લંડન
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટેના કેન્દ્રીય બજેટમાં લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) અંતર્ગત ફોરેન રેમિટન્સ માટેનો ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ) પાંચ ટકાથી વધારીને 20 ટકા કરી દીધો છે. તેથી તેમણે હવે ઊંચો ટેક્સ ચૂકવવો પડશે. એજ્યુકેશન અને મેડિકલ હેતૂઓ સિવાય વિદેશમાં મોકલાયેલા અન્ય હેતૂઓ માટેના નાણા અને વિદેશ પ્રવાસો પર આ નિર્ણય લાગુ થશે.
એલઆરએસ અંતર્ગત વિદેશ મોકલાતા નાણા પરનો ટીસીએસ વર્ષ 2020માં લાગુ કરાયો હતો. આ જોગવાઇનો હેતૂ વિદેશ મોકલાતા નાણા નિયંત્રિત કરવા અને તેને વિદેશમાં નાણા મોકલનાર ભારતીયના આવકવેરા રિટર્ન સાથે સાંકળવાનો છે. વર્તમાન સમયમાં નાણા વ્યવહારના પ્રકારના આધારે ટીસીએસના વિવિધ દર લાગુ પડે છે.
વિદેશ મોકલાતા નાણા પર વાર્ષિક રૂપિયા 7 લાખની મર્યાદાને હવે હટાવી લેવામાં આવી છે. ટીસીએસ ટેક્સ નથી અને કોઇપણ પ્રકારના આર્થિક વ્યવહાક પર ચૂકવાયેલા ટીસીએસની રકમની ક્રેડિટ જે તે વર્ષ માટે કર જવાબદારી સામે એડજસ્ટ કરવા ટીસીએસ ચૂકવનાર વ્યક્તિને ઉપલબ્ધ રહે છે.
આઇપી પસરિચા કંપનીના પાર્ટનર મનીતપાલ સિંહના જણાવ્યા અનુસાર એલઆરએસમાં ન કેવળ વિદેશ મોકલાયેલી ભેટ, શિક્ષણ અથવા મેડિકલ હેતૂઓ માટે મોકલાયેલા નાણાનો સમાવેશ થાય છે પરંતુ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ટ્રાવેલ કાર્ડ દ્વારા કરાયેલી ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. જોકે આઇટી રિટર્ન ભરતી વખતે આવક પરના ટેક્સમાં ટીસીએસને એડજસ્ટ કરી અપાશે. આ બદલાવ 1 જુલાઇથી અમલમાં આવશે.
વિદેશમાં નાણા મોકલવાનું અઘરૂં બની જશે
કોઇપણ ભારતીય વિદેશ ગયેલા સ્વજનના નિભાવ માટે કે પછી ફોરેનમાં કોઇ મિલકત ખરીદે કે પછી ફોરેન પેકેજ ટૂરમાં ફરવા જાય અથવા તો ફોરેનમાં કોઇપણ જાતનું રોકાણ કરવા માટે ભારતમાંથી નાણા મોકલે તો તેના પર 20 ટકાના દરે ટીસીએસ ફરજિયાત કરાયો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડના જણાવ્યા અનુસાર વિદેશમાં નાણા મોકલવા મુશ્કેલ બની જશે. જો કોઇ વ્યક્તિએ રૂપિયા 1 કરોડ વિદેશ મોકલવા હશે તો વધારાના 20 લાખની જોગવાઇ કરવી પડશે. આ રકમ તેને ટેક્સમાં મજરે તો મળી જશે પરંતુ ભારતમાં આઇટી રિટર્ન ફાઇલ કર્યા પછી એકથી અઢી વર્ષ સુધી તેના આ 20 ટકા નાણા સરકારની તિજોરીમાં સલવાયેલા રહેશે.

