આપણે ત્યાં શિવરાત્રિ, હોળી, મકરસંક્રાંતિ, જન્માષ્ટમી, રામનવમી એમ વિવિધ ઉત્સવ ઊજવાય છે, પરંતુ બધાં જ તહેવારોમાં સૌથી વધારે મહત્ત્વ દીપાવલીનું છે. દીપાવલીને પંચપર્વ પણ કહે છે, કારણ કે આ પર્વ ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એમ પાંચ દિવસ સુધી સતત મનાવાય છે. દીપાવલી દીપોનો એટલે કે પ્રકાશનો તહેવાર છે.
• ધનતેરસઃ પંચપર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજી, ધન્વંતરી અને યમરાજનું પૂજન કરાય છે. લક્ષ્મીજી ધનનાં દેવી છે. તેઓ સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં અને ભગવાન વિષ્ણુને વર્યા હતાં. ધનતેરસના દિવસે ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ મેળવવા લક્ષ્મીજીનું પૂજન કરાય છે. એક એવી પણ માન્યતા છે કે ધનતેરસે કોઈ વસ્તુ ખરીદાય તો તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ જ દિવસે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરાય છે. લક્ષ્મીજીની જેમ દેવતાઓના વૈદ્ય ધન્વંતરી પણ સમુદ્રમંથન દરમિયાન હાથમાં અમૃતકળશ લઈ પ્રગટ થયા હતા, તેથી ધનતેરસ પર્વે ધન્વંતરી જયંતી મનાવાય છે. તેઓ હાથમાં વાસણ (કળશ) લઈ પ્રગટ થયા હોવાથી આ દિવસે નવાં વાસણ ખરીદવાની પરંપરા છે. વૈદ્ય, હકીમ અને બ્રાહ્મણો સહિત અનેક લોકો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન કરે છે, કારણ કે સારા સ્વાસ્થ્ય વગર ધન શું કામનું? ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજના પૂજનનું પણ વિધાન છે. તેની પાછળ અનેક રસપ્રદ કથા જોડાયેલી છે. આ પૂજા દિવસે નહીં, પણ રાત્રે કરાય છે. આ દિવસે યમરાજના નિમિત્તે દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. આ માટે દક્ષિણ દિશાએ દીવો કરાય છે જેને જમદીવો કહે છે. કહેવાય છે કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું.
• કાળીચૌદશઃ દીપાવલીના એક દિવસ પહેલાં કાળીચૌદશ હોય છે. જેને રૂપ ચૌદશ કે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. કાળીચૌદશને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે ચારે બાજુ દીવાઓ પ્રગટાવાય છે. માતાજીનાં બે રૂપ છેઃ એક છે, સૌમ્ય અને બીજું છે રૌદ્ર. કાળીચૌદશના દિવસે મહાકાળીના રૌદ્ર સ્વરૂપની પૂજા કરાય છે. આ જ દિવસે હનુમાન પૂજાનું પણ વિધાન છે. આ દિવસ તાંત્રિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ મનાય છે. અન્ય તહેવારોની માફક કાળીચૌદશ પણ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ ચૌદશ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. નરકાસુરના વધ બાદ તેણે બંધક બનાવેલી સોળ હજાર એક સો કન્યાઓને મુક્ત કરાવી હતી. નરકાસુરના અત્યાચારમાંથી મુક્તિ મળતાં સૌ નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. શ્રીકૃષ્ણના શરીરમાંથી નરકાસુરના લોહીની દુર્ગંધ આવતી હતી. તેને દૂર કરવા માટે તેમને સુગંધિત તેલથી માલિશ કરી સુગંધિત જળથી સ્નાન કરાવાયું હતું. ત્યારથી કાળીચૌદશના દિવસે શરીર પર તેલથી માલિશ કરીને સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.
