ચીન અને ભૂતાન વચ્ચેની મંત્રણા ભારત માટે વ્યૂહાત્મક પડકાર

Tuesday 07th November 2023 07:36 EST
 

તાજેતરમાં ચીન અને ભૂતાન વચ્ચે વિવાદિત સરહદી પ્રદેશોમાં નિશ્ચિત સરહદ નક્કી કરવા માટે મંત્રણા યોજાઇ ગઇ. ભૂતાનના વિદેશમંત્રી તંડી દોરજી અને ચીનના નાયબ વિદેશ પ્રધાન સુન વીડોંગે આ મુદ્દે જોઇન્ટ ટેકનિકલ ટીમની જવાબદારીઓ પર સહકારના કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. ચીન અને ભૂતાન વચ્ચેની આ મંત્રણા પર ભારતની ચાંપતી નજર રહી કારણ કે ભારત, ભૂતાન અને ચીનની સરહદો એકસાથે મળે છે તે ડોકલામ ભારતની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક સ્થાન રહ્યું છે. ભારત ડોકલામને ભૂતાનનો બિનવિવાદિત પ્રદેશ ગણે છે જ્યારે ચીન આ પ્રદેશ પર પોતાનો દાવો ઠોકી રહ્યો છે. ભારત માટે ડોકલામ પર ભૂતાનનો કબજો અત્યંત મહત્વનો છે કારણ કે તે પ્રદેશ ભારત અને ચીન વચ્ચે બફર ઝોન બની રહે છે. તે ઉપરાંત ભારતની મેઇનલેન્ડ અને ઉત્તરપૂર્વ ભારતના સેવન સિસ્ટર્સ રાજ્યોને જોડતો 22 કિલોમીટર લાંબો ચીકન નેક તરીકે ઓળખાતો સિલિગુડી કોરિડોર વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે. ડોકલામમાં ચીનનો પ્રવેશ ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્યો માટે અત્યંત જોખમી બની શકે છે. ભારતની મુખ્ય ચિંતા એ છે કે ભૂતાન ઉત્તરમાં ચીન સાથેના સરહદી વિવાદોના ઉકેલ માટે ડોકલામ મુદ્દે સમજૂતિ કરી શકે છે. ચીન ડોકલામમાં માઉન્ટ ગિપમોચી સુધી પોતાની સરહદ વિસ્તારવા ઇચ્છે છે. જો તેમ થાય તો સમગ્ર ડોકલામ ચીનના કબજામાં આવી જાય અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતને તે જરાપણ પોષાય તેમ નથી. આમ તો ભૂતાનના ચીન સાથે કોઇ રાજદ્વારી સંબંધો નથી પરંતુ હવે ચીન ભૂતાન પર રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા દબાણ કરી રહ્યો છે. વ્યૂહાત્મક રીતે ભારતને ઘેરવા ચીને કોઇ કસર બાકી રાખી નથી. ભારતના મોટાભાગના પાડોશી દેશોમાં ચીની પગપેસારો ઘણો વધી ગયો છે. હવે જો ચીન અને ભૂતાન વચ્ચે પણ રાજદ્વારી સંબંધો સ્થપાય તો તે ભારત માટે સૌથી ગંભીર વ્યૂહાત્મક પછડાટ ગણાશે. ડોકલામ મુદ્દે ચીન સાથે સમજૂતિ કરતાં પહેલાં ભૂતાને ભારતને વિશ્વાસમાં લેવો પડશે. ભારત અને ભૂતાન વચ્ચે સદીઓથી ઐતિહાસિક અને રાજદ્વારી સંબંધો રહ્યાં છે. ચીન સાથેની વાટાઘાટો મધ્યે ભૂતાનના રાજા ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે ત્યારે આ મુલાકાત અત્યંત મહત્વની ગણી શકાય.


comments powered by Disqus