પાકિસ્તાનની બેવડી નીતિઃ રશિયા પાસેથી ઘઉં લઈ, યુક્રેન સાથે હથિયારોની ડીલ

Thursday 09th March 2023 03:39 EST
 
 

ઇસ્લામાબાદઃ દાણા-દાણા માટે વલખાં મારતાં પાકિસ્તાનની રશિયાએ મદદ કરી હતી, બદલામાં પાકિસ્તાન તેની સાથે દગો કરી રહ્યું છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ પાકિસ્તાને યુક્રેનને દારૂગોળાના સપ્લાય માટે બ્રિટન સાથે કરાર કર્યા છે. આ કરાર પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેક્ટરી સાથે થયા છે, જેની માલિકી પાકિસ્તાન સરકાર પાસે છે.
કરાર હેઠળ તોપગોળાના રોકેટ સહિત દારૂગોળાનાં 162 કન્ટેનરની ખેપ એમ.વી. જૂસ્ટ જહાજ દ્વારા ફેબ્રુઆરીમાં કરાચી બંદરથી જર્મનીના રસ્તેથી યુક્રેન મોકલાઈ હતી. તેની ચર્ચા એટલા માટે થાય છે કે કારણ કે રશિયાએ જહાજ દ્વારા ઘઉંનો મોટો જથ્થો પાકિસ્તાનને મોકલ્યો હતો. હવે રશિયાના ક્રૂડ ઓઇલનો જથ્થો પણ પાકિસ્તાન પહોંચવાનો છે. આ પહેલીવાર નથી કે જ્યારે રશિયા સાથે એક વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેનને દારૂગોળો સપ્લાય કરવામાં પાકિસ્તાનનું નામ સામે આવ્યું હોય. આ અગાઉ બ્રિટને એર બ્રિજ મારફતે યુક્રેનમાં હથિયારો મોકલ્યાં હતાં, ત્યારે પણ પાકિસ્તાન તેનો હિસ્સો બન્યું હતું.
યુક્રેનને દારૂગોળો પહોંચાડવા બ્રિટન ઉપરાંત પોલેન્ડની એક ફર્મે પણ પાકિસ્તાની કંપની સાથે કરાર કર્યા હતા. કેનેડાની એક કંપની આ પ્રક્રિયામાં મધ્યસ્થી છે.
બદલામાં યુક્રેન પાક. હેલિકોપ્ટર અપગ્રેડ કરશે
દારૂગોળાના બદલામાં યુક્રેને પાકિસ્તાનને તેના Mi-17 હેલિકોપ્ટરને અપગ્રેડ કરવામાં મદદ કરવાનું વચન આપ્યું છે. વિમાનનાં એન્જિનોની સાથે ઔદ્યોગિક દરિયાઈ ગેસ ટર્બાઇનના ઉત્પાદનમાં સંકળાયેલી યુક્રેનિયન કંપની પાકિસ્તાનને હેલિકોપ્ટર અપગ્રેડ કરવામાં મદદ કરે છે.
ઘઉંની ખેપ લઈને પાક. પહોંચ્યું ગુજરાતીનું જહાજ
પાકિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છે. તેવામાં રશિયાએ મદદનો હાથ લંબાવ્યો છે. પાકિસ્તાન રશિયા પાસેથી ઘઉંની આયાત કરે છે. ભારત કોઈપણ દેશને મદદ કરવામાં પાછી પાની નથી કરતું તે રીતે જ એક ભારતીય અને ગુજરાતીનું જહાજ એમવી લીલા 50 હજાર મેટ્રિક ટન ઘઉં લઈને રશિયાથી પાકિસ્તાન પહોંચ્યું છે. પાકિસ્તાન રશિયા પાસેથી કુલ 4,50,000 મેટ્રિક ટન ઘઉંની આયાત કરશે. એમવી લીલા જહાજ ગ્લોબલ માર્કેટિંગ સિસ્ટમ ઇન્ડસ્ટ્રીઝનાં 40 જહાજો પૈકી એક છે. ભારતીય ડો. અનિલ શર્માએ આ કંપની ઊભી કરી છે.


comments powered by Disqus