જશવંતભાઇ દોશી : સેવા અને સ્પોર્ટ્સનો સુભગ સમન્વય

- જ્યોત્સના શાહ Tuesday 07th November 2023 07:35 EST
 
 

શ્રી જશવંતભાઇ દોશી વ્યવસાયે એકાઉન્ટન્ટ/ બેંકર પરંતુ સેવાનો ગુણ એમને ગળથૂથીમાંથી મળ્યો છે. સમાજ સેવા કરવામાં સંતોષ અનુભવે છે. અને વડિલોના આશીષથી કોમ્યુનિટી સેવા કરવાનો અવસર મળ્યો તેનું ગૌરવ છે.
Life is not about finding yourself. Life is creating yourself.
-George Bernard Shaw
જ્યોર્જ બર્નાડ શો નું આ સોનેરી વાક્ય આપણને જીવનના સર્જનનની સલાહ આપે છે. એમાં છુપાયેલું સત્ય શોધીએ જશવંતભાઇ દોશીમાં……
નૈરોબી-કેન્યામાં જન્મેલ શ્રી રતિલાલ લવજી દોશી અને મધુવંતીબહેનના પાંચ સંતાનોમાંના સૌથી મોટા પુત્ર શ્રી જશવંતભાઇ. શાળામાં ભણતા ત્યારે મોનીટર હતા. ફોટોગ્રાફીકના ય પ્રેસિડેન્ટ હતા. હરવા-ફરવાનો ય શોખ. મતલબ નાનપણથી જ નેતાગીરીનો ગુણ હતો. નૈરોબીમાં કેમ્બ્રીજ ઓ લેવલ કર્યું. આઉટવર્ડ બાઉન્ડ કોર્સ (માઉન્ટ કીલીમાંન્જારોનું ચઢાણ અને સરેંગેટી તથા સેવો નેશનલ પાર્કના વોક)માં ડ્યુક ઓફ એડિનબરો એવોર્ડ મળ્યો હતો.
વધુ અભ્યાસાર્થે ૧૯૬૬માં તેઓ યુ.કે. આવ્યા. ૧૯૬૭માં કેન્યાના એકસોડસને કારણે તેમનું કુટુંબ યુ.કે. આવ્યું. એથી કુટુંબને સેટ કરવામાં અભ્યાસ થોડો સમય માટે બાજુએ રહી ગયો. લંડનમાં એ લેવલ્સ કર્યા. ૧૯૭૨માં બેંકર અને ૧૯૭૫માં એકાઉન્ટન્ટ થયા. અને P1 MBA કર્યું. બે છેડા મેળવવા રાત’દિ ભારે જહેમત ઉઠાવી એ સમયનો તકાજો હતો. ૧૯૬૮-૬૯માં તંત્રીશ્રી સી.બી. સાથે પણ કામ કર્યું હોવાની યાદ તાજી કરી. જીવન એક સંઘર્ષ છે અને એમાંથી પાર ઉતરનાર કંઇક પામે છે.
તેઓ જ્યારે કોલેજ ઓફ નોર્થ લંડન (પૂર્વ કીલબર્ન પોલીટીકલ)માં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રથમ ઇન્ડીયન કલ્ચરલ સોસાયટી શરૂ કરવામાં એમનું નોંધપાત્ર અનુદાન હતું. લોર્ડ ડોલર પોપટ એમના સહાધ્યાયી હતા.
બોય સ્કાઉટ્સના સ્પોર્ટ્સ ડીરેક્ટર હતા ત્યારે એક્સચેન્જ ટીચર પ્રોગ્રામમાં ૧૯૭૨માં અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટ ગયા હતા
૧૯૭૮માં કલ્પનાબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. એમને બે દિકરીઓ છે. કલ્પનાબહેન પણ નવનાત ભગિનીની કમિટીમાં ૧૫ વર્ષ સેવા આપેલ અને હાલ વડીલ મંડળન઼ી કમિટીમાં સેવા આપી રહેલ છે. પતિ-પત્ની બન્ને સાથે સમાજ સેવા કરી રહ્યાં છે. સમાજની પ્રગતિ આવા ઉમદા વિચારસરણીવાળા ભાઇ-બહેનોના કારણે જ થાય છે.