• દીપાવલીઃ દીપાવલી શબ્દ દીપ તથા આવલીની સંધિથી બનેલો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે પંક્તિ. આમ, દીપાવલીનો અર્થ છે દીવાઓની પંક્તિ. તેથી જ દીપાવલીને દીપોત્સવ પણ કહે છે. આ પર્વ સંદેશ આપે છે કે ‘તમસો મા જ્યોતિર્ગમય’ એટલે કે અંધારામાંથી પ્રકાશ તરફ જાઓ. આ જ ઉપનિષદોની આજ્ઞા છે, જેને દરેક ધર્મના લોકો માને છે. આ દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. પોતાના પ્રિય રાજા રામના આગમનને વધાવવા નગરમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. આસો વદ અમાસની અંધારી રાત્રિ દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી ત્યારથી દિવાળી ઊજવવાની શરૂઆત થઈ.
દીપાવલી વિક્રમ સંવતનો છેલ્લો દિવસ છે. વેપારી કાર્યસ્થળની સાફ-સફાઈ કરીને શારદા (ચોપડા) પૂજન તથા લક્ષ્મીપૂજન કરે છે અને આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિથી સભર રહે તેવી કામના કરે છે. દિવાળીના દિવસે લોકો ગણેશ, સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરે છે. મહાવીર સ્વામી દિવાળીના દિવસે જ નિર્વાણ પામ્યા હતા.
• નૂતન વર્ષઃ નૂતન વર્ષના દિવસથી વિક્રમ સંવતનો આરંભ થાય છે. નૂતન વર્ષની નવ પ્રભાતે સૂર્યનો પ્રકાશ દરેક મનમાં નવી આશાનો ઉજાસ પાથરે છે. આ દિવસે લોકો ગયા વર્ષનાં મનદુઃખ, વેરભાવ, તમામ અવગુણોને ત્યજીને સૌને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન કે હેપ્પી ન્યૂ યર કહી નવા વર્ષની શુભકામના આપે છે. નૂતન વર્ષનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગોવર્ધન પૂજા થાય છે. ગાયના છાણથી ગિરિરાજ ગોવર્ધનનાથનું સ્વરૂપ બનાવીને તેની પરિક્રમા અને પૂજન કરાય છે. નૂતન વર્ષે દરેક મંદિરોમાં અન્નકૂટ ધરાવાય છે.
• ભાઈબીજઃ કારતક સુદ બીજનો દિવસ ભાઈબીજ કે યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેટ આપે છે. પરંપરા પાછળ એક ધાર્મિક કથા સંકળાયેલી છે. યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પીડાત્મક આર્તનાદ સાંભળીને યમુનાજીનું કોમળ હૃદય દ્રવી ઊઠતું. યમુનાજીને પોતાના ભાઈ યમરાજ ખૂબ જ વહાલા હતા, તેથી તેમને પોતાને ત્યાં ભોજન કરવાનું વારંવાર આમંત્રણ આપે, પરંતુ યમરાજ કામમગ્ન હોઈ જઈ શકતા નહીં. એક દિવસ અશ્રુભીની આંખે કારતક સુદ બીજના દિવસે જમવા પધારવા માટે યમુનાજીએ યમરાજને વિનંતી કરી. યમરાજ પોતાની બહેનને ત્યાં પોતાનું વચન પૂરું કરવા પરિવાર સહિત પધાર્યા. ભોજન કર્યા પછી યમરાજે યમુનાજીને વસ્ત્રાલંકારો આપ્યાં અને હજુ પણ કંઈ માગવું હોય તો માગવા જણાવ્યું. ત્યારે યમુનાજીએ માગ્યું કે, ‘આપ કૃપા કરીને યમપુરીમાં પીડાઈ રહેલાં જીવોને મુક્ત કરો.’ યમરાજે કહ્યું, ‘બહેન, મારું કાર્ય જીવોને તેમનાં કર્મ પ્રમાણે દંડ આપવાનું છે, પરંતુ તેં વચન માગ્યું છે, તેથી હું તને વચન આપું છું કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના જળમાં સ્નાન કરી તારા જળરૂપી અમૃતનું પાન કરશે તથા જે ભાઈ બહેનના ઘેર જઈને ભોજન કરી ભેટ આપશે તેને કદીયે યમ કે યમપુરીનો ભય નહીં રહે.’

