ભારતીય અર્થતંત્રના દરેક પાસાને સ્પર્શતું મોદી સરકારનું વધુ એક બ્રિલિયન્ટ બજેટ

Wednesday 08th February 2023 05:15 EST
 

1 ફેબ્રુઆરી 2023ના રોજ મોદી સરકાર દ્વારા તેમના બીજા કાર્યકાળનું અંતિમ સંપુર્ણ બજેટ રજૂ કરાયું. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી મોદી સરકાર દ્વારા સંપુર્ણ બજેટ રજૂ કરાશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ભારતીય અર્થતંત્રના દરેક પાસાને સ્પર્શતું વધુ એક બ્રિલિયન્ટ બજેટ રજૂ કરાયું છે. સીતારામનનું આ બજેટ ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવતા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ગણતરીપુર્વકના આર્થિક સુધારા, વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન, ગ્રામીણ વિકાસ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સાતત્યનું અદ્દભૂત મિશ્રણ છે. આ બજેટમાં નાણામંત્રીએ આવકવેરાના સ્લેબમાં સુધારા કરીને મધ્યમવર્ગને પણ મોટી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. મોદી સરકાર દ્વારા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા 10 લાખ કરોડની મસમોટી જોગવાઇ કરાઇ છે. આ રકમ દેશના જીડીપીના 14.5 ટકા જેટલી થવા જાય છે અને ગયા વર્ષ કરતાં 33 ટકાનો વધારો દર્શાવે છે. આ ફંડના કારણે ધોરીમાર્ગો, ગ્રામીણ સડકો અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મોટી મદદદ મળી રહેશે અને ઘરેલુ આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારમાં મોટો વધારો થશે. સીતારામને આ બજેટમાં રેલવે માટે અત્યાર સુધીની સૌથી વધુ 2.40 લાખ કરોડની જોગવાઇ કરી છે જે ભારતીય રેલવેના રંગરૂપ બદલી નાખશે. તે ઉપરાંત 50 એરપોર્ટ અને હેલિપોર્ટની જોગવાઇ એર કનેક્ટિવિટીમાં વધારો કરશે. બજેટમાં ઇન્કમટેક્સ એક્સઝ્મ્પશન લિમિટ પાંચ લાખથી વધારીને 7 લાખ રૂપિયા કરાઇ છે . ટેક્સમાં ઘટાડો થવાના કારણે મધ્યમ વર્ગ પાસે ખિસ્સામાં વધુ નાણા રહેશે. અમીરોને પણ હવે 42.4 ટકાના સ્થાને 39 ટકા જ ટેક્સ ચૂકવવો પડશે. કેપિટલ ગેઇન ટેક્સમાં કોઇ વધારો ન કરાતાં કોર્પોરેટ હાઉસ પણ ઘણા ખુશ છે. જોકે સરકાર પરિવારોના માસિક બજેટ ખોરવી નાખતા સેસ અને જીએસટીમાં ઘટાડો કરવામાં નિષ્ફળ રહી છે.  જો આ રાહત અપાઇ હોત તો ગ્રાહકની ખર્ચ શક્તિમાં વધારો કરી શકાયો હોત. દેશને ક્લીન એનર્જીની દિશામાં લઇ જવા સીતારામને 35,000 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. 2030 સુધીમાં પાંચ મિલિયન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું સરકારનું લક્ષ્યાંક છે. કૃષિ સેક્ટરમાં સુધારા માટે કેટલાંક નવા પગલાંની જાહેરાત બજેટમાં કરાઇ છે. જો આ પગલાં સફળ રહેશે તો દેશના ગ્રામીણ વિસ્તારોની સમૃદ્ધિના નવા યુગનો પ્રારંભ થશે. કૃષિ સેક્ટરને અપાતી ક્રેડિટમાં વધારો કરાયો છે અને એગ્રી-ટેક સ્ટાર્ટ અપ્સને પણ પ્રોત્સાહન અપાયું છે. જોકે મનરેગાની ફાળવણીમાં 33 ટકાનો મોટો ઘટાડો ગ્રામીણ ગરીબોના રોજગારમાં ઘટાડો કરી શકે છે. સરકારે દેશને વધુ ડિજિટલ બનાવવાની દિશામાં પણ પગલાં લીધાં છે. ડીજી લોકરના વિસ્તરણ અને ફાઇવજી લેબ્સથી માંડીને ઇ-અદાલતો અને ડિજિટલ સ્કીલ સેન્ટરોની જોગવાઇ ભારતને ટેકનોલોજીમાં વધુ સમૃદ્ધ બનાવશે. બેન્કિંગ સેક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં કરાયેલા સુધારા અર્થતંત્રને વધુ વેગ આપશે. સ્ટાર્ટ અપ્સને ટેક્સ હોલીડેના કારણે વિકાસ કરવાની વધુ તકો પ્રાપ્ત થશે. આ બજેટની અસરો લાંબાગાળે જોવા મળશે અને વૈશ્વિક સ્તરે ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આજે મોટાભાગના વિકસિત દેશો મંદી સામે સંઘર્ષ કરી રહ્યાં છે ત્યારે ભારત 2023-24માં 6.5 ટકાનો વિકાસ દર હાંસલ કરવાનો છે.


comments powered by Disqus