15 માર્ચનું બજેટ ચાન્સેલર જેરેમી હન્ટ માટે બેધારી તલવાર જેવું બની રહેશે

Wednesday 08th March 2023 06:14 EST
 

15મી માર્ચે ચાન્સેલર જેરેમી હન્ટ ફરી એકવાર સંસદમાં ઊભા થઇને યુકેના અર્થતંત્રનો ચિતાર રજૂ કરીને દેશની બેલેન્સ શીટ ઉજ્જવળ બનાવવાની યોજનાઓ રજૂ કરશે. નવેમ્બર 2022માં તેમણે નવી સુનાક સરકારનું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે તેમના પુરોગામી ક્વાસી ક્વારતેંગ દ્વારા ઉતાવળે લેવાયેલા પગલાંઓ ફેરવી તોળવા સિવાય વધારાનું કોઇ કામ કર્યું નહોતું. તે સમયે પબ્લિક ફાઇનાન્સનું ચિત્ર અંધાધૂંધીથી ભરેલું હતું. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીને અર્થતંત્ર ધુમિલ જણાતું હતું. તે સમયે જેરેમી હન્ટે એવો પ્રભાવ પાડવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ અત્યંત કરકસરયુક્ત બજેટ આપવા જઇ રહ્યાં છે. પરંતુ ખરેખર તો તેઓ આગામી સંસદની ચૂંટણી પછી આવી રહેલા આકરાં પગલાંઓનો ચિતાર આપી રહ્યાં હતાં. તે સમયે તેમને આશા હતી કે એકવાર ગિલ્ટ્સ માર્કેટ શાંત થશે તો સ્થિતિ આપોઆપ કાબૂમાં આવી જશે. નસીબજોગે એવું થયું પણ ખરું. યુકેના અર્થતંત્રે ધાર્યા કરતાં સારો દેખાવ કર્યો અને સરકારની ટેક્સની આવકમાં પણ વધારો થયો. જથ્થાબંધ કિંમતોમાં ઘટાડાના કારણે એનર્જી બિલ પર અપાતી રાહતમાં ઘટાડો કરી શકાયો. વ્યાજદરોમાં ધાર્યા કરતાં ઝડપી ઘટાડો થતાં યુકેને વ્યાજની ચૂકવણી પણ ઓછી કરવી પડી હતી. તેથી હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સમય જેરેમી હન્ટનો સાથ આપી રહ્યો છે. હકીકતમાં એવી સ્થિતિ નથી. એક મહિના પહેલાં તમને એમ કહેવામાં આવે કે આગામી વર્ષે તમારે તમારી આવક કરતા 40 ટકા વધુ રકમ ખર્ચવી પડશે અને એક મહિના બાદ એમ કહેવામાં આવે કે તમારા માટે સારા સમાચાર છે. તમારે હવે ફક્ત 30 ટકા જ રકમ વધુ ખર્ચવી પડશે. તમને ચોક્કસ થોડી રાહત લાગશે પરંતુ આ રાહત છદ્મ જ રહેવાની છે. 2025ના પ્રારંભે સંસદની ચૂંટણી આવી રહી છે તેથી વડાપ્રધાન સુનાક અને ચાન્સેલર જેરેમી હન્ટ પાસે વધુ સમય નથી. આમ પણ ચૂંટણી પહેલાંના બજેટ હંમેશા રાજકીય વધુ હોય છે. તેથી 15મી માર્ચે રજૂ થનારું બજેટ પણ મતદારોને લોભાવનારું અને કન્ઝર્વેટિવ પાર્ટીને રાજકીય લાભ કરાવનારું હશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. હાલ તો આ સરકાર પાસે ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવા સિવાય બીજો કોઇ આરો નથી. તેથી જેરેમી હન્ટના આગામી બજેટમાં કોઇ નાટકીય બાબત જોવા મળે તેવી કોઇ સંભાવના નથી. જેરેમી હન્ટ કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણી પરિણામો પર અસર થાય તેવી કોઇ વિવાદાસ્પદ બાબતને સ્પર્શ નહીં કરે. સવાલ માત્ર એટલો છે કે ચૂંટણી પહેલાના સેમીફાઇનલ બજેટમાં ચાન્સેલર જનતાને કેટલી રાહતો આપે છે અથવા તો તેઓ 2024ના બજેટ સુધી રાહ જોઇને અર્થતંત્રમાં વાસ્તવિક સુધારા માટે પગલાં લે છે કે કેમ. હાલ તો જનતા કાળઝાળ મોંઘવારીમાં પીસાઇ રહી છે. તેમાં પણ એપ્રિલથી એનર્જી પ્રાઇઝ કેપમાં વધારો થઇ રહ્યો હોવાથી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ગંભીર બનવાની સંભાવના છે. હાલ તો દેશમાં ફૂડ ચેઇન સપ્લાય પણ ખોરવાઇ જતાં લોકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યાં છે. તે ઉપરાંત વેતન વધારાની માગ સાથે દેશમાં જે પ્રકારે હડતાળોનો સિલસિલો ચાલી રહ્યો છે તે જોતાં તેમને પગાર વધારો આપી કેટલી હદે ખુશ કરી શકાય તે પણ સરકાર માટે એક અગ્નિપરીક્ષાનો વિષય છે. ટૂકમાં જેરેમી હન્ટ માટે આગામી બજેટ બેધારી તલવાર જેવું છે. જેમાં તેમણે અર્થતંત્રને વેગ આપવાની સાથે સાથે દેશની જનતાની હાડમારીઓ દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે. તે ઉપરાંત આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતાને લોભાવવાની પણ છે. 15મી માર્ચે આ બધા સવાલોનો જવાબ મળી જશે. બસ થોડી રાહ જોઇએ.


comments powered by Disqus