જૈન ધર્મમાં જીવનશૈલી અને વિજ્ઞાનનો સમન્વય છે

તુષાર ગાંધી Wednesday 08th March 2023 06:12 EST
 

‘જૈન ધર્મ આત્માનો ધર્મ છે. મારી સમજ મુજબ એમાં એક જીવનશૈલી છે, એમાં વિજ્ઞાન પણ છે, પ્રત્યેક ધર્મમાં નમસ્કારની ભાવના છે એમ જૈન ધર્મમાં પણ નવકાર મંત્રમાં અરિહંતોને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયોને અને સાધુઓને વંદન કરાયા છે. કોઈ ગુણવિશેષની વંદના છે, વ્યક્તિની નહિ, એટલે જ મને આ વિચાર આવ્યો.’ વિશ્વભરમાં જેમની સ્વરસુગંધ પ્રસરી છે એવા ગીતકાર–સ્વરકાર–ગાયક, જૈન સમાજમાં લોકપ્રિય કલાકાર આશિષ મહેતાએ મને કહ્યું.
કયા સવાલના જવાબમાં અને કયા સ્થળે કહ્યું એના ઉત્તર સુધી જવા માટે શબ્દયાત્રા કરીએ છત્તીસગઢના રાયપુર શહેરની. અહીં શ્રી ઋષભદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન ભવ્ય અને દિવ્ય અંજનશલાકા મહોત્સવ ઊજવાઈ ગયો. ‘પ્રભુના પરમ પ્રેમને પામવાનો અવસર એટલે અંજનશલાકા મહોત્સવ’ આવા સૂત્ર સાથે યોજાયેલા આ મહોત્સવમાં આશિષ મહેતાના નિમંત્રણથી કાર્યક્રમ સંચાલનનો અવસર મને પણ મળ્યો. આ દિવસો દરમિયાન ખરતર ગચ્છાધિપતિ શ્રી જિનમણિપ્રભ સૂરિશ્વરજી મહારાજના સાનિધ્યનમાં પંચકલ્યાણક ઓડિયો-વીડિયો ડ્રામા અને ડાન્સ સાથે પ્રસ્તુત થયા અને રોજ રાત્રે ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ થયા. જે ભક્તિપદો રજૂ થયા તેમાં આનંદધનજી, યશોવિજયજી, દેવચંદ્રજી, જ્ઞાનવિમલજી તથા અન્ય કવિઓના પ્રાચીન પદો ઉપરાંત આશિષ મહેતાના લખેલા અર્વાચીન પદો પણ ગવાયા. કાર્યક્રમો એવા થયા જેમાં એક હતો અભિજીત ઘોષાલ પ્રસ્તુત ‘તું હી મન તું જીવન’. બીજો હતો ‘શબ્દ સે નિઃશબ્દ કી યાત્રા’, સૂફી ભક્તિ રજૂ કરી દિલ્હીના સાધો બેન્ડે, ત્રીજો વિશેષ કાર્યક્રમ હતો વિશ્વ પ્રસિદ્ધ નીરજ આર્યના ‘કબીર કેફે’નો જેમાં કબીરના જ પદો રજૂ થયા. આ ઉપરાંત જે કાર્યક્રમો થયા એની પ્રસ્તુતિને રાયપુરના હજારો શ્રોતાઓએ પ્રેમથી વધાવ્યા. આ ક્ષણે લેખના આરંભે લખેલો સંવાદ એમની સાથે થયો હતો. સામાન્ય રીતે થતા ભક્તિ સંગીતના કાર્યક્રમોમાં થોડી દુરંદેશિતા અને પરિવર્તનશીલ વિચારધારા કોઈ રજૂ કરે અને એનો સહજ સ્વીકાર થાય ત્યારે પ્રસ્તુત કરનાર કલાકાર – આયોજક બંનેને સંતોષ થતો હોય છે. અહીં એવી જ અનુભૂતિનો અનુભવ થયો.
સૂફીઝમમાં પ્રેમની પ્રતીતિ - પ્રીતિ અને પ્રાપ્તિ છે. એક કથા છે કે એક શિષ્ય ગુરુ પાસે શિક્ષા લેવા ગયો તો ગુરુએ ના પાડી. કારણ? તો કહે કે તું હજી કોઈને પ્રેમ નથી કરી શકતો... દાદુ દયા લખે છે જબ લગ શીશ ન સોંપીયે, તબ લગ ઈશ્ક ના હોય, આશિક મરને ના ડરે, પિયે પિયાલા સોય. પંદરમી સદીમાં થઈ ગયેલા સંત કવિ કબીરના પદોએ એક ભક્તિ આંદોલન જગાવ્યું જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
પ્રાચીન સંતવાણી આજે પણ એટલી જ પ્રસ્તુત છે - આવનારા સમયમાં પણ રહેશે કારણ કે એમાં સર્વકાલીન અભિવ્યક્તિ છે. ઈન્ડિયન અને વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ સાથે રજૂ થાય કે માત્ર લોકસંગીત રૂપે રજૂ થાય એમાંથી વ્યક્ત થતું પરમ સત્ય કોઈ પણ વ્યક્તિને આકર્ષે જ છે. શ્રોતા એની સાથે કનેક્ટ થાય જ છે.
‘વારી જાવાં રે બલિહારી જાવાં રે...’, ‘ક્યા લે કે આયા જગતમેં...’ જેવા પદો વન્મમોર પર વન્સમોર થાય, યુવા પેઢી ધાર્મિક ઉત્સવમાં એની સાથે નૃત્ય કરે ત્યારે એ દ્રશ્ય મધુર સંભારણું બની રહે છે. કલાકાર તરીકે ખૂબ પ્રવાસો કર્યા, હજી કરવાના છે એમાં રાયપુરનો આ પ્રવાસ વિશેષરૂપે આંતરિક અજવાળાં પાથરનાર બની રહ્યો.


comments powered by Disqus