજદેવ દુબઈમાં બેસીને આખું રેકેટ ઓપરેટ કરતો હોવાનું બહાર આવ્યું છે.
ક્રાઇમબ્રાન્ચે નોંધેલી ફરિયાદ મુજબ પોલીસને એક બોગસ એકાઉન્ટની માહિતી મળી હતી, જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં ઓઢવની એક બેન્કમાં આકાશ ઓઝાના નામે એક એકાઉન્ટ હતું. જેનો ઉપયોગ કરતા હરિકેશ પટેલે એપ્રિલથી જુલાઈ 2022ના ચાર મહિના દરમિયાન રૂ. 100 કરોડનાં ટ્રાન્ઝેક્શન કર્યાં હતાં. જે બાદ તે નાણાં વારાફરથી એક બાદ એક ખાતામાં જમા થઈ રહ્યા હોવાનું જણાયું હતું.અને છેલ્લે આકાશ ઓઝાના ઓઢવની બેન્કના ખાતામાં રૂ. 63 લાખ જમા થયા હતા.


    comments powered by Disqus