જેરુસલેમઃ ઇઝરાયલ પર 7 ઓક્ટોબરે હમાસે કરેલા હુમલા પછી શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂરો થઈ ગયો છે. ઇઝરાયલની સેનાએ સોમવારે જાહેરાત કરી હતી કે, અમે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું છે. ઉત્તર ગાઝાના આશરે 11 લાખ લોકોએ દક્ષિણમાં શરણ લીધું છે. 15 લાખ લોકો બેઘર થઈ ગયા છે. આ સંખ્યા ગાઝાની કુલ વસતીની 70% છે. ઇઝરાયલની સેનાના ત્રણ લાખ સૈનિકોએ ઉત્તર ગાઝાની કિલ્લેબંધી કરી લીધી છે, કારણ કે હમાસના કંટ્રોલ રૂમ અને કમાન્ડરોનાં ગુપ્ત ઘર ઉત્તર ગાઝામાં છે. ઇઝરાયલ સરકાર તેને “ટે કોમ્પ્લેક્સ' કહે છે.
ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે દાવો કર્યો છે કે, ‘અત્યાર સુધી હમાસના 12 કમાન્ડર ઠાર મરાયા છે. તો વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, ‘હમાસ પાસેથી તમામ બંધકોને છોડાવ્યા પછી જ અમે હુમલા બંધ કરીશું.’
ઇઝરાયલના હવાઈ હુમલામાં અત્યાર સુધી કુલ 10 હજાર મોત થઈ ચૂક્યાં છે. તેમાં 3,760 બાળકો અને 2,326 મહિલાઓ છે. ઇઝરાયલના પણ 1,400 નાગરિકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