નવનાત વણિક એસોસિએશનને જ્યારે ચેરિટેબલ સંસ્થાનું સ્ટેટસ મળ્યું ન હતું ત્યારથી અમૃતલાલ મવાણી સાથે કામ કરવાનું જશવંતભાઇએ શરૂ કર્યું. એ જમાનામાં નવનાત ન્યુઝ લેટર સાયકલોસ્ટાઇલીંગથી થતું ત્યારે જયંતિભાઇ કોઠારી સાથે હેન્ડ ડીલીવરી કરવામાં ય સાથ આપ્યો હતો.
છેલ્લા નવેક વર્ષથી નવનાતની વિવિધ કમિટીઓમાં અલગ-અલગ હોદ્દેથી સેવા આપતા રહ્યા છે. ૨૦૧૪ થી પાંચ વર્ષ ખજાનચી અને ૨૦૧૯થી જનરલ સેક્રેટરીનો હોદ્દો શોભાવતા રહ્યા છે.
નવનાત માટે ઝડપી ફાઇબર ઓપ્ટીક બ્રોડબેન્ડ મેળવવામાં એમની સહાયને કારણે હોલના નવા વિસ્તૃતિકરણ બાદ ઝૂમ બ્રોડકાસ્ટનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે. આ સાથે જ સ્પોર્ટસ એમનો શોખનો વિષય હોવાથી રમતવીર તરીકે ચાળીસેક વર્ષથી બેડમીન્ટન કોચ તરીકે સેવા સાદર કરી રહ્યા છે. બ્રેન્ટ યુથ કોમ્યુનિટી સર્વિસ, હેન્ડન કોલેજ, મેટ પોલીસ સહિત અન્ય અનેકોમાં પંદરેક વર્ષ અનુદાન આપ્યા બાદ નવનાતમાં બેડમીંન્ટન અને ક્રિકેટ ક્લબ ચાલુ કરવામાં ય એમનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે.
કોવિદ-૧૯ બાદ ૫ થી ૮ અને ૮ થી ૧૧ વર્ષના છોકરાઓ અને છોકરીઓને ઓલસ્ટાર્સ તેમજ ડાયનેમોસ ક્રિકેટ કોચીંગ દર રવિવારે સવારના ૧૦ થી ૧૨ વિના મૂલ્યે શીખવાડે છે. એટલું જ નહિ, ઇંગ્લીશ ક્રિકેટ બોર્ડ સાથેના સંબંધો સુદ્રઢ બનાવી એમના સપોર્ટ અને પ્રમોટથી સારી એવી પ્રગતિ કરી છે. બાળકોને મફત કીટ (બેગ પેક, ક્રિકેટ બેટ-બોલ, ડાયનોમોસને નામવાળા ટી શર્ટ) સંસ્થા તરફથી અપાય છે. તેઓ યુથ, લેડીઝ અને જેન્ટ્સની ટીમો બનાવી રહ્યા છે. ઇન્ડોર અને આઉટ ડોર બન્ને પ્રકારની રમતોને પુષ્ટિ આપવા કાર્યરત છે. બાળકો સાથે એમના માતા-પિતા પણ રમતોમાં જોડાય જેથી કોમ્યુનિટીની પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા થાય એવા પ્રયાસો કરી રહ્યા છે.
લોર્ડ્સ ક્રિકેટ ક્લબના સૌજન્યથી ક્રિકેટ સ્કેવર “Flexpitch’’ નવનાતના લોગોવાળી બનાવી છે. હાલ ઓલ સ્ટાર્ટ્સમાં ૨૮ અને ડાયનેમોસ ૨૮ રજીસ્ટર્ડ થયા છે. સંપૂર્ણ સુવિધાવાળું, નાના-મોટા સૌના હિતને લક્ષમાં રાખી પ્રવૃત્તિઓથી ધમધમતા નવનાત સેન્ટરને લંડનના શ્રેષ્ઠ કોમ્યુનિટી સેન્ટર તરીકેની નામના મળી છે જે આવા અનેક સેવાભાવી ભાઇબહેનોના સમર્પણને આભારી છે.
જશવંતભાઇ જણાવે છે કે, આજની યુવા પેઢી આવતીકાલના નેતાઓ છે એથી એમને તાલીમ બધ્ધ કરવા ખૂબ જરૂરી છે.
જ્ઞાતિ બાધ વિના રમત-ગમતમાં રસ ધરાવનાર વધુ માહિતી માટે શ્રી જશવંતભાઇનો સંપર્ક સાધી શકે છે.
07877 372 825 or email: [email protected]


comments powered by Disqus