વિદેશમાં વસેલા પ્રવાસી ભારતીયો ઝડપથી દરેક ક્ષેત્રમાં અગ્રેસર થઇ રહ્યાં છે. સંભવિત છે કે 2024માં અમેરિકામાં યોજાવા જઇ રહેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય મૂળની બે મહિલા સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલી અને હાલના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે જંગ લડાય. 2025માં કેનેડાની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમિતસિંહ વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર બની શકે છે. આ પહેલાં પ્રવાસી ભારતીયો યુરોપમાં પોતાનો કરિશ્મા દેખાડી ચૂક્યાં છે. રિશી સુનાક બ્રિટનના વડાપ્રધાનપદે અને લિયો વરાડકર આયર્લેન્ડના વડાપ્રધાનપદે આરૂઢ થઇ ચૂક્યાં છે. એન્ટોનિયો કોસ્ટા પોર્ટુગલના વડાપ્રધાન છે. આ ત્રણે પ્રવાસી ભારતીયોના સંતાન છે. મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો વસવાટ કરી રહ્યાં છે જેવા દેશોમાં પણ ભારતીય મૂળના લોકો ઝડપથી રાજકીય શિખરો સર કરી રહ્યાં છે. મોરેશિયસમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને ભારતીય મૂળના છે. સિંગાપોરના વડાપ્રધાન અને ગૂયાના, સૂરિનામ, સેશેલ્સના રાષ્ટ્રપતિ પણ ભારતીય મૂળના છે. વિશ્વના આર્થિક જગતમાં પણ પ્રવાસી ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. વિશ્વની ટોચની 58 કંપનીઓના સીઇઓ ભારતીય મૂળના છે. વિકસિત દેશોમાં સારી કામગીરી કરનારની કદર થાય છે. પ્રવાસી ભારતીયોએ તેમની સફળતાનો શ્રેય યજમાન દેશોને પણ આપવો જોઇએ કારણ કે તેમણે ભારતીય મૂળના લોકોને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટેનું વાતાવરણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ દેશો બિનસાંપ્રદાયિકતાનું ચુસ્તપણે પાલન કરે છે. આ દેશો સફળતા માટે એવું કોર્પોરેટ વાતાવરણ આપે છે જેમાં ધર્મ અને વંશને સ્થાને ગુણવત્તાને સૌથી વધુ મહત્વ અપાય છે. આ દેશો ભારતીય મૂળના લોકોને પોતાની અગ્રણી કંપનીઓ, યુનિવર્સિટી, અદાલતો અને હોસ્પિટલોનું નેતૃત્વ સોંપવામાં જરાપણ ખચકાટ અનુભવતા નથી. તમામ સેક્ટરમાં ભારતીય મૂળના લોકોને સ્પર્ધા માટે સમાન તકો ઉપલબ્ધ બને છે. પ્રવાસી ભારતીયોની સફળતા પરથી ભારત બોધપાઠ લઇ શકે છે. જો ભારત ખરેખર વિશ્વગુરુ બનવા માગતો હોય તો તેણે પણ વિશ્વને ધર્મ, વંશ, સંસ્કૃતિના મામલે ઉદાર વાતાવરણ આપવું પડશે. પોતાના નાગરિકોની સાથે સાથે વિદેશી પ્રવાસીઓની પ્રતિભાને મોકળું વાતાવરણ આપવું પડશે. વિકસિત દેશોમાં જે રીતે પ્રવાસી ભારતીયોને કોઇપણ પ્રકારના ભેદભાવ વિના તક આપવામાં આવે છે તેનાથી વિપરિત ભારતમાં ધાર્મિક ગજગ્રાહ, વર્ગવિગ્રહ, અસહિષ્ણુતા, પરિવારવાદ, વહાલા દવલાની નીતિઓ જેવા અનેક પરિબળો યોગ્ય કુશળતા ધરાવતા ઉમેદવારોને વિકાસ સાધવા માટે મોકળું વાતાવરણ આપી શક્તાં નથી. તેના કારણે જ ભારતમાંથી હાઇસ્કીલ્ડ યુવાધન વિકસિત દેશો તરફ પલાયન કરી રહ્યું છે. ભારતમાં ખરેખર ટેલેન્ટ આધારિત સમાજ રચવાની તાતી જરૂર છે જે ખરેખર ભારતને વિશ્વગુરૂ બનાવી શકે.
