કોલકતાઃ ભારતના રનમશીન વિરાટ કોહલીએ રવિવારે સાઉથ આફ્રિકાની ટીમ સામે અણનમ સદી ફટકારીને પોતાની વન ડે કેરિયરની 49મી સદી પૂરી કરી હતી. તેણે કોલકતાના ઈડન ગોર્ડન પર એક યાદગાર ઇનિંગ રમી હતી. કોહલીએ રવિવારે પોતાના 35મા જન્મદિવસ પર સદી ફટકારીને સૌથી વધારે વન ડે સદી ફટકારવાના સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી હતી.
વિરાટે 49 વન ડે સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી તે સાથે જ સચિને અભિનંદન આપતી ટ્વિટ કરી હતી કે તારે 50મી સદી માટે ઈંતજાર ન કરવો પડે અને આગામી દિવસોમાં જ મારે રેકોર્ડ તોડે તેવી તને શુભેચ્છા આપું છું.
સચિન પોતાના વન ડે કેરિયરમાં કુલ 463 મેચ રમ્યો હતો, આ દરમિયાન તેણે 452 ઈનિંગમાં 18,426 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 44.83 રનની રહી હતી. સચિને કુલ 49 સદી અને 96 અર્ધ સદી ફટકારી છે. જ્યારે વિરાટે 277મી ઇનિંગમાં જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. કોહલીએ સચિન આફ્રિકા સામેની મેચમાં 49મી ઓવરમાં જ 49મી સદી પૂરી કરી હતી.
સચિને 138 બોલમાં 49મી સદી કરી હતી
સચિને એશિયા કપ 2012માં તેની 49મી સદી ફટકારી હતી. તેણે પણ સદી કરવા માટે 100 કરતાં વધારે બોલ લીધા હતા. વિરાટ કોહલીએ પણ રવિવારે કોલકાતામાં 49મી સદી કરવા માટે 200 કરતા વધારે બોલ લીધા હતાં. જોકે તેમ છતાં તેણે સચિન કરતા ઓછા બોલનો સામનો કર્યો હતો.
ટોચના પાંચ સદીવીરોમાં ત્રણ ભારતીય
સચિન અને વિરાટ પછી સૌથી વધારે વન ડે સદી ફટકારનારો ખેલાડી અન્ય કોઇ નહીં પણ ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે. તેણે 259 મેચની 25 ઈનિંગમાં 31 સદી ફટકારી છે. તેના પછી ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 30 સદી અને પાંચમા ક્રમે શ્રીલંકાના સનથ જયસર્યાએ 28 સદી ફટકારી છે.
કોહલીની કમાલ બાદ જાડેજાની ધમાલ
આઇસીસી વર્લ્ડ કપના રવિવારે રમાયેલા 37મા મુકાબલામાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત આઠમી જીત મેળવવાની સાથે જ પોઇન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવ્યું હતું. કોહલીએ અણનમ 101 રન કરીને ટીમ ઇંડિયાના જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો જ્યારે જાડેજાએ તેની બોલિંગથી સાઉથ આફ્રિકન ટીમની બેટિંગ હરોળને તોડી નાંખી હતી. જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. ભારતે પાંચ વિકેટે 326 રન કર્યા હતા જ્યારે આફ્રિકાનો દાવ માત્ર 83 રનમાં સમેટાઇ ગયો હતો.

